Tue Aug 18 2026

Logo

કવર સ્ટોરીઃ વિદેશી ફિલ્મોનાં આવાં ઓવારણાં કેમ લેવાય છે?

2026-08-07 08:42:00
Author: Hema Shastri
Article Image

હેમા શાસ્ત્રી


હોલિવૂડને 2026ના વર્ષના પહેલા સાત મહિના ફળ્યા છે એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ છે. સિને પ્રેમીઓએ હોલિવૂડની ફિલ્મોને વધાવી લીધી છે એવું બૉક્સ ઑફિસ કલેક્શન પરથી જરૂર પ્રતીત થાય છે. અલબત્ત, સફળ નીવડેલી ફિલ્મોને હોલિવૂડની ફિલ્મો કહેવું જરા ખટકે એવી વાત છે. કેમ? કારણ કે દર્શકોને થિયેટર સુધી દોડતા કરનારી ફિલ્મોના લિસ્ટમાં ખાસ તો ફ્રેન્ચાઇઝી ફિલ્મો અને એમાંય માર્વેલ (એમસીયુ), ડિટેક્ટિવ કૉમિક્સ (ડીસી) અને અગ્રણી ઍક્શન ફ્રેન્ચાઇઝી ફિલ્મો જ મુખ્યત્વે હોય છે. હોલિવૂડની અન્ય ફિલ્મો કાં તો ભારતમાં રિલીઝ નથી થતી અને થાય છે તો અપવાદ બાદ કરતાં સિને રસિકોમાં એના માટે ઉત્સાહ નથી હોતો.

છેલ્લાં 10 વર્ષની સફળ ફિલ્મોનું લિસ્ટ જોવાથી Oppenheimer, The Jungle Book, The Odyssey, Project Hail Mary  જેવી ગણીગાંઠી નૉન ફ્રેન્ચાઇઝી ફિલ્મનાં નામ જોવા મળે છે. અને હા, આ ફિલ્મો પણ સફળ ફિલ્મોના કઝીન જેવી જ છે. ચુકાદો સ્પષ્ટ છે કે આંખો પહોળી થઈ જાય, હેરત થાય અને મોઢામાંથી ઓહ માય ગૉડ નીકળી જાય એવી ફિલ્મોને પ્રાધાન્ય મળે છે. દર્શકોને રોમેન્સ-કૉમેડી કરતાં  રોમાંચ માટે વધુ રુચિ છે. અપવાદ તો દરેક બાબતે હોય. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણે અંશે એવું જ જોવા મળી રહ્યું છે.

ક્રિસ્ટોફર નોલનની "The Odyssey' (આ લખાય છે ત્યાં સુધીમાં કલેક્શન 180 કરોડ)ની સફળતાનો નશો ઊતરે એ પહેલાં માર્વેલ સ્ટુડિયોની Spider-Man: Brand New Day રિલીઝના પહેલે જ દિવસે 17 હજાર 250 શોમાં પ્રદર્શિત થઈ 60.60 કરોડનું કલેક્શન મેળવવામાં સફળ રહી છે. આ સાથે સ્પાઇડરમૅનની ફિલ્મે સાત વર્ષ પહેલાં Avengers: Endgame  ફિલ્મે સ્થાપેલા પ્રથમ દિવસના 53.10 કરોડના વિક્રમના ભુક્કા બોલાવી દીધા છે. પહેલા પાંચ દિવસમાં સ્પાઇડરમૅનની ફિલ્મ ભારતમાં 337 કરોડ રૂપિયાનો વકરો કરવામાં સફળ રહી છે. જે ઝડપથી સ્પાઇડરમૅનની ફિલ્મ આગળ વધી રહી છે એ જોતાં એવેંજર્સનો ભારતીય કલેક્શનનો રેકૉર્ડ તોડી નાખી એ નવો વિક્રમ નોંધાવશે તો નવાઈ નહીં લાગે.

ઑગસ્ટથી-ડિસેમ્બર દરમિયાન ભારતમાં હોલિવૂડની 14 ફિલ્મ રિલીઝ થવાની માહિતી છે. એમાંથી Super Troopers 3, One night only એ બંને કૉમેડી ફિલ્મ છે. બાકીની ડઝન સાયન્સ ફિક્ષન કે પછી ઍક્શન-ઍડ્વેન્ચર અથવા સુપરહીરો કે ઍનિમેશન ફિલ્મો જ છે.


ભારતમાં પહેલી માર્વેલ ફિલ્મ 2008માં (Iron Man)) રિલીઝ થઈ હતી. એ સમયે અંગ્રેજી ઉપરાંત કેવળ હિન્દીમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મને 11 કરોડનું કલેક્શન મળ્યું હતું જે એ સમયે આ વકરો ફિલ્મ ખૂબ જ સારી સફળતાને વરી છે એ દર્શાવતો હતો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 100 કરોડ ક્લબની શરૂઆત 2008માં થઈ હતી. આધારભૂત માહિતી અનુસાર છેલ્લાં 18 વર્ષમાં આપણે ત્યાં 38 માર્વેલ ફિલ્મો રિલીઝ થઈ છે. અંગ્રેજી ઉપરાંત અન્ય પાંચ ભાષામાં ડબ કરવામાં આવે છે અને સ્પાઇડરમૅન શ્રેણી સહિતની સ્પેશ્યલ ઍનિમેટેડ ફિલ્મો તો દસ ભારતીય ભાષામાં ડબ કરી રિલીઝ કરવામાં આવે છે. 


આટલાં વર્ષોમાં સાત માર્વેલ ફિલ્મ 100 કરોડથી વધુ કલેક્શન મેળવવામાં સફળ રહી છે. પ્રથમ નંબરે છે Avengers: Endgame: 373.22 કરોડ રૂપિયા. રસપ્રદ વાત એ છે કે માર્વેલ સિરીઝની સૌથી સફળ ફિલ્મ (બૉક્સ ઑફિસ વર્લ્ડવાઇડ કલેક્શન 2.8 બિલ્યન ડૉલર) પણ ‘એવેંજર્સ: એન્ડગેમ’ જ છે. હોલિવૂડની હન્ડ્રેડ કરોડ કલેક્શન મેળવનારી પ્રથમ ફિલ્મ હતી Furious 7 (2015) અને 10 વર્ષમાં આંકડો 15 પર પહોંચી ગયો છે.


ભારતમાં માર્વેલ ફિલ્મોને કેમ સફળતા મળે છે?: 
આ ફિલ્મોને મળતા આવકારનું પ્રમુખ કારણ એ છે કે આ ફિલ્મ વિવિધ સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. મતલબ કે ભારતના રાજ્ય અનુસાર એ હિન્દી, તમિળ, તેલુગુ, ક્ધનડ, મલયાલમ અને ગુજરાતીમાં ડબ કરી રિલીઝ કરવામાં આવે છે. પરિણામે આ ફિલ્મો મહાનગર પૂરતી સીમિત નથી રહેતી અને વિવિધ રાજ્યોનાં નાના શહેર-નગરના પ્રેક્ષક સુધી પહોંચે છે. 


બીજું કારણ છે ફિલ્મોની ભવ્યતા. આજના યુવા વર્ગને પડદા ઉપર આંખ આંજી દેતાં દૃશ્યો, ત્યાગ-બલિદાન-સંઘર્ષની ભવ્ય ગાથા જોવામાં વધુ રુચિ છે. ભારતનું માર્કેટ વિશાળ હોવાથી અમુક ફિલ્મો નૉર્થ અમેરિકાના પ્રીમિયર શો પહેલાં ભારતમાં રિલીઝ કરવામાં આવે છે.


આ વર્ષની ટૉપ ફાઇવ... 

આ વર્ષના જૂન મહિના સુધીમાં ભારતમાં પ્રદર્શિત થયેલી ટૉપ ફાઇવ (બૉક્સ ઑફિસ કલેક્શનને આધારે) ફિલ્મો પર નજર નાખતા આપણા દર્શકોની પસંદગીનો ખ્યાલ આવે છે. પહેલા ક્રમાંકે છે Mission: Impossible - The Final Reckoning. ટોમ ક્રુઝની ઍક્શન સ્પાય ફિલ્મ સિરીઝની આઠમી ફિલ્મ. વિશ્ર્વભરમાં 850 મિલ્યન ડૉલરનું કલેક્શન મેળવનારી ફિલ્મનો ભારતમાં વકરો હતો 148 કરોડ રૂપિયા. બીજા નંબરે છેThunderbolts. માર્વેલ સિરીઝની એન્ટી હીરોની આ ફિલ્મ વિશ્વભરમાં 530 મિલ્યન ડૉલરનો વકરો કરવામાં સફળ રહી હતી અને ભારતમાં કલેક્શન હતું 120 કરોડ રૂપિયા. 


તરછોડાયેલા અને સુધારી રહેલા ખલનાયકોની વાર્તા દર્શકોને બહુ જ ગમી ગઈ. ત્રીજા નંબરે છે Jurassic World: Rebirth જે જુરાસિક ફ્રેન્ચાઇઝીની સાતમી ફિલ્મ છે. સાયન્સ ફિક્શન કૅટેગરીની આ ફિલ્મની સિરીઝનો પ્રારંભ 1993માં સ્ટીવન સ્પીલબર્ગ દિગ્દર્શિતJurassic Park(1993)થી થયો હતો. આ સિરીઝની અગાઉની ફિલ્મોને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ પણ એમાં અપવાદ નહોતી. વિશ્વભરમાં 680 મિલ્યન ડૉલરનું કલેક્શન મેળવનારી આ ફિલ્મનો ભારતમાં વકરો હતો 95 કરોડ રૂપિયા. 


ચોથા નંબરે છે બેસ્ટ સાઉન્ડનો ઑસ્કર એવોર્ડ મેળવનારી સ્પોર્ટ્સ ઍક્શન ફિલ્મ F1. બે ઑસ્કર એવોર્ડ મેળવી ચૂકેલો અફલાતૂન અભિનેતા બ્રેડ પિટ ફિલ્મમાં 30 વર્ષના બ્રેક પછી ટીમનું નાક રાખવા સ્પર્ધામાં ઊતરનાર ફૉર્મ્યુલા વન રેસિંગ ડ્રાઇવરના રોલમાં છે. વિશ્વભરમાં 540 મિલ્યન ડૉલરનું કલેક્શન મેળવી ઍક્ટરની 40 વર્ષની કરિયરની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે. ફૉર્મ્યુલા રેસિંગ માટે આપણે ત્યાં જબરું આકર્ષણ છે. 88 કરોડ રૂપિયાનો વકરો કરવામાં ફિલ્મ સફળ રહી છે. 


પાંચમા નંબરે બિરાજે છે ફ્રેન્ચાઇઝીના લેબલ વિનાની સાયન્સ ફિક્શન ફિલ્મ Project Hail Mary.. આ ફિલ્મની ખાસિયત એ છે કે હોલિવૂડની આ ફિલ્મનું પ્રીમિયર 9 માર્ચે લંડનમાં થયું, 20 માર્ચે યુએસમાં રિલીઝ થઈ અને છ જ દિવસ પછી 26 માર્ચે ભારતમાં રિલીઝ કરવામાં આવી. વિશ્વભરમાં 684 મિલ્યન ડૉલરનું કલેક્શન મેળવનારી આ ફિલ્મનો ભારતમાં વકરો હતો 85 કરોડ રૂપિયા.