Thu Sep 10 2026

Logo

આર્સેલર મિત્તલની કંપનીએ હજીરામાં કેટલા હેક્ટર જમીન પર કર્યું અતિક્રમણ? સરકારનો ચોંકાવનારો ખુલાસો...

2026-03-10 16:06:07
Author: Mayur Patel
આર્સેલર મિત્તલની કંપનીએ હજીરામાં કેટલા હેક્ટર જમીન પર કર્યું અતિક્રમણ? સરકારનો ચોંકાવનારો ખુલાસો...

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા અમિચાવડાએ તા.૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિએ હજીરા ખાતે આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા દ્વારા ગેરકાયદે દબાણ-જમીન ઉપર કબજો કરેલ છે તે હકીકતથી સરકાર વાકેફ છે કે કેમ અને જો હા, તો ઉક્ત સ્થિતિએ સરકારી જમીન ઉપર દબાણ અને ગેરકાયદેસર કબજા સંદર્ભે છેલ્લા બે વર્ષમાં શી કાર્યવાહી કરવામાં આવેલ છે, ઉક્ત સ્થિતિએ સરકારી જમીન ઉપર કબજા સંદર્ભે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કોઇ કાર્યવાહી કરેલ છે કે કેમ? તેવો પ્રશ્ન પૂછ્યો હતો. 

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, હા, હજીરા ખાતે આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા દ્વારા ગેરકાયદે દબાણ-જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે. કુલ ક્ષેત્રફળ હેકેટર ૭૮-૦૪-૧૦ ચો.મી. સરકારી પડતર જમીન પૈકી હેકટર ૬૨-૫૬-૮૧ ચો. મી. જમીન પર દબાણ જણાતા જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૧ હેઠળ કેસ ચલાવી રૂ. ૧૦૬,૮૨,૬૧,૨૨૦નો દંડ વસૂલ કરવા તા. ૨૭/૦૧/૨૦૨૫ તથા તા. ૧૧/૦૨/૨૦૨૫ના રોજ કુલ-૧૫ હુકમ કરવામાં આવ્યો છે.

મામલતદાર ચોર્યાસી દ્વારા તપાસણી દરમ્યાન સરકારી બિન નંબરી દરિયા કિનારા તથા સરકારી પડતર જમીન પરનું અંદાજિત ૧૭૩ હેકટર જમીનમાં દબાણ જણાતા આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા કંપની સામે જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૧ હેઠળ કુલ-૯ કેસ કરવામાં આવી છે. જેની કાર્યવાહી ચાલુ છે.  સરકારી જમીન ઉપર કબજા-દબાણ સંદર્ભે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં શ્રમિકોના આક્રોશને કારણે ભારે હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને કારણે ઉશ્કેરાયેલા અંદાજે ૪૦૦૦ શ્રમિકોએ કંપનીના પ્લાન્ટમાં તોડફોડ કરી, વાહનોમાં આગ લગાવી અને પોલીસ તેમજ સુરક્ષા જવાનો પર પથ્થરમારો કર્યો. આ ઘટના પછી પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ૩૬થી વધુ ટીયર ગેસના શેલ છોડ્યા અને છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.