Wed Sep 02 2026

Logo

શિમલા-મનાલી ફરવા જતા પ્રવાસીઓએ ભરવો પડશે આકરો એન્ટ્રી ટેક્સ, જાણો વિગત

2026-02-20 13:27:00
Author: Savan Zalariya
શિમલા-મનાલી ફરવા જતા પ્રવાસીઓએ ભરવો પડશે આકરો એન્ટ્રી ટેક્સ, જાણો વિગત

શિમલા: શિયાળાની વિદાય બાદ ઉનાળો શરુ થવાનો છે, ઉનાળાને વેકેશનમાં લોકો હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ,મનાલી જેવા પર્યટન સ્થળોએ ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે, એવામાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. હિમાચલ સરકારે રાજ્યના એન્ટ્રી પોઈન્ટ્સ પર રાજ્ય બહારના ખાનગી વાહનો માટે ટોલ ચાર્જમાં વધારો કર્યો છે, આ વધરો 1લી એપ્રિલથી લાગુ થશે.

રાજ્ય સરકારે સુધારેલી ટોલ નીતિને મંજરી આપી છે, જે 1લી એપ્રિલથી શરુ થતા આગામી નાણાકીય વર્ષથી અમલમાં આવશે. હિમાચલ પ્રદેશ સિવાયના રાજ્યોમાં રજીસ્ટર્ડ ખાનગી વાહનના પ્રવેશ માટે ટોલ ચાર્જમાં 30 થી 180 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, હિમાચલ પ્રદેશમાં રજીસ્ટર્ડ વાહનોને ટોલ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ક્યા વાહનો પર કેટલો ટોલ?
હિમાચલ પ્રદેશની ટોલ નીતિ 2026-27 મુજબ, કાર, જીપ અને વાન જેવા હળવા મોટર વ્હીકલ્સ માટે હવે ટોલ ચાર્જ પેઠે રૂ. 70 ને બદલે રૂ. 170 વસૂલવામાં આવશે. જોકે, બે એક્સલ સુધીની બસો અને ટ્રકો માટે ટોલ રૂ. 570 યથાવત રાખવામાં આવ્યો છે.

લાઈટ કમર્શિયલ વ્હીકલ અને મીની બસો માટે ચાર્જ રૂ. 320 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે થ્રી-એક્સલ કમર્શિયલ વ્હીકલ માટે પર ડે ચાર્જ રૂ. 600 વસુલવામાં આવશે. હેવી કન્સ્ટ્રકશન મશીનરી માટે રૂ. 800 વસૂલવામાં આવશે, અને સાત કે તેથી વધુ એક્સલવાળા મોટા વાહનો પાસેથી રૂ. 900 વસુલવામાં આવશે.  ટ્રેક્ટર માટે ટોલ ચાર્જ રૂ.70 થી વધારીને રૂ.100 કરવામાં આવ્યો છે.

ટોલ નીતિ મુજબ એન્ટ્રી ફી માટે ફાસ્ટેગ હોવું ફરજિયાત રહેશે. હિમાચલ પ્રદેશમાં 55 ટોલ બેરિયર્સ આવેલા છે. એન્ટ્રી ફી વધવાથી પ્રવાસી અને ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર્સને અસર થવાની શક્યતા છે.

હિમાચલ પ્રદેશ પ્રાઈવેટ બસ ઓપરેટર્સ એસોસિએશન અને કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયાના સ્ટેટ યુનીટે ટોલ ચાર્જમાં વધારાનો વિરોધ કર્યો છે.