Sat Sep 05 2026

Logo

મહિલા ટી-20 વર્લ્ડ કપ પર આઇસીસીની ઇનામી રકમની વર્ષા, કુલ 74 કરોડ રૂપિયાને બદલે હવે અપાશે આટલા કરોડ રૂપિયા...

DUBAI   2026-04-13 17:30:26
Author: Ajay Motiwala
મહિલા ટી-20 વર્લ્ડ કપ પર આઇસીસીની ઇનામી રકમની વર્ષા, કુલ 74 કરોડ રૂપિયાને બદલે હવે અપાશે આટલા કરોડ રૂપિયા...

દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બે મહિના પછી યોજાનારી મહિલાઓની ટી-20 વર્લ્ડ કપ (WORLD CUP) ટૂર્નામેન્ટ માટેની ઇનામી રકમમાં તોતિંગ વધારો કર્યો છે. છેલ્લે 2024માં આયોજિત આ ફૉર્મેટના વિશ્વ કપમાં કુલ 74 કરોડ રૂપિયાના ઇનામ (Prize) આપવામાં આવ્યા હતા. હવે એ રકમ વધારીને કુલ 82 કરોડ રૂપિયા કરવામાં આવી છે. કુલ ઇનામી રકમમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આગામી 12મી જૂને ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે. એમાં 12 દેશની ટીમ ભાગ લેશે. 2024માં 10 ટીમે ભાગ લીધો હતો અને એની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

બે મહિના પછીના મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનનારી ટીમને કુલ 23.40 લાખ ડૉલર (અંદાજે 21.80 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ મળશે. રનર-અપ ટીમને 11.70 લાખ ડૉલર (10 કરોડ રૂપિયા) મળશે, જ્યારે સેમિ ફાઇનલ હારનાર પ્રત્યેક ટીમને 6.75 લાખ રૂપિયા (6.29 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ગ્રૂપ-સ્ટેજમાં પ્રત્યેક મૅચના વિજય બદલ પણ ટીમને 31,154 ડૉલર (29 લાખ રૂપિયા) મળશે.

આ વર્લ્ડ કપમાં ભાગ લેનાર પ્રત્યેક 12 ટીમને ઓછામાં ઓછી નક્કી કરેલી રકમ (2.06 કરોડ રૂપિયા) તો મળશે જ. ટૂર્નામેન્ટની 12 ટીમઃ ઇંગ્લૅન્ડ, ભારત, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ, સાઉથ આફ્રિકા, સ્કૉટલૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂ ઝીલૅન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન.