Tue Oct 06 2026

Logo

દેશના 15 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

2026-09-25 08:35:00
Author: Mayur Patel
દેશના 15 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

અમદાવાદ/નવી દિલ્હીઃ દેશના ઘણા ભાગોમાંથી વરસાદની વિદાયની શરૂઆત થઈ ચુકી છે. હાલ વરસાદનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. અંતિમ રાઉન્ડમાં પણ કેટલાક રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આજે એટલે કે 25 સપ્ટેમ્બરે દેશના 15 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન વાવાઝોડા સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. તેમજ 40 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત IMD એ ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં આગામી 24 કલાકમાં અચાનક પૂર આવવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે અને હવે રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જોકે, દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ ચાલુ રહી શકે છે.  સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા નથી. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધુ ઘટવાની શક્યતા છે અને ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ તાલુકામાં વરસાદ પડ્યો ન હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના રિપોર્ટમાં જણાવાયું છે.

અંબાલાલે શું કરી છે આગાહી

ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં ગરમી વધવાની શક્યતા પણ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 25 સપ્ટેમ્બર સુધીમાં ગરમીમાં વધારો થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જોકે, 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન ગરમીમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ 29 અને 30 સપ્ટેમ્બરે ફરી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

હવામાન વિભાગ અનુસાર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ મુશળધાર વરસાદ પડશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં કાલે એટલે કે 25 સપ્ટેમ્બરે ભારે વરસાદ, વીજળીના કડાકા અને આંધી-તોફાનની ચેતવણી છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં પણ કાલે વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે.   પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ દરમિયાન છત્તીસગઢમાં તેજ પવન પણ ફૂંકાશે, જેની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ડમાન અને નિકોબાર દ્વીપસમૂહ, બિહાર, ગંગાના મેદાની વિસ્તારો ધરાવતા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરથી પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠા પાસે પવનની ગતિ 55-65 કિલોમીટર પ્રતિ કલાક છે અને ઝાપટાં સાથે તે 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે જ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. નૈઋત્યના ચોમાસાની રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર અને નલિયા પરથી પસાર થઈ રહી છે.