(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણા જિલ્લાના વિજાપુર-હિંમતનગર હાઇ-વે પર એક અજાણ્યા વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચી હતી, જેની સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો અને પોલીસે મૃતકના વાલી-વારસની તેમજ અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ફરિયાદ મુજબ,18 જુલાઇના રોજ રાત્રે વિજાપુર-હિંમતનગર રોડ પર કનકપુરા પાટીયા નજીક કોઈ અજાણ્યા વાહનચાલકે અંદાજે 60 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રથમ સારવાર માટે વિજાપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. અહીં તેમને ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરી સારવાર આપવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ઘોર બેદરકારીથી વાહન ચલાવી મોત નિપજાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ મૃતકની લાશ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવેલ છે અને પોલીસે મૃતકના વાલી-વારસની ઓળખ તેમજ ટક્કર મારનાર વાહન અને તેના ચાલકને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.