ગાંધીનગરઃ અમરેલી જિલ્લામાં જંગલી પશુના હુમલામાં માલઢોરના મોતના કિસ્સા સામે આવે છે. આ ઉપરાંત ક્યારેય સિંહ-દીપડા માનવી પર પર હુમલા કરતા હોય છે. અમરેલી જિલ્લામાં બે વર્ષમાં જંગલી પશુના કારણે પશુધનના મારણના કિસ્સામાં વળતરનો પ્રશ્ન વિધાનસભામાં ગાજ્યો હતો.
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ વિધાનસભામાં પૂછ્યું કે, 31-01-2025ની સ્થિતિએ અમેરલી જિલ્લાના ગીર વિસ્તારમાં માલધારીઓ અને ખેડૂતોના કિંમતી પશુઓને સિંહ, દીપડા કે અન્ય જંગલી પ્રાણી દ્વારા કરવામાં આવતી ગંભીર ઈજા કે મૃત્યુના પ્રસંગે પશુદીઠ તેના માલિકને કેટલી સહાય આપવામાં આવે છે અને બે વર્ષમાં કેટલા પશુ માલિકોને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવી?
જેનો જવાબ આપતા વન પ્રધાને જણાવ્યું, જંગલી પ્રાણી દ્વારા કરવામાં આવતી ગંભીર ઈજા કે મૃત્યુના કેસમાં પશુદીઠ તેના માલિકોને વિવિધ સહાય ચૂકવવામાં આવે છે. ગાય-ભેંસમાં રૂપિયા 50,000, ઊંટમાં રૂ. 40,000, ઘેટા-બકરામાં 5000 સહાય ચૂકવવામાં આવે છે. બિન દૂધાળા પશુ જેવાકે ઊંટ, ઘોડા અને બળદ વગેરેમાં 25,000 તથા પાડો, પાડી, વાછડી, ગધેડો, પોની વગેરેમાં 20,000 સહાય ચૂકવવામાં આવે છે.
01-01-2023 થી 31-12-2023 સુધીમાં 920 પશુમાલિકોને રૂ 69,91,170, 01-01-2024 થી 31-12-2024 સુધીમાં 965 પશુમાલિકોને 69,39,946 અને 01-01-2025 થી 31-01-2025 સુધીમાં 81 પશુમાલિકોને રૂ. 5,49,700 મળી કુલ 1966 પશુમાલિકોને રૂ. 1,42,80,816 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.