Tue Jun 23 2026

Logo

પ્રેગનન્સી બાદ મહિલા ક્રિકેટર્સની વાપસી માટે આઈસીસીએ જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

Dubai   2026-06-22 19:00:05
Author: mumbai samachar team
Article Image

દુબઈઃ ગર્ભાવસ્થા પછી ક્રિકેટમાં પાછા ફરવા અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મહિલા ક્રિકેટરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આઈસીસીની આ ગાઈડલાઈન તે ખેલાડીઓને મદદ કરશે જે પ્રેગનન્સી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાનું પસંદ કરી રહી છે. આઈસીસીએ 100 ટકા ક્રિકેટ અભિયાન શરૂ કર્યું છે, જેમાં મહિલા સ્વાસ્થ્યને લઈને અનેક પહેલનો સમાવેશ થાય છે. જેનું લક્ષ્ય ખેલાડીઓ અને સ્ટાફને આ મુદ્દા પર શિક્ષિત કરવાનું છે.

આઈસીસીએ 16 સપ્તાહના વિન્ડોમાં બાળક થયા પછી શરૂઆતમાં રિકવરી, અભ્યાસ અને અનુકુળ સામેલ હશે. મહિલા ક્રિકેટરો માટે "રિટર્ન ટૂ પ્લે પોસ્ટ પ્રેગ્નન્સી ગાઈડલાઈન્સ" માં છ-આર ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે, જેમાં રેડી (તૈયાર), રિવ્યૂ (સમીક્ષા), રિસ્ટોર (પુનઃસ્થાપિત કરો), રિકંડીશન (ફરીથી સંગઠિત થવું), રિટર્ન (વાપસી) અને રિફાઈન સામેલ છે

આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે "આમાં જન્મ પછી શરૂઆતમાં રિકવરી, તબીબી અને સુખાકારી સમીક્ષાઓ, આયોજિત પ્રેક્ટિસમાં ધીમે ધીમે પાછા ફરવું, ક્રિકેટ-સંબંધિત અનુકૂલન, રમતમાં પાછા ફરવું અને સતત મોનિંટરિંગ સામેલ છે. તેમાં ખેલાડીઓને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફર્યા પછી "કેસ મેનેજર", ડૉક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.

પ્રારંભિક સમીક્ષામાં માતા તરીકે જીવનમાં આવતા ફેરફારોને સમાયોજિત કરવા માટે મનોવૈજ્ઞાનિક સહાયનો સમાવેશ થાય છે. આ પછી સ્ટેમિના સુધારવા માટે કસરતો કરવામાં આવશે. આ સમીક્ષાઓના આઠ અઠવાડિયા પછી ખેલાડી ડૉક્ટર અથવા ફિઝિયોની સહાયથી દોડવાનું ફરી શરૂ કરશે. ખેલાડી મેદાનમાં પાછા ફરવા માટે મંજૂરી મળે તે પહેલાં બધા લક્ષણોનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આઈસીસી પ્રમુખ જય શાહે જણાવ્યું હતું કે, "કોઈ પણ ખેલાડીએ માતૃત્વ અને દેશ માટે ઉચ્ચ સ્તરે રમવા વચ્ચે પસંદગી કરવાની જરૂર પડશે નહીં. આઈસીસીની આ માર્ગદર્શિકા રમતમાં સહયોગી વાતાવરણ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જેમ જેમ મહિલા ક્રિકેટ વૈશ્વિકસ્તરે વિકસી રહી છે તેમ તેમ આપણે ખેલાડીઓની સુખાકારીને પ્રાથમિકતા આપવી, પ્રતિભા જાળવી રાખવી અને વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે માર્ગોને મજબૂત બનાવવો જરૂરી છે. આ માર્ગદર્શિકા એવું વાતાવરણ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જ્યાં મહિલાઓ મેદાન પર અને બહાર બંને જગ્યાએ આગળ વધી શકે."