Mon Sep 07 2026

Logo

ગાંધીધામમાં રેલવેની ઐતિહાસિક સિદ્ધિ: એક જ દિવસમાં 16 લોંગ હોલ માલગાડીનું સંચાલન

2026-08-02 12:34:22
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં રેલવેની ઐતિહાસિક સિદ્ધિ: એક જ દિવસમાં 16 લોંગ હોલ માલગાડીનું સંચાલન

પેટા:- અમદાવાદ ડિવિઝનની માલ ભાડાની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ: જુલાઈ માસમાં સર્વાધિક 763 કરોડ રૂપિયાની આવક મેળવી

ભુજ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા વિતેલા માસ દરમિયાન માલ પરિવહન ક્ષેત્રે અનેક નવા કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે. માલ ભાડાની આવકમાં મહત્તમ યોગદાન આપતા કચ્છ વિસ્તારમાં ગત મહિને 'લોંગ હોલ' એટલે કે,લાંબી કન્વોય ધરાવતી ટ્રેનોનું સર્વાધિક સંચાલન કરીને ઐતિહાસિક સફળતા મેળવવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ગયા જુલાઈ માસમાં અમદાવાદ ડિવિઝન દ્વારા કુલ 763 કરોડ રૂપિયાની સર્વોચ્ચ આવક મેળવવામાં આવી હતી. માલ ભાડાની આવકમાં 5.60 ટકાની વૃદ્ધિ સાથે 584 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા, જ્યારે પ્રવાસી આવકમાં 1.61 ટકાના વધારા સાથે 147.5 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે વાણિજ્ય અને પરિચાલન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.

અહેવાલ અનુસાર, પશ્ચિમ કચ્છના નલિયા ફ્રેટ ટર્મિનલ ખાતે જુલાઈ માસમાં અત્યાર સુધીની સૌથી વધુ 3.96 કરોડ રૂપિયાની આવક નોંધાઈ હતી. સમગ્ર જુલાઈ દરમિયાન 2,908 વેગન મારફતે 4.50 મિલિયન ટન માલસામાનનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કોમોડિટી તરીકે કોલસાના 138 વેગન, મીઠાના 315 વેગન અને ખાતરના 603 વેગનનું લોડિંગ થયું હતું. એકલા ગાંધીધામ વિસ્તારમાંથી જ 2,267 વેગનમાં માલસામાન ભરવામાં આવ્યો હતો.

લોંગ હોલ માલગાડીઓના સંચાલનમાં ગાંધીધામ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. જુલાઈ માસમાં ગત વર્ષની સરખામણીએ 1,227 ટકાની ઐતિહાસિક વૃદ્ધિ સાથે કુલ 385 લોંગ હોલ ટ્રેનોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એક જ દિવસમાં 16 લોંગ હોલ ટ્રેનોનું પરિચાલન કરીને રેલવેએ એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આગામી સમયમાં રેલવે વિભાગ દ્વારા માળખાકીય સુવિધાઓનું વધુ વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી આ આંકડાઓ હજુ પણ ઊંચા સ્તરે પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્સવ વૈદ્ય