માણસ ભૌતિક રીતે ગમે એટલો સફળ થાય, પણ એનામાં માણસાઈ ન હોય તો તેનું જીવન અર્થહીન છે...
સુખનો પાસવર્ડ - આશુ પટેલ
દેવ આંનદ
થોડા દિવસો અગાઉ એક વેપારીનો કિસ્સો જાણવા મળ્યો. તેમનો એક ગાઢ મિત્ર મુશ્કેલીમાં હતો ત્યારે તેમણે તેને મોટી રકમ લોન તરીકે આપી હતી પછી વર્ષો સુધી એ પૈસા પાછા ન માગ્યા. સમય જતાં મિત્રની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ છતાં વેપારીએ પૈસા પાછા ન માગ્યા. સમયનું ચક્ર ફર્યું અને કોરોનાને કારણે લોકડાઉન આવી પડ્યું. લોકડાઉનના સમયમાં ધંધો ભાંગી પડ્યો એટલે વેપારીએ મિત્રને કોલ કરીને કહ્યું કે ‘હું સખત ખેંચાયેલો છું એટલે મેં તને વર્ષો પહેલા પૈસા આપ્યા હતા એ મને પરત જોઈએ છીએ....’ મિત્રએ કહ્યું કે ‘મારી પાસે પણ પૈસા નથી.’ વેપારીને પહેલા તો લાગ્યું કે તે મજાક કરે છે. એટલે તેમણે કહ્યું કે ‘અત્યારે મજાકનો સમય નથી. મારે આપઘાત કરવો પડે એવી સ્થિતિ આવી ગઈ છે. લેણદારો મારી પાછળ પડ્યા છે. તું મને પૈસા મોકલાવ.’ પણ તેનો મિત્ર એકદમ ગંભીરતાથી બોલ્યો : ‘મારી પાસે ખરેખર પૈસા નથી.’
વેપારીને આઘાત લાગ્યો. તેણે કહ્યું કે ‘તેં હમણાં તો બે લક્ઝુરિયસ કાર ખરીદી છે અને નવો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે!’
જોકે તેના મિત્રએ નફ્ફટાઈપૂર્વક કહી દીધું કે ‘મારી પાસે તને આપવા માટે પૈસા નથી!’
વેપારીએ કહ્યું, ‘મેં તારો સમય સાચવી લીધો હતો અત્યારે તું મારા જ પૈસા માટે મને ના પાડે છે?’
વેપારીને પ્રચંડ આઘાત લાગ્યો. તેમણે પોતાની પ્રોપર્ટી વેચીને લેણદારોને પૈસા ચૂકવવા પડ્યા.
આજના સમયમાં આવા ઘણા કિસ્સાઓ જાણવા-સાંભળવા-વાંચવા મળે છે. આવા કિસ્સાઓ જાણવા મળે ત્યારે દેવ આંનદના જીવનનો એક કિસ્સો યાદ આવી જાય છે.
દેવ આનંદ સાથે વર્ષો સુધી સંકળાયેલા અને તેમના ખાસ મિત્રો પૈકી એક મોહન ચુરીવાલાએ આ કિસ્સો જાહેર કર્યો હતો. એ કિસ્સો મોહનજીના શબ્દોમાં જ મૂકું છું:
‘નવકેતન પ્રોડક્શન હાઉસ’ની પચ્ચીસમી એનિવર્સરી હતી ત્યારે ત્રણેય ભાઈઓએ ત્રણ ફિલ્મ એકસાથે શરૂ કરી. ચેતનસાહેબે ‘જાનેમન’ બનાવી, ગોલ્ડીસાહેબે ‘બુલેટ’ બનાવી અને દેવસાહેબે ‘દેશ-પરદેશ’ બનાવી. એ સમય દરમિયાન દેવસાહેબની ભલમનસાઈનો એક કિસ્સો યાદ આવે છે. અમે ‘નવકેતન’માં રોજ સાથે મળીએ. એક દિવસ હું ‘નવકેતન’માં બહાર બેઠો હતો ત્યારે એક સજ્જન આવ્યા. તેમણે કહ્યું, ‘મારે દેવસાહેબને મળવું છે.’
મેં પૂછ્યું, ‘શા માટે મળવું છે?’
તેમણે કહ્યું કે ‘ફલાણા કોઈ વર્ષમાં હું પ્રોડ્યુસર હતો. મેં એક ફિલ્મ સાઈન કરી હતી દેવસાહેબને અઢી લાખ રૂપિયા સાઈનિંગ અમાઉન્ટ આપી હતી. જોકે એ ફિલ્મ પછી મારા કારણે જ શરૂ ન થઈ. મારાં આર્થિક કારણો અવરોધરૂપ બન્યા હતાં. જોકે એમાં દેવસાહેબનો કોઈ વાંક નહોતો. એ ફિલ્મનું એક-બે દિવસ શૂટિંગ થયું પણ હતું, પણ પછી એ ફિલ્મ અટકી પડી. આજે મારી હાલત બહુ ખરાબ છે. મારી પત્ની બહુ બીમાર છે. મને થોડા પૈસાની જરૂર છે. હું તેમને આપેલા અઢી લાખ રૂપિયા પાછા નથી માગતો, પણ દેવસાહેબ થોડી મદદ કરી આપે તો મને રાહત થશે.’
મેં તેમને બહાર બેસાડયા અને હું અંદર ગયો દેવસાહેબ પાસે. મેં કહ્યું કે ‘દેવસા’બ આવું આવું છે.’
તેમની મેમરી બહુ શાર્પ, તેમણે કહ્યું કે ‘હા,એવું કંઈક થયું તો હતું, પણ એમાં મારી કોઈ મારી ભૂલ નહોતી.’
મેં કહ્યું, ‘એ તો તેમણે પહેલાં જ કહી દીધું કે આમાં દેવસાહેબની કોઈ જવાબદારી ન ગણાય, પણ તેઓ આર્થિક તકલીફમાં છે અને તેમની પત્ની બહુ બીમાર છે. તેની સારવાર માટે તેમની પાસે પૈસા નથી. તે દુ:ખી છે અને મદદ માગવા આવ્યા છે. તે કહે છે કે દેવસાહેબની જે પણ ઇચ્છા હોય તે આપે તો મને રાહત થશે.’
દેવસાહેબે કહ્યું, ‘અચ્છા,અઢી લાખ રૂપિયા તેમણે મને આપ્યા હતા ને? પછી તેમણે પાંચ લાખ રૂપિયાનો ચેક બનાવ્યો અને મને આપતા કહ્યું કે ‘તેમને આ પાંચ લાખનો ચેક આપી દેજો. અને કહેજો કે વધુ જરૂર હોય તો મને કહે.’
મેં બહાર જઈને પેલા પ્રોડ્યુસરને એ ચેક આપ્યો તો તે ગદગદ થઈ ગયા. હાથ જોડીને કહેવા લાગ્યા કે ‘મારે દેવસાહેબનો આભાર માનવા માટે તેમને મળવું છે.’
મેં કહ્યું, ‘બે મિનિટ.’ પછી હું દેવસાહેબ પાસે ગયો અને તેમને કહ્યું કે ‘તેઓ બહુ ભાવવિભોર થઈ ગયા છે અને કહે છે કે મારે મળવું છે એકવાર દેવસાહેબને.’
દેવસાહેબ બોલ્યા, ‘ના, હું તૂટી જઈશ તેમને જોઈને. તે પ્રોડ્યુસર હતા મારા. આજે તેમના ખરાબ દિવસો છે. તે મારા સામે આવશે અને આભાર માનશે એ મને નહીં ગમે. કેમ કે આજે હું દેવ આનંદ છું. તેમની મદદ કરું છું એટલે તેઓ મારી સામે યાચક તરીકે આવશે તો મને તકલીફ આપશે. મારું જમીર ના પાડે છે કે તે દીનભાવ સાથે મારી સામે આવે અને હું બતાવું કે મેં તેમનાં પર અહેસાન કર્યો છે. જોકે આ અહેસાન નથી,પણ હું તેમને આવી હાલતમાં જોઈ નહીં શકું..... તું કંઈપણ બહાનું કરીને તેમને ના પાડી દે.’
આ કિસ્સો વર્ણવ્યા પછી ચુરીવાલાએ ઉમેર્યું હતું કે ‘પછી મારે એ પ્રોડ્યુસર સામે જુઠ્ઠું બોલવું પડ્યું કે ‘દેવસાહેબ એક અગત્યના કોલ પર વાત કરી રહ્યા છે. તેમને બહુ વાર લાગશે એટલે તેમણે કહ્યું છે કે ‘બીજી વાર ફોન કરીને જરૂર આવજો. અને કંઈ પણ કામ હોય તો નિ:સંકોચ કહેજો.’
માણસ ભૌતિક રીતે ગમે એટલો સફળ થાય, પણ એનામાં માણસાઈ ન હોય તો તેનું જીવન અર્થહીન ગણાય. અને જે માણસ ઉપકાર પર અપકાર કરે તે ધરતી પર બોજ સમાન ગણાય. જે માણસ બીજાઓને મદદરૂપ થાય તેમનું જીવન સાર્થક ગણાય.