Fri Apr 17 2026

Logo

*કોણે બનાવ્યો હતો ભારતનો નક્શો અને કઈ રીતે નક્કી થઈ હતી બોર્ડર? જાણી લો એક ક્લિક પર...*

2026-04-17 20:23:34
Author: Darshana Visaria
Article Image

આજકાલ આપણે જ્યાં જવું હોય ત્યાં ભલેને એ જગ્યા અજાણી હોય ત્યાં સરળતાથી પહોંચી શકાય એ માટે મેપનો ભરોસે રહીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આપણે જે ભારતમાં રહીએ છીએ એ ભારત દેશનો નક્શો કોણે બનાવ્યો છે? ભારતનો વર્તમાન નકશો એ માત્ર ભૌગોલિક સીમાઓ જ નહીં, પણ હજારો વર્ષોના ઈતિહાસ, સંઘર્ષ અને વૈજ્ઞાનિક પ્રગતિનું પરિણામ છે. 300 ઈસા પૂર્વેથી શરૂ થયેલી આ સફર આધુનિક ટેકનોલોજી સુધી કેવી રીતે પહોંચી, તે ખૂબ જ રસપ્રદ છે. ચાલો નજર કરીએ આ રસપ્રદ ઈતિહાસમાં... 

આજે આપણે ભારતનો જે નકશો જોઈએ છીએ, જેને ફોલો કરીએ છીએ એ કંઈ રાતોરાત નથી તૈયાર કરવામાં આવ્યો. અનેક મહાન સંશોધકો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના પરિણામે આજનો આપણે ભારત દેશનો નક્શો અસ્તિત્વમાં આવ્યો છે. 

વાત કરીએ નકશા નિર્માણના મહત્વના તબક્કા વિશે તો ભારતનો નકશો બનાવવાનો સૌથી પહેલો પ્રયાસ લગભગ 300 ઈસા પૂર્વે ગ્રીક વિચારક એરાટોસ્થનીઝ અને ત્યારબાદ ટોલેમી દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે એ સમયે આ નકશા આજના જેટલા એક્યુરેટ અને એકદમ સચોટ નહોતા.

Map of India, by James Rennell, 1782

ત્યાર બાદ 18મી સદીમાં એટલે કે અંદાજે 1782માં જેમ્સે ભારતનો પ્રથમ વિગતવાર અને સચોટ નકશો તૈયાર કર્યો. અહીંયા તમારી જાણકારી માટે કે જેમ્સને ભારતીય ભૂગોળના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 19મી સદીમાં વિલિયમ લેમ્બટન અને જ્યોર્જ એવરેસ્ટ દ્વારા વિજ્ઞાનની મદદથી અંતર અને ઊંચાઈ માપવાની શરૂઆત થઈ, જેનાથી નકશામાં ચોકસાઈ આવી.

ભારતના નક્શાને અંતિમ ઓપ ક્યારે અને કઈ રીતે મળ્યો એની વાત કરીએ તો 1947માં આઝાદી અને ભાગલા બાદ ભારતની હાલની સીમાઓને આખરી ઓપ મળ્યો હોવાનો ઉલ્લેખ દસ્તાવેજોમાં જોવા મળે છે. સરિલ રેડક્લિફ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ ખેંચાઈ તેને 'રેડક્લિફ લાઇન' કહેવામાં આવે છે.

આજે ભારતની સીમાઓ અને ભૌગોલિક ડેટાને સાચવવાની જવાબદારી 'ભારતીય સર્વેક્ષણ વિભાગ' (Survey of India) સંભાળે છે, જે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સલાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.