ગૌરવ મશરૂવાળા
તમારી સંપત્તિ તમે ભોગવી શકશો કે નહીં એ નક્કી કરનારાં ત્રણ મુખ્ય પરિબળો છે - સમય, મનની સ્થિરતા અને તંદુરસ્ત શરીર. આ ત્રણેય પરિબળો એકસાથે અસ્તિત્વ ધરાવતાં હશે તો જ આપણે ભૌતિક સંપત્તિનો ઉપયોગ કરી શકીશું. કમનસીબે, આજના અતિ ઝડપી અને વ્યસ્ત જીવનમાં આપણે આ ત્રણેય પરિબળો સાથે બાંધછોડ કરીએ છીએ. પરિણામે બને છે એવું કે આખરે સંપત્તિ એકત્રિત થાય ત્યાં સુધીમાં આ ત્રણેય પરિબળોએ આપણો સાથ છોડી દીધો હોય છે.
આપણે દિવસમાં કલાકોના કલાકો સુધી કામ કરીએ છીએ. મીડિયા, બીપીઓ, નાણાકીય સેવાઓ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને વ્યાપારો, કે જેની ગતિવિધિઓ વૈશ્ર્વિક સ્તરે ચાલતી હોય છે, તેમાં કામકાજના કલાકોનો આપણા દિવસ અને રાત વચ્ચેની ભેદરેખા સાથે કોઈ મેળ બેસતો નથી. કેટલાકે તો રજાના દિવસોમાં પણ જરૂર પડયે હાજર થઈ જવું પડે છે. આજના મોબાઈલ અને ઈમેલ્સના જમાનામાં આપણામાંના અનેક લોકો વેકેશનમાં પણ કામકાજ કરતા રહે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણી આવકમાં વધારો થયો છે, પણ આ કમાણી દ્વારા ઊભી થયેલી સંપત્તિનો આનંદ લૂંટવાનો સમય સાવ સંકોચાઈ ગયો છે.
રેશમા છેલ્લા કેટલાક સમયથી મારી કલાયન્ટ છે. ઈન્ટરનેશનલ બિઝનેસમાં તેણે પીએચ.ડી. કર્યું છે અને તે ખુદની ક્ધસલ્ટિંગ પેઢી ધરાવે છે. તેની આવક ઘણી ઊંચી છે. છેલ્લે ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે એણે એક કેમેરો ખરીદ્યો હતો. નવીનતમ ટેક્નોલોજી ધરાવતો આ અદ્યતન કેમેરા ખાસ્સો મોંઘો હતો. પાંચેક મહિના પછી મેં એને પૂછેલું કે તને તારા નવા કેમેરાથી ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવતી હશેને? એણે મને જવાબ આપ્યો, ‘ફોટોગ્રાફીની તો વાત જ જવા દો, તે કેવી રીતે વાપરવાનો છે તે સમજવા માટેનું યુઝર મેન્યુઅલ પણ મેં હજુ સુધી જોયું નથી. મારી પાસે સમય જ નથી!’ પરિશ્રમ કરીને એકઠી કરેલી સંપત્તિને ભોગવવી હોય તો આપણી પાસે સમય હોવો જરૂરી છે.
એક વાર હું યુરોપમાં રજાઓ ગાળી રહ્યો હતો ત્યારે એક રૂપકડા ભારતીય યુગલ સાથે મારો ભેટો થઈ ગયો હતો. તેઓ નવી દિલ્હીથી આવ્યાં હતાં. પત્નીને ફ્રાન્સમાં કેટલાક ટ્રેનિંગ પ્રોગ્રામ એટેન્ડ કરવાના હતા, જયારે પતિ તેને સાથ આપવા માટે તેની ઓફિસમાંથી રજા લઈને તેની સાથે આવ્યો હતો. પત્નીની તાલીમ પૂરી થયા બાદ તેમણે મધ્ય યુરોપનાં કેટલાંક સ્થળોની મુલાકાત લેવાનું નક્કી કરેલું. એક વખત મેં બન્નેને નાસ્તાની સાથે દવા લેતાં જોયાં. મે કુતૂહલવશ પૃચ્છા કરી તો ખબર પડી કે બન્નેને બ્લડપ્રેશરની સમસ્યા હતી. આ ઉપરાંત પત્નીને તો ઊંઘની પણ તકલીફ હતી. આગલી રાતે સરખું ઊંઘી ન શકે તો બીજા દિવસે એનું માથું દુખવા લાગતું હતું. જે દિવસે સ્વિટ્ઝરલેન્ડનું કુદરતી સૌંદર્ય માણવા માટે ગ્લેશિયર એક્સપ્રેસમાં સફર કરવાનું નક્કી કર્યું હતું તે જ દિવસે એને માથામાં દુખાવો ઊપડયો હતો. ટ્રેનમાં મોટા ભાગનો સમય એ સૂતી રહી હતી.
આરોગ્ય આપણી સૌથી મોટી સંપત્તિ છે. કોઈ અફલાતૂન જગ્યાએ આવેલી ઉત્તમ રેસ્ટોરાંમાં પીરસાતી વાનગીઓમાંથી જો અડધોઅડધ વાનગીઓ ખાવાની ડૉકટરે આપણને મનાઈ ફરમાવી હોય તો ત્યાં જમવા જવાનો કોઈ અર્થ નથી.
આપણું મગજ આપણા સમગ્ર શરીરનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં સૌથી વધુ નુકસાન થયું હોય તો આપણા મનને. મુંબઈ જેવા શહેરમાં મોટા ભાગના લોકો માનસિક તાણની ફરિયાદ કરતા હોય છે. આપણે અનેક યુવાનોના મોઢે થકાવટ, હાઈપરટેન્શન અને હતાશાની ફરિયાદો સાંભળતા હોઈએ છીએ.
બીમાર મન આપણને જીવનનો સામાન્ય આનંદ પણ લેવા દેતું નથી. સંપત્તિને માણવાની તો વાત જ દૂર રહી. ઈશ્ર્વરે જે આપ્યું છે અને આપણે જાતમહેનતે જે મેળવ્યું છે તેની આપણે પૂરતી લિજ્જત લેતા નથી.
આપણે સંપત્તિ એટલા માટે એકઠી કરીએ છીએ કે એનાં મીઠાં ફળ ખાઈ શકાય, પરંતુ સમય, શારીરિક તંદુરસ્તી અને સ્થિર માનસિકતાના અભાવે આપણે તેમ કરી શકતા નથી.
યોગિક વેલ્થ
લાગણીના સ્તરે મજબૂત હોય તેવા માણસો સંપત્તિનું સર્જન પણ વધારે કરી શકે અને તેને માણી પણ વધારે શકે છે. માનસિક તાણ માણસને સંપત્તિના આનંદથી વંચિત રાખે છે.