Thu Apr 30 2026

Logo

સ્વાદિષ્ટ તરબૂચ ખરીદવા છે? તો યાદ રાખજો આ ગોલ્ડન રૂલ્સ, દરેક વખતે તરબૂચ નીકળશે મધ જેવું મીઠું...

2026-03-28 20:54:01
Author: Darshana Visaria
Article Image

અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આવા વાતાવરણમાં સરસ મજાનું મીઠું મીઠું ઠંડુ ઠંડું જ્યૂસી કલિંગર ખાવા મળી જાય તો જલસો જ પડી જાય નહીં? પરંતુ આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે બજારમાંથી હોંશે હોંશે ખરીદી લાવેલું તરબૂચ જ્યારે ઘરે સુધારીએ ત્યારે તે અંદરથી સાવ કાચું અને ફીકું નીકળે છે. હવે મહત્ત્વનો સવાલ એ છે કે તો પછી સુધાર્યા વિના બજારમાંથી કઈ રીતે મીઠું મધુરું કલિંગર ખરીદવું? ડોન્ટ વરી આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી મીઠું અને જ્યૂસી કલિંગર બજારમાંથી ખરીદી શકશો અને એ પણ સુધાર્યા વિના... 

પીળા રંગનો ડાઘ: તરબૂચની નીચેની બાજુએ જ્યાં તે જમીનને અડેલું હોય છે, ત્યાં એક પીળા રંગનો ડાઘ જોવા મળે છે. જો આ ડાઘ ઘાટો પીળો (Creamy Yellow) હોય, તો તે તરબૂચ પૂરેપૂરું પાકેલું અને મીઠું હોવાની નિશાની છે. સફેદ કે આછો લીલો ડાઘ સૂચવે છે કે તરબૂચ અંદરથી કાચું હોઈ શકે છે.

વજન ચેક કરો: તરબૂચ મીઠું છે કે નહીં એ ચકાસવા માટે તેને હાથમાં ઉઠાવીને જુઓ. કલિંગર એના કદ પ્રમાણે વજનમાં વધારે ભારે લાગવું જોઈએ. વધુ વજન એ દર્શાવે છે કે તરબૂચ એકદમ રસાળ અને મીઠું છે.

અવાજ સાંભળો: તરબૂચ પર આંગળીથી ટકોરો મારો. જો અવાજ ભારે અને પોલો હોય એવો અવાજ આવે, તો સમજવું કે એ તરબૂચ પાકેલું અને એકદમ રસાળ છે. જો કલિંગરને થપથપાવતા તીણો કે કડક અવાજ આવે, તો એવું તરબૂચ કાચું હોવાની શક્યતા વધુ છે.

બ્રાઉન જાળી: તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે તરબૂચ પર બ્રાઉન રંગની જાળી જેવી લીટીઓ જોવા મળે છે. આ લાઈન્સ જ હકીકતમાં તરબૂચની મીઠાશની નિશાની છે. આ જાળી દર્શાવે છે કે મધમાખીઓએ તેના ફૂલ પર ઘણી વાર પરાગનયન કર્યું છે, જે તેને વધુ મીઠું બનાવે છે.

તરબૂચનું ડિંટીયું ચકાસો: જો તરબૂચની ઉપરની તરફ જોવા મળતું નાનકડા ડિંટીયાની ડાખલી સૂકેલી અને બ્રાઉન હોય, તો તે કુદરતી રીતે પાકેલું છે. જો આ ડાંખલી લીલી અને તાજી હોય, તો તેનો અર્થ એ કે તેને વહેલું તોડી લેવામાં આવ્યું છે અને તે ઓછું મીઠું હોઈ શકે છે.

તરબૂચનો આકાર પણ છે મહત્ત્વનો: હંમેશા સમાન આકારનું એટલે ગોળ કે પછી લંબગોળ આકારનું તરબૂચ પસંદ કરો. અનિયમિત આકારનું તરબૂચ ઓછું મીઠું હોઈ શકે છે. સામાન્ય પણે બજારમાં મળતાં ગોળ આકારના તરબૂચ લંબગોળ તરબૂચ કરતાં વધારે મીઠા હોવાનું મનાય છે.

આ રીતે ચકાસો તરબૂચમાં કેમિકલ છે કે નહીં?

તરબૂચ કેમિકલથી પકાવેલું છે કુદરતી રીતે એ ચકાસવા માટે તરબૂચને સુધારીને તેના લાલ ભાગ પર કપાસ ઘસી જુઓ. જો કપાસ લાલ થઈ જાય, તો તેમાં આર્ટિફિશિયલ કલર અથવા કેમિકલ હોઈ શકે છે. આ સિવાય તરબૂચના ટુકડાને પાણી ભરેલા કાચના ગ્લાસમાં નાખો. જો પાણીનો રંગ તરત જ બદલાય, તો તેમાં ભેળસેળ હોવાની શક્યતા છે.

વધુ જુઓ...