Sun Sep 06 2026

Logo

સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઈટની સીટ નીચેથી રૂ.1.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

2026-03-16 12:31:00
Author: Devayat Khatana
સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઈટની સીટ નીચેથી રૂ.1.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

સુરત: એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા માદક દ્રવ્યોની દાણચોરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બેંગકોકથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી અંદાજે રૂ. 1.5 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે અધિકારીઓએ ફ્લાઈટ નંબર IX-263 ના લેન્ડિંગ બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વિમાનની સીટ નીચેથી બિનવારસી હાલતમાં આ નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન અધિકારીઓને ફ્લાઈટની સીટ નંબર 12E અને 12F ની નીચે રાખવામાં આવેલા લાઈફ-જેકેટ પાઉચમાં કઈક શંકાસ્પદ જણાયું હતું. ઊંડાણભરી તપાસ કરતા તેમાંથી કુલ 1,656.07 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. ડ્રગ્સની ગંધ ન ફેલાય અને કોઈ પકડી ન શકે તે માટે તેને પોલિથીન બેગમાં વેક્યૂમ-પેક કરીને સેલોફેન પેપરથી વીંટાળવામાં આવ્યું હતું. ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા ચકાસણી કરતા આ ચાર પેકેટમાં રહેલો જથ્થો પ્રીમિયમ ક્વોલિટીનો હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું કસ્ટમ્સ અધિકારીઓએ કન્ફર્મ કર્યું છે.

હાલમાં કસ્ટમ્સ વિભાગે આ બિનવારસી માદક દ્રવ્યોના જથ્થાને જપ્ત કરી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ કોણે મોકલ્યું હતું અને સુરતમાં તે કોને પહોંચાડવાનું હતું તેની કડી મેળવવા માટે અધિકારીઓ ફ્લાઈટના પેસેન્જર લિસ્ટની ચકાસણી કરી રહ્યા છે. ખાસ કરીને તે સીટ પર બેસનાર મુસાફરોની વિગતો ચકાસવામાં આવી રહી છે જેથી આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.