Tue Jul 28 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ-5

2026-07-11 08:47:00
Author: Mavji Maheshwari
Article Image

 


માવજી મહેશ્વરી


ઓહ, માય ગોડ સનત, ખરેખર એમ થાય છે કે, તમારા ગાલ પર કીસ કરી લઉં, પણ તેમ કરતાં તમે ડીસ્ટર્બ થઈ જશો. 

`તમે એક ટેક્સિ ડ્રાઈવરની વાત સાંભળીને મને આતંકવાદી સમજી બેઠા? રાતે મેં તમને કહેલું ને કે તમે હોશિયાર છો પણ હિંમતવાન નથી. તમને ખ્યાલ આવે છે કે, ટેન્શનને કારણે કોઈને ઈર્ષ્યા આવે એવી ક્ષણોની પણ તમે નોંધ નથી લીધી.' 

`ત્યાં સંખ્યાબંધ પોલીસને જોઈ મેં ડ્રાઈવરની વાત સાચી માની લીધી' એ પોલીસ તો કોઈ રાજકીય કારણસર હતી. 

સોનલ ગંભીર ચહેરે પલાંઠીવાળી બેડ પર બેઠી હતી. એની સામે બેઠેલા સનતે માથું હલાવ્યું. પોતાની ભૂલ કબૂલતો હોય તેમ તેણે કહ્યું, `સોનલ આઈ એમ સો સોરી. આઈ ફીલ ગીલ્ટી અબાઉટ માય બિહેવીયર.'

`ઇટ્સ ઓકે. કદાચ તમે ક્યારેય અટપટી સ્થિતિમાં ઘેરાયા નથી. બીજું કે, તમને તમારા પરિવારનો ખૂબ પ્રેમ મળેલો છે. સનત તમે લકી છો.' 

સોનલ એક નિસાસો નાખી બંધ બારીને જોઈ રહી. આખા દિવસના ઉકળાટ પછી ભારતની પાટનગરી દિલ્હી ઉપર રાતે પોતાનો શ્યામલ પાલવ નાખ્યો હતો. હોટેલ સિલ્વર લાઈનના 305 નંબરના રૂમની હવા એ.સી.ને કારણે ઠરી ગઈ હતી. સનતને અત્યારે સોનલ જુદી લાગતી હતી. થોડી થાકેલી અને થોડી નિરાશ. એની મલાખી આંખોમાં ન પરખાય તેવી ઉદાસી છવાયેલી હતી. સનતે કલ્પના પણ કરી ન હતી કે, આવી સુંદર છોકરી સાથે રાત વિતાવવાની થશે. સહજ રીતે બેઠેલી સોનલને જોઈ એને વિચાર આવ્યો કે, સોનલ હિંમતવાન છે એની ના નહીં. પણ આમ કોઈ પુરૂષ સાથે રાત રહેવું તેનો આત્મવિશ્વાસ છે કે, આંધળુકિયાં કરવાનો એનો સ્વભાવ છે.  

`હવે કંઈ બોલો તો ખરા. મને ખબર છે કે, હું તમારી આડમાં મને બચાવી રહી છું. પણ તમારો આ ઉપકાર હું ક્યારેય ભુલીશ નહીં. જો આપણે સાથે અહીં આવ્યા હોત તો હું હોલમાં આવત નહીં. મેં કર્યો એ ડ્રામા કરવો ન પડત. પણ એ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.' 

`તમારા કારણે મારૂં માન કેટલું વધી ગયું. જોયું નહીં બધા કેવા મારી સાથે હસી હસીને વાતો કરતા હતા. મને ખબર છે એમને મારામાં નહીં, તમારામાં રસ હતો.' 

`હા પણ એક ખૂબસૂરત યુવાન છોકરીને શું વેઠવું પડતું હોય છે તે તમે ન સમજી શકો. રૂપાળા હોવાની એક પીડા દરેક છોકરી પોતાના કપાળ પર લખાવીને આવતી હોય છે. અને ક્યારેક એ પીડાને જ હથિયાર બનાવી લેતી હોય છે.'  

એટલે ? સનતના મનમાં એક જુદો જ વિચાર દોડી ગયો. 
સોનલ હસી પડી, તેણે સનતની આંખોમાં આંખ નાખતા પૂછ્યું, `સાચું કહેજો તમારા મનમા પઝેશન જાગ્યું છે ને?' 
`હા, તમે એને પઝેશન કહી શકો છો.'
`ઓકે, તમારે એને જે કહેવું હોય તે કહો. પણ તમને જે વિચાર આવ્યો છે એવું ક્યારેય કશું નથી બન્યું.'

`મને શું વિચાર આવ્યો છે?' 
તમે ચતુર નથી તો શા માટે બનવાનો પ્રયત્ન કરો છો? તમે ખરેખર એક સરળ ઈન્સાન છો. મને તમારી આ સરળતા સ્પર્શી ગઈ છે. તમે આદર્શવાદી છો એટલે કડવાં સત્યોથી મોઢું ફેરવી જાઓ છો. વાસ્તવિકતાને સ્વીકારતા તમને વાર લાગે છે. હું વાસ્તવિકતાને તરત સ્વીકારી લઉં છું. એટલે ભયંકર પરિસ્થિતિમાં પણ રસ્તો કરી લઉં છું. 

`કઈ રીતે રસ્તો કરી લ્યો છો? આખરે તો તમારા ફિગર પાવરનો ઉપયોગ કરીને જ?' 
`તમે પુરુષો એક તરફ સ્ત્રીને આદર્શના બંધનમાં બાંધી રાખવા માગો છો. તમે પણ મારા શરીરને કારણે જ ખેંચાયા ને? એક અર્થમાં મારા શરીરનો મોહ જાગ્યો તો ખરો ને? અમને છોકરીઓને ખબર હોય છે કે, પુષને રૂપાળી છોકરીમાં રસ હોય છે. સંકટ સમયની બારી તરીકે ક્યારેક અમે સામેથી એ રસ્તો પસંદ કરીએ તો એમાં શું ખોટું?' 

સનત તાકી જ રહ્યો. સોનલ ઝવેરી! કેવું કાવ્યાત્મક નામ છે. નામ સાંભળીને એમ લાગે જાણે તે કેટલીય  ઈમોશનલ હશે. પણ આની દલીલોનો કોઈ જવાબ નથી. એનું થીંકિંગ જલ્દી પચે તેવું પણ નથી. 

`જવા દો, આમ એક બીજા સામે દલીલો કરશું તો રાત નીકળી જશે. મારે તો તમારી કથા જાણવામાં રસ છે. તમારી કથા પણ તમારી જેમ હટકે જ હશે.' 

`હટકેની ખબર નથી પણ ઝટકે જરૂર છે. બાય ધ વે, તમને એ ચિંતા નથી કે, બેડ એક છે અને આપણે બે છીએ.' 
`આપણે સૂવાનું જ નથી. મારે તો તમારી વાત જાણવામાં રસ છે.' 
`કેમ મારી બાજુમાં સૂવામાં બીક લાગે છે?' સોનલ શરારતી આંખે સનતને જોઈ રહી. 

`બીક તો નથી લાગતી પણ...' સનત મુંઝાઈને સોનલ સામે જોઈ રહ્યો. 
`પણ શું બોલોને. એક વાત સમજી લ્યો તમે ગમે તે વાત કરશો મને પચી જશે.' 
`સાચું કહું તો મને જરા સંકોચ થાય છે. આવી કલ્પના મેં કરી નથી.'

સોનલે સીસકારો કરી માથું ધુણાવતા કહ્યું. `ઓહ, માય ગોડ, કેટલા ભોળા છો તમે. સનત ખરેખર તમે બહુ જ સારા છો. એમ થાય છે કે, તમારા ગાલ પર કીસ કરી લઉં. પણ તેમ કરતાં તમે ડીસ્ટર્બ થઈ જશો. યુ આર સો ગુડ મેન'

સનત સોનલને અપલક જોઈ રહ્યો. તેને થયું કે, તે કહી દે. કાશ તું જ મારી પત્ની હોત. તેને પણ શરારત કરવાનું મન થયું, `તેમ છતાં તમે કરી લેશો તો મને વાંધો નથી. કહો તો હું મોં ધોઈ આવું.'  

`બસ ને? લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે જ તમને મોં ધોવાનું યાદ આવ્યું?' 
સનતને પોતાની ભૂલ સમજાઈ. તેમ છતાં તેણે વાત લંબાવી, `આ તો મને થયું કે, તમારી ઈચ્છા અધૂરી ન રહેવી જોઈએ.' 
`હું મારી ઈચ્છા પૂરી કરી જ લઉં છું, તમને આજે સિગારેટ પીવાની ઈચ્છા નથી?' 

સોનલના બોલવાની સાથે તેને સિગારેટ પીવાની ઈચ્છા જાગી. એને યાદ આવ્યું કે, ગઈ કાલે રાતે સોનલની સામે સિગારેટ પીધા પછી યાદ જ નથી આવી. તેણે એ.સી. સામે જોતા કહ્યું, `અહીં સિગારેટ પીશ તો રાતભર તમને વાસ આવ્યા કરશે. આ તો તમે યાદ કરાવ્યું, બાકી હું તો ભૂલી જ ગયો હતો.' 

`હું કેમ ભૂલી જાઉં? આપણી ઓળખાણમાં સિગારેટની જ ભૂમિકા છે. જો તમને સિગારેટ પીવાની ઈચ્છા ન થઈ હોત તો તમે ત્યાં આવ્યા ન હોત. મને જોઈ ન હોત. અને આપણો પરિચય થયો ન હોત.' 

`ખરેખર અદ્ભુત પરિચય થયો. હોં. આવો પરિચય ભાગ્યે જ કોઈને થતો હશે. તમને નથી લાગતું કે જો કાલે હું આ વાત કોઈને કહું તો એ માને ખરો?' 

`કેમ? એમાં ન માનવા જેવું શું છે?' 

સનત જોરથી હસી પડ્યો. તેણે પોતાની શોલ્ડર બેગમાંથી સિગારેટ કેશ કાઢી સળગાવી. એક ઊંડો કસ લઈ આંખો ઝીણી કરી સોનલ સામે જોઈ રહ્યો. સોનલે પૂછ્યું, `કેમ આવી રીતે જોઈ રહ્યા છો? કે પછી સિગારેટના પીતી વખતે વિચારે ચડી જવાની આદત છે?' 

`હું વિચારું છું કે, તમે ભારતમાં ખોટા જન્મ્યા છો. તમારે યુરોપ અથવા અમેરિકામાં જન્મ લેવો જોઈતો હતો.' 

`તમારી વાત તો સાચી છે. મને પણ એવું અનેકવાર લાગ્યું છે. છતાં તમને એવું શેના પરથી લાગ્યું કે, મારે ભારતમાં નહીં યુરોપમાં જન્મ લેવો જોઈતો હતો?' 

`તમે કહ્યું ને કે, એમાં ન માનવા જેવું શું છે એના પરથી. મને હજુ એ ખબર નથી કે, તમે કેવા વાતાવરણમાં ઉછર્યા છો, પણ દુનિયા કઈ રીતે જીવે છે અને શું વિચારે છે તે હજુ તમને ખબર નથી.' 

`બધી જ ખબર છે સનત. આપણું આજે આ રીતે એક જ રૂમમાં રહેવું, કાલે છૂટા થઈ જવું, આ બધું કોઈ એટલા માટે ન માને કે કોઈ છોકરી આ રીતે અજાણ્યા છોકરા સાથે રાત ગાળી જ ન શકે, અને કદાચેય રહે તો તે કોરી તો બહાર નીકળે. એમ તમે કહેવા માગતા હતા ને?' 

`બોલવામાં પાવરધા છો. માણસને ઉઘાડો કરી નાખતા સારી રીતે આવડે છે.' 
`કારણ કે હું સાઈકોલોજીની સ્ટુડન્ટ રહી ચુકી છું. સામેવાળાના મનમાં શું ચાલે છે તે હું પારખી જાઉં છું સનત.' 
`ઓહ તમે સાઈકોલોજી ભણ્યા છો એમ? તેય અંગ્રેજીમાં? સાયકોલોજી ભણેલા માણસ સાથે વાત કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.'
`વખાણ માટે આભાર. તમને એવો અફસોસ નથી ને કે આ બધું કર્યા પછી મને મળશે શું?' 
`માની લો કે મને એવો કોઈ અફસોસ હોય તો તમે શું કરી શકો?' 

સોનલ જોઈ રહી. સનતના પ્રશ્નનો કોઈ ઉત્તર એની પાસે નહોતો. રૂમમાં ગોલ્ડ ફ્લેકના ધુમાડાની એક ચોક્કસ વાસ ભરાઈ ગઈ હતી. એસી રૂમની બહાર દુનિયાની નજર જેના પર રહેતી હોય છે એવા દિલ્હી શહેરમાં અનેક જાતની ઊથલપાથલ થઈ રહી હતી. જેનો જરા સરખો અવાજ રૂમ નંબર 305માં પહોંચતો નહોતો. સોનલના જવાબની રાહ જોયા પછી સનતે સવાલ બદલ્યો. `તમે કહેતા હતા કે આપણને એક રૂમ મળશે તો તમે મને તમારી હિસ્ટરી કહેશો. તમારે ઘર છોડવાની શા માટે જરૂર પડી. કમ સે કમ મને સંતોષ થાય કે મેં કટોકટીમાં તમને મદદ કરી હતી. ચાલો મને તમારી વાર્તા કહો.'

`ઓકે. પણ એ પહેલા મારે નાહવાની ઈચ્છા છે. આ કપડાં મેં ગઈ કાલે પહેર્યા છે. આટલો લાંબો સમય મેં કપડાં બદલાવ્યાં ન હોય એવું બન્યું નથી. મને અકળામણ થાય છે.'

`એટલા તો ફીટ પણ નથી કે અકળામણ થાય' સનતે સોનલના ટી શર્ટ પર નજર ફેરવી.

`તમે છોકરી નથી એટલે તમને નહીં સમજાય. બૂટ પહેરવાની મને ટેવ નથી અને બ્રા અમારી મજબૂરી હોય છે સમજ્યા?' કહીને સોનલ ગાઉન અને ટુવાલ લઈને બાથરૂમમાં ચાલી ગઈ. સનતની આંખો સામે એક સુડોળ અનાવૃત દેહ છવાઈ ગયો. (ક્રમશ:)