Wed Sep 16 2026

Logo

લખપતમાં હાઈ એલર્ટ: પ્રતિબંધિત ઝોનમાંથી બે સંદિગ્ધ કાશ્મીરી યુવાનો પકડાતા એજન્સીઓ દોડતી થઈ

2026-03-20 11:24:00
Author: Mumbai Samachar Team
લખપતમાં હાઈ એલર્ટ: પ્રતિબંધિત ઝોનમાંથી બે સંદિગ્ધ કાશ્મીરી યુવાનો પકડાતા એજન્સીઓ દોડતી થઈ

ભુજઃ નાપાક પાકિસ્તાનને અડીને આવેલા કચ્છના સરહદી લખપત તાલુકાના સાંગણગુનાના પ્રતિબંધિત વિસ્તારમાંથી આજે બે શંકાસ્પદ કાશ્મીરી યુવાનો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બંને સંદિગ્ધોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે બે અજાણ્યા શંકાસ્પદ શખ્સો લખપતના સાંગણગુના ગામથી ઓડીવાંઢ તરફ જઈ રહ્યા છે. આ વિસ્તાર પ્રતિબંધિત હોવાથી પોલીસે તુરંત કાર્યવાહી કરી બંનેને આંતર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશવા માટે તેમની પાસે કોઈ સત્તાવાર પરવાનગી ન હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ અને પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં પકડાયેલા શખ્સોની ઓળખ જાવીદ ઇકબાલ અબ્દુલમજીદ રેસી (ઉંમર ૨૮ વર્ષ),તારીફ હુસેન હસનદીન રેસી (ઉંમર ૨૨ વર્ષ) (રહે.બંને અતૌલી, જમ્મુ અને કાશ્મીર) તરીકે થઇ છે.

સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક પૂછતાછ દરમિયાન બંને યુવાનોએ જણાવ્યું હતું કે તેઓ મદરેસા માટે ફંડ ઉઘરાવવાના હેતુથી આ વિસ્તારમાં આવ્યા હતા. જોકે, સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ એવા આ વિસ્તારમાં તેઓ પરવાનગી વિના કેમ પ્રવેશ્યા તે અંગે આ લખાઈ રહ્યું છે ત્યારે તપાસ ચાલી રહી છે. પોલીસને તેમની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે બંનેના મોબાઈલ ફોન કબજે કરી ફોરેન્સિક તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી વિના પ્રવેશ કરવા બદલ નરા પોલીસ મથકે બંને યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરહદી જિલ્લામાં બનેલી આ ઘટનાને પગલે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)