ઊડતી વાત - ભરત વૈષ્ણવ
‘ઠક. ઠકઠક’
રાત્રે એક વાગ્યે મારા ઘરનું બારણું કોઇ ઠોકતું હતું. મારા શરીરમાં ભયનું લખલખું આવી ગયું. કોઇ ચડી -બનિયાનધારી ગેંગ દરવાજો ઠોકીને ચોરી કરવા આવે નહીં. મારા ઘરે બે નંબરી તો ઠીક એક નંબરી રૂપિયાના ફાંફા છે. એટલે ઇન્કમટેકસ મારા ઘરે સપનામાં પણ રેઇડ પાડવાનું વિચારે નહીં. કોઇ લેણિયાત તેનું લેણું વસૂલ કરવા અડધી રાત્રે મારી ખટિયા ખડી કરી શકે.
‘ગિધું, ડિયર દરવાજો ખોલો’ રાધારાણીએ હુકમ કર્યો.
‘કોણ હશે? અડધી રાત્રે? છાપાવાળો છાપાનું બિલ લેવા આવ્યો હશે? વીમાનો એજન્ટ અર્ધી રાત્રે મરણસાથી યોજનાની પૉલિસી વેચવા આવ્યો હશે?’ હું લૂંગી સરખી કરતાં સ્વગત બબડ્યો. અડધી રાત્રે કોઇ ઘરનો દરવાજો ખખડાવે તો મગજ બહેર મારી જાય કે નહીં?
‘શું ઠોયાની જેમ ઊભા છો? દરવાજો ખોલો. પડશે એવા દેવાશે.’ રાધારાણી ઊંઘમાં ખલેલ પડવાથી ચિડાઇ ગયા.
‘મને બીક લાગે છે. કોઇ મારા પર હથિયારથી હુમલો કરે અને મને કંઇ થઇ જશે તો તારું શું થશે તેની મને ફિકર થાય છે.’ મેં ગભરાઈને કહ્યું.
‘તમે નહીં હો તો મારું ફોડી લઇશ. હવે ડર્યા કર્યા વગર દરવાજો ખોલો.’
‘અરે, રાજુ તું અત્યારે મારા ઘરે? કાકા કાકીની તબિયત બરાબર છે?’ મેં દરવાજો ખોલ્યો. રાજુ મારા ઘરે આવેલો.
રાજુએ બુકાની પહેરી હતી. માથા પર કોલસાની ખાણના ખાણિયા ટોર્ચ વાળી ટોપી પહેરી તેવી ટોપી પહેરેલી. આંખ પર નાઇટ વિઝન ગોગલ્સ હતા. હાથમાં દોરડું હતું. રાજુ ‘શહેનશાહ’ ફિલ્મના અમિતાભ જેવો લાગતો હતો.
‘ભાભી જાગે છે?’ રાજુએ ઘરમાં આમતેમ જોયું. તેણે મોં પર આંગળી મૂકી ધીમેથી બોલવા સૂચવ્યું.
‘રાજુ, શું વાત છે?’ શું ક્યાંય ધાડ પાડવાનો ઇરાદો છે?’ મેં મજાક કરી.
‘ગિરધરલાલ, તમે અબઘડી મારી સાથે ચાલો. રસ્તામાં બધું કહું છું.’ હોઠ ફફડાવીને રાજુએ ધીમેથી કહ્યું.
‘આ તમારી ટણક ટોળી અડધી રાત્રે કયાં ઉપડી?’ રાધારાણીએ જાગી જઇને અમારી ઊલટ તપાસ હાથ ધરી.
‘ભાભી, અમે ખાનગી કામે જઇએ છીએ.’ રાજુએ લાળા ચાવ્યા.
‘રાજુભાઇ, ચાર બોટલ વોડકા કામ, મેરા રોજકા એવું તો ખાનગી કામ નથી ને? તમે મારા ગિધુને બગાડો છો.’ રાધારાણીએ જોરથી બારણું બંધ કરીને નારાજગી જાહેર કરી. જ્યારે હું અને રાજુ રાત્રે બહાર જઇએ ત્યારે રાધારાણી કકળાટ કરે. હું પાછો આવું ત્યારે પણ દરવાજો ખોલતી સમયે કાબરની જેમ કલબલાટ કરે. હું ક્યારેક છાંટોપાણી કરું પણ બધું માપમાં. મેં પીધા પછી રાજુની જેમ રાજાપાઠમાં કદી સીન ક્રિએટ કર્યો નથી.’
‘આપણે કયાં જઇએ છીએ? મેં ટુ વ્હીલરની પાછલી સીટ પરથી રાજુને પૂછયું.
‘ગિરધરલાલ, આપણા નસીબ આડેથી પાંદડું હટી ગયું છે.’ રાજુના અવાજમાં આનંદ છલકાતો હતો.
‘હું કાંઇ સમજ્યો નહીં.’ મેં મારી મૂંઝવણ છતી કરી.
‘આજે લક્ષ્મી આપણને ચાંલ્લો કરવાની છે.’ રાજુ માનો કે સાતમા આસમાનમાં વિહરી રહ્યો હતો.
‘મને તો ક્યાંય અપ્સરા પણ દેખાતી નથી. રસ્તો તો સૂમસામ છે.
‘તમે થોડી વાર શાંતિ રાખો.’ આમ કહી રાજુ ટુ વ્હીલર ચલાવતો રહ્યો. એક સોસાયટી આગળ ટુ વ્હીલર અટકાવ્યું. ટુ વ્હીલરને સ્ટેન્ડ કર્યું.
રાત્રે બે વાગ્યે અહીં માણસોની હકડેઠઠ ભીડ હતી. લોકો નીચે ઝૂકીને કાંઇક કાઢતા હતા. બેક માણસો કાઢેલ વસ્તુને પંખાથી સૂકવતા હતા. કેટલાક લોકો કોલસાથી ચાલતી ઇસ્ત્રીથી ઇસ્ત્રી પણ કરતા હતા. માહૌલ મારા પલ્લે ન પડયો. ચારેકોર લૂંટાલૂંટ. ચારેકોર છીનાઝપટી. લોકો કયાંકથી હેલોજનનો જુગાડ કરી આવેલ. કોઇ નોટ સાચી છે કે તે ચકાસવાનું મશીન લઇ આવેલ. બાઇકની સીટ પર ગટરમાંથી કાઢેલ નોટ પર એર ફ્રેશનરનો સ્પ્રે મારીને નોટ સૂકવતા હતા. કોલસાની ખાણના ખાણિયા કામ કરતા હોય તેવું લાગે.
‘ગિરધરલાલ, પેલું ઢાંકણું ખોલી તમે ચાલુ પડી જાવ.’ રાજુએ મને સૂચના આપી.
‘રાજુ, આ તો ગટરનું ઢાંકણું છે. મારી ઊંઘ બગાડીને તું ગટરના ઢાંકણા ખોલાવે છે? જો ગટરનું ઢાંકણું જ ખોલવું હતું તો આપણા ઘરની ગટરોના ઢાંકણા શું ખોટા હતા?’ મેં રાજુ સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો.
‘ગિરધરલાલ, અહીં જે છે તે ત્યાં નથી.’ રાજુ કોયડા જેવું બોલી ગયો. રાજુએે ગટરનું ઢાંકણું ખોલ્યું. તેની અંદર બેટરીથી લાઇટ કરી.
‘હાઇલા, આમાં તો ગાંધી, પરંતુ, ગટરમાં ચલણી આંધી આવી છે. એટલે કે ગાંધીછાપ નોટ વહે છે.’ મેં હરખ કર્યો. ગટરમાં પાંચસો પાંચસોની નોટો વહેતી હતી. ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ એવું સાંભળ્યું હતું, પરંતુ ખુદા ગટરના ઢાંકણા ખોલાવીને દેતા હૈ એવું તો પહેલીવાર જોઇ રહ્યો હતો. આ ગટરનું મૂળ રિઝર્વ બેંક કે બેંકની કોઇ કરન્સી ચેસ્ટમાં તો ખૂલતું નહીં હોય ને? ગટરમાં ચલણી નોટો તરતી તરતી હરતાફરતી હોય તેવું તો પહેલીવાર જોયું.
‘આ આંખ ધન્ય છે, આ ગટરજળ ધન્ય છે, ગટરજળમાં વહેતી લક્ષ્મી ધન્ય છે.’ એેવી કવિતા મને સૂઝી.
‘ગિરધરલાલ, ગટરમાં હાથ નાંખી મને નોટો આપતા જાવ. હું નોટો સૂકવવાનો બંદોબસ્ત કરું છું.’ રાજુએ મને ગંધારા પાણીમાંથી નોટો કાઢવા કહ્યું. ભારે ધક્કામુક્કી અને ભીડ વચ્ચે અમે સો દોઢસો નોટો ભેગી કરી. ગટરના પાણીની ગંધથી મારું માથું ફાટવા લાગ્યું. બે બાઇક સવાર અમારી નજર સામે ગંદા પાણી ટપકતી બે બોરી ભરીને પાંચસોની ભીની ભીની લીલીછમ નોટો લઇ ગયા.
‘આપણે મોડા પડયા. નહીંતર આપણે કરોડપતિ થઇ ગયા હોત.’ રાજુએે અફસોસ વ્યક્ત કર્યો. ગટરમાં ચલણી નોટો કેવી રીતે વહેતી થઇ હશે? એવો સવાલે મારા મનોમસ્તિકનો કબ્જો લઇ લીધેલ.
કહે છે કે કોઇક બિલ્ડરને ત્યાં ઇન્કમટેકસની રેઇડ પડવાની હતી. બિલ્ડરને તેની ગંધ આવી ગઇ. બિલ્ડરે બે-નંબરી નાણાંનો નાશ કરવા પાંચસોની નોટો ભરેલા ચાર-પાંચ કોથળા ગટરનું ઢાંકણું ખોલીને વહેતા કરી દીધેલી.
આમે બધા ગટરમાંથી આવી કરન્સી કાઢી રહ્યા હતા ત્યાં પોલીસ ટુકડી ઘટના સ્થળ પર ત્રાટકી અને અમારા બધા પાસેથી પેલી કરન્સી જપ્ત કરી લીધી!