Tue Oct 06 2026

Logo

ગુજરાત 7.30 લાખ કિશોરીઓને HPV રસી આપનારું દેશનું પ્રથમ રાજય

2026-09-29 19:33:28
Author: Mumbai Samachar Team
ગુજરાત 7.30 લાખ કિશોરીઓને HPV રસી આપનારું દેશનું પ્રથમ રાજય

ગાંધીનગર: ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. જેમાં ગર્ભાશયના મુખના કેન્સર જેવા અતિ ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે માત્ર 3 મહિનામાં સૌ ટકા દીકરીઓનું સફળ રસીકરણ કરીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV રસી આપી 

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગર્ભાશયનું કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સૌથી ચિંતાજનક રોગો પૈકીનો એક છે. પરંતુ યોગ્ય સમયે અપાયેલી રસી આ રોગને થતો સંપૂર્ણપણે અટકાવી શકે છે. ગુજરાતે આ ઝુંબેશને એક 'મહાયજ્ઞ'ની જેમ ઉપાડી હતી. જેના પરિણામ અત્યારસુધીમાં ૧૪ વર્ષની પાત્રતા ધરાવતી અંદાજિત 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV વેક્સિનેશન હેઠળ આવરી લીધી હતી.

વધુ 2.72 લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા

તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારની આ  કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે ૭ સપ્ટેમ્બરે રાજ્ય માટે વધુ 2.72 લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતાં. 

અભિયાનની મુદત લંબાવીને 31 ડિસેમ્બર 2026 

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જે 14 વર્ષની દીકરીઓ કોઈ કારણસર રસી લેવાથી વંચિત રહી ગઈ હોય  તેમના વાલીઓએ સહેજ પણ વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. વાલીઓની સુવિધા અને તમામ કિશોરીઓને સુરક્ષાકવચ આપવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની મુદત લંબાવીને 31 ડિસેમ્બર 2026 કરી છે. 

14 વર્ષની કિશોરી માટે  જીવનરક્ષક રસી તદ્દન મફત 

હવે રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા તથા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, અને તમામ CHC તથા PHC કેન્દ્રો પર 14 વર્ષની દરેક કિશોરી માટે આ જીવનરક્ષક રસી તદ્દન મફત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.