(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સબર્બન રેલવેમાં રિઝર્વ કોચમાં ગેરકાયદે મુસાફરી કરવાનું પ્રમાણ નિરંતર વધી રહ્યું છે, ત્યારે મધ્ય રેલવેએ પણ ભારતીય રેલવેના સૂચિત સુધારા અનુસાર હવે રિઝર્વ કોચમાં ગેરકાયદે મુસાફરી કરનારા સામે આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય રેલવેએ મુસાફરો માટેના નિયમોમાં મોટા ફેરફારોને હવે અમલમાં મૂક્યા છે. જન વિશ્વાસ (સુધારા જોગવાઈઓ) અધિનિયમ-2026 હેઠળ રેલવે અધિનિયમ, 1989માં કરાયેલા સુધારાઓ હવે લાગુ થઈ ગયા છે.
મધ્ય રેલવેએ મુસાફરોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે ટિકિટ વગર મુસાફરી, રિઝર્વ કોચમાં અનધિકૃત પ્રવેશ, મહિલાઓ માટે અનામત ડબ્બામાં મુસાફરી તેમ જ અન્ય વ્યક્તિની ટિકિટનો ઉપયોગ જેવા નિયમભંગ હવે ભારે પડી શકે છે. આવા ગુનાઓ માટે દંડની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને જરૂર પડે તો કોર્ટ કાર્યવાહી તથા જેલની સજાની પણ જોગવાઈ રાખવામાં આવી છે..
રિઝર્વ કોચમાં કન્ફર્મ ટિકિટ વિના અનધિકૃત પ્રવેશ કરનારા સામે પણ હવે કડક કાર્યવાહી થશે. અગાઉ આ ગુનામાં મહત્તમ 500 રૂપિયાનો દંડ હતો, જે હવે વધારીને 2,000 રૂપિયા કરવામાં આવ્યો છે.
ઉપરાંત, અધિકૃત મુસાફરોને તેમની બેઠક અથવા કોચમાં પ્રવેશતા રોકનાર સામે 1,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો દંડ ભરવામાં નહીં આવે તો મામલો કોર્ટમાં જશે, જ્યાં 3,000 રૂપિયા સુધીનો દંડ અને કોચમાંથી બહાર કાઢવાની કાર્યવાહી તેમજ જેલ પણ થઈ શકે છે.
મહિલાઓ માટે અનામત ડબ્બામાં પુરુષો દ્વારા ગેરકાયદે મુસાફરી સામે પણ હવે વધુ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આવા કિસ્સામાં 2,500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, જ્યારે દંડ ન ભરાય તો કોર્ટ 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે.
આ ઉપરાંત અન્ય વ્યક્તિના નામની ટિકિટ પર મુસાફરી કરવી અથવા અનધિકૃત વ્યક્તિ પાસેથી ટિકિટ ખરીદવી પણ હવે ગંભીર ગુનો ગણાશે. આવા કિસ્સામાં ટિકિટ જપ્ત કરવામાં આવશે, મુસાફરીનું ભાડું અને વધારાનું શુલ્ક વસૂલવામાં આવશે. રકમ નહીં ચૂકવાય તો છ મહિના સુધીની જેલ અથવા 2,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
સુધારેલી કલમ-137 મુજબ હવે ટિકિટ અથવા માન્ય પાસ વગર મુસાફરી કરતા મુસાફરે માત્ર મુસાફરીનું ભાડું જ નહીં, પરંતુ ઓછામાં ઓછા 500 રૂપિયાનો વધારાનો દંડ પણ ચૂકવવો પડશે.
જો મુસાફર રકમ ચૂકવવાનો ઇનકાર કરશે તો તેની સામે કોર્ટમાં કેસ દાખલ થશે. કોર્ટ આવા કેસમાં છ મહિના સુધીની કેદ, દંડ અથવા બંને સજા ફટકારી શકે છે. રેલવેનું માનવું છે કે આ પગલું ટિકિટ વગરની મુસાફરી પર અસરકારક નિયંત્રણ લાવશે
મધ્ય રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમોનો મુખ્ય હેતુ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, રેલવેમાં શિસ્ત જાળવવાનો અને અનિયમિતતાઓને રોકવાનો છે. રેલવે તંત્રએ તમામ મુસાફરોને માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરવા, અનામત કોચના નિયમોનું પાલન કરવા અને કાયદો ન તોડવાની અપીલ કરી છે.