હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, પરંતુ વર્ષ 2026 માં આ ઉત્સાહ વચ્ચે જ્યોતિષીય ગણતરીઓએ થોડી અસમંજસ ઊભી કરી છે. સામાન્ય રીતે હોળિકા દહન પછીના દિવસે ધુળેટી રમાતી હોય છે, પરંતુ આ વખતે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના તહેવાર સાથે ટકરાઈ રહ્યું છે. 3 માર્ચ 2026 ના રોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે સૂતક કાળ લાગશે, જેને પગલે પરંપરાગત ઉજવણીના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે.
જાણો ક્યારે થશે હોળિકા દહન અને ક્યારે ઉજવાશે ધૂળેટી?
પંચાંગ મુજબ, હોળિકા દહન 2 માર્ચ 2026 ની રાત્રે કરવામાં આવશે. જોકે, તેના બીજા જ દિવસે એટલે કે 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ સૂતક કાળ માન્ય રહેશે. સૂતક કાળમાં પૂજા-પાઠ અને રંગો રમવાની મનાઈ હોવાથી જ્યોતિષીઓ 4 માર્ચના રોજ ધુળેટી મનાવવાની સલાહ આપી રહ્યા છે. આમ, ભક્તોએ આ વખતે હોળિકા દહન બાદ એક દિવસની રાહ જોવી પડશે અને ત્યાર બાદ જ રંગોત્સવની મજા માણી શકાશે.
ચંદ્રગ્રહણની સાથે સાથે લોકોમાં સૂર્યગ્રહણને લઈને પણ ભારે જિજ્ઞાસા જોવા મળી રહી છે. વર્ષ 2026 માં કુલ બે સૂર્યગ્રહણ થવાના છે, જેમાંથી પ્રથમ 17 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે વર્ષનું બીજું સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ 2026 ના રોજ લાગશે. રાહતની વાત એ છે કે આ ગ્રહણ ભારત દેખાશે નહીં, તે મુખ્યત્વે યુરોપ, કેનેડા અને ગ્રીનલેન્ડમાં દ્રશ્યમાન થશે. ભારતમાં ન દેખાવાને કારણે અહીં કોઈ સૂતક કાળ લાગુ પડશે નહીં અને તમામ ધાર્મિક કાર્યો રાબેતા મુજબ કરી શકાશે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ વચ્ચે નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે 21મી સદીનું સૌથી મોટું અને લાંબુ સૂર્યગ્રહણ વર્ષ 2027 માં જોવા મળશે. 2 ઓગસ્ટ 2027 ના રોજ આ ઐતિહાસિક ખગોળીય ઘટના બનશે, જે આશરે 6 મિનિટ અને 22 સેકન્ડ સુધી ચાલશે. આ ગ્રહણ ભારતભરના તમામ રાજ્યોમાં આંશિક રીતે જોઈ શકાશે. આ સમયે દિવસ દરમિયાન જ અંધારું છવાઈ જવાથી રાત્રિ જેવો નજારો જોવા મળશે. આવું લાંબુ ગ્રહણ હવે સીધું વર્ષ 2114 માં જ જોવા મળશે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ ગ્રહણ એ એક સામાન્ય ખગોળીય પ્રક્રિયા છે, જેમાં જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આ ઘટના હંમેશા અમાસના દિવસે જ બને છે. બીજી તરફ, ભારતીય પૌરાણિક કથાઓમાં ગ્રહણનો સંબંધ રાહુ અને કેતુ સાથે જોડવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે રાહુ-કેતુ જ્યારે સૂર્ય કે ચંદ્રને ગ્રસિત કરે છે ત્યારે ગ્રહણ લાગે છે, જેના કારણે સૂતક કાળ દરમિયાન સાવચેતી રાખવામાં આવે છે.