તહેરાન/વોશિંગ્ટનઃ પશ્ચિમ એશિયાના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી CIA (Central Intelligence Agency)એ ઈરાનની ધરતી પર અત્યંત ગુપ્ત અને અત્યાધુનિક ઓપરેશન પાર પાડ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર તહેરાનમાં થયેલા હુમલામાં આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના તાર CIAના સચોટ ઇન્પુટ્સ સાથે જોડાયેલા છે. આ ઓપરેશન એટલું હાઈ-ટેક હતું કે અમેરિકી એજન્ટોએ ખામેનેઈના લોકેશનને ટ્રેસ કરવા માટે ઈરાનના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરા પણ હેક કરી લીધા હતા, જેના કારણે તેમની ક્ષણે ક્ષણની હિલચાલ પર નજર રાખવાનું શક્ય બન્યું હતું.
ઓક્ટોબર 2023માં ઇઝરાયલ પર હિઝબુલ્લાહ અને હમાસના હુમલા બાદ જ અમેરિકાએ ઈરાનમાં પોતાની ગુપ્તચર પ્રવૃત્તિઓ તેજ કરી દીધી હતી. એક વિશ્લેષણ મુજબ 2023થી 2025ના સમયગાળામાં અમેરિકાએ ઈરાન સંબંધિત ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે અંદાજે 2.5 અબજ ડોલર (લગભગ 2.28 લાખ કરોડ રૂપિયા) ખર્ચ્યા હોવાનું કહેવાય છે. આ આંકડા દર્શાવે છે કે અમેરિકા માટે આ મિશન કેટલું મહત્વનું હતું. એક રિપોર્ટ પ્રમાણે મડિલ ઈસ્ટમાં સ્થિરતા અને પોતાના હિતોના રક્ષણ માટે અમેરિકાએ કુલ 12.7 અબજ ડોલરનું ફંડ ફાળવ્યું હતું, જેનો મોટો હિસ્સો ઈરાન ઓપરેશનમાં વપરાયો હતો.
આ ઓપરેશનની સફળતા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન એજન્સીના હુમલાની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે ખામેનેઈ ગમે તેટલા પ્રયત્નો કરે પણ અમેરિકાની ટ્રેકિંગ સિસ્ટમથી બચી શકે તેમ નહોતા. ઇઝરાયલી મીડિયાના અહેવાલ મુજબ આ ઘટના બાદ ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને ખામેનેઈનો મૃતદેહ પણ બતાવવામાં આવ્યો હતો. અમેરિકાએ આ ઘટનાને આતંકવાદ સામેની એક મોટી સિદ્ધિ ગણાવી છે.
આયાતુલ્લા અલી ખામેનેઈ લાંબા સમયથી CIAની રડારમાં હતા. તેઓ વિશ્વના એવા નેતા હતા જેઓ ખુલ્લેઆમ અને પ્રખર રીતે અમેરિકાની નીતિઓનો વિરોધ કરતા હતા. નોંધનીય છે કે ખામૈની તેમના જીવનકાળ દરમિયાન ક્યારેય અમેરિકા ગયા નહોતા.
સીઆઈએના પૂર્વ એજન્ટ જોન કિરીયાકુએ ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં જ સંકેત આપી દીધો હતો કે ઈરાન પર કોઈ મોટું ઓપરેશન તોળાઈ રહ્યું છે. નવેમ્બર 2025માં CIAની ડેપ્યુટી ડિરેક્ટર મેરી માર્ગારેટ ગ્રેહામ દ્વારા જાહેર કરાયેલું 44 અબજ ડોલરનું વિશાળ બજેટ પણ આ પ્રકારના હાઈ-પ્રોફાઈલ મિશન તરફ ઈશારો કરતું હતું.