- હેન્રી શાસ્ત્રી
ભાષા - લખાય પણ ખરી અને બોલાય પણ ખરી. લખાતી ભાષા અને બોલાતી વાણી એ બંનેમાં સ્થૂળ સ્વરૂપે જોઈએ તો કોઈ ફરક નથી. સૂક્ષ્મ સ્વરૂપે જરૂર છે. ઘણી વાર એક જ વાક્ય જુદી જુદી રીતે બોલવામાં આવતા એના અર્થમાં - એને સમજવામાં ઘણો ફેરફાર જોવા મળે છે. વાણી દ્વારા થતા વ્યવહારમાં એકસૂત્રતા નથી હોતી. માનસિક અવસ્થા પણ ભાગ ભજવે છે. ‘તમે મારા બાળકને જોયું?’ એ વાક્ય કોઈ માતા સ્વસ્થ હોય અને ભયભીત હોય ત્યારે અલગ અલગ રીતે સંભળાય છે અને એના ભાવાર્થ પણ જુદા જુદા હોય છે.
એક વ્યક્તિ બીજી વ્યક્તિને ‘તમે અહીંથી ક્યારે નીકળવાના?’ એવો સવાલ કરે એનું લખાણ સ્વરૂપ એક જ હોય, પણ એનું વાણી સ્વરૂપ ખૂબ જ અલગ અલગ હોઈ શકે છે. સહજ રીતે બોલાયું હોય તો એમાં જાણકારીનો ભાવ હોય છે. રોષમાં ઊંચે સાદે પૂછ્યું હોય તો વ્યક્તિ જાય તો સારું એટલે કે આડકતરી રીતે ધક્કો મારી કાઢવાનો ભાવ છે. એમાં મૃદુતા હોઈ શકે છે અને તોછડાઈ પણ હોઈ શકે છે. ’તમે કેમ આવ્યા?’ સવાલમાં આવવાનું પ્રયોજન પૂછવાનો ઈરાદો હોઈ શકે છે તો તમે ન આવ્યા હોત તો સારું હતું એ ભાવ પણ હોઈ શકે છે. કહેવત કથા વાંચતી વખતે જો વાણીના ભાવની જાણ હોય તો એને સમજવામાં આસાની રહે છે.
સ્વભાવ એટલે મનોવૃત્તિ, મનની પ્રવૃત્તિ. સ્વ એટલે પોતાનો અને ભાવ એટલે જન્મ. પોતાના જન્મથી જે બનેલો છે તે સ્વભાવ. મનુષ્ય સ્વભાવ એની પ્રકૃતિના પ્રતિબિંબ જેવો હોય છે. ઘણીવાર સ્વભાવ મનુષ્યનો પરિચય પણ આપી દે છે. ગામડાઓમાં - નગરોમાં વાળંદનો સ્વભાવ ખૂબ બોલકો ગણાયો છે. એકની વાત બીજાને, બીજાની ત્રીજાને, ત્રીજાની ચોથાને અને ચોથાની વાત ફરી પહેલાને કરવાનો એનો સ્વભાવ હોય છે. ‘શોલે’ ફિલ્મમાં જેલના દૃશ્યોમાં અંગ્રેઝો કે જમાને કે જેલર અસરાનીને એક વાળંદ જ અહીંની વાત તહીં કરતો જોયો હોવાનું અનેક લોકોને સ્મરણ હશે. પ્રાચીન કાળમાં વાળંદ હરતું ફરતું અખબાર ગણાતો હતો. એની પાસે બાલ - દાઢી કરાવવા આવતા લોકો ગામમાં શું નવાજૂની ચાલે છે એ જાણી લેતા. એકવાર હજામત કરાવવા આવેલા રાજાએ પૂછ્યું કે ‘રાત, નગરના લોકો સુખી તો છે ને?’ (રાત એટલે વાળંદ, ગાંયજો કે નાઈ, કારણ કે એ રાતે મશાલ ઉપાડે).
વાત એમ હતી કે વાળંદની પાડોશમાં રહેતો પરિવાર ખાધેપીધે સુખી - આનંદી હતો. ઘેર ગાય - ભેંસ બાંધેલા હતા. આ તરફ સરખી કમાણીના અભાવે વાળંદને નિયમિત દૂધના ફાંફાં હતા.એટલે હૈયે દાઝેલા અને પેટના બળેલા વાળંદે રડમસ થઈ જવાબ આપ્યો કે ‘મહારાજ તમને શું કહું? નગર દુકાળનો સામનો કરી રહ્યું છે અને છોકરાંઓને ટીપું દૂધના સાંસા છે.’ વાળંદની વ્યથા જાણી રાજા અસ્વસ્થ થયા. પ્રજાની પીડા તેમનાથી ખમાઈ નહીં. તાબડતોબ કારભારીને બોલાવી આદેશ આપ્યો કે ‘ગામના લોકોનું દૂધનું દુ:ખ દૂર કરો. ખર્ચની ચિંતા નહીં કરતા.’
રાજાની આજ્ઞા તો સ્વીકારી લીધી, પણ દીવાન ચતુર હતા. એકંદર પરિસ્થિતિ જાણતા હતા. વાળંદે નક્કી કોઈ ચાલાકી કરી હોવી જોઈએ એવો એમને વહેમ પડ્યો. માણસો મોકલી બધી તપાસ પણ કરાવી લીધી. તેમને વાળંદની ચાલ સમજાઈ ગઈ. એટલે ચતુરાઈ વાપરી એક દૂઝણી ભેંશ અને એક ગૂણ ભરી ચોખા વાળંદને ઘેર પહોંચાડી દીધા. રાજાને જણાવી દીધું કે ‘ખર્ચ ઘણો થયો, પણ આપના આદેશનું પાલન થઈ ગયું છે
.’ દીવાનના કામની ખરાઈ કરવા રાજા વાળંદ પાસે ફરી હજામત કરાવવા ગયા અને પૂછ્યું કે ‘કેમ રાત, ગામના લોકો હવે સુખી છે ને?’ ઘરના ખીલે દૂધ દેતી ભેંશ બંધાઈ હોવાથી રાજીનો રેડ થઈ ગયેલા વાળંદે મલકાતા મોંએ જવાબ આપ્યો કે ‘મહારાજ, દીવાન સાહેબના વખાણ કરું એટલા ઓછા છે. એમનું કામ પાકે પાયે. હવે તો ગામનાં છોકરાં દૂધ - ચોખા જમે છે.’ દીવાનના કામથી ખુશ થઈ રાજાએ એમને શિરપાવ આપ્યો. અસલના વખતના રાજાના મુખ્ય કારભારી કાર્યદક્ષ હોવા ઉપરાંત ચતુર પણ હતા. કુનેહ વાપરી રાજાના આદેશનું પાલન કરી સંપત્તિ પણ બચાવતા.
ભાષા વૈભવ
એક કહેવત - અનેક સ્વરૂપ
નસીબ, પ્રારબ્ધ, ભાગ્ય, કિસ્મતમાં માનવું કે નહીં, એનામાં વિશ્વાસ હોવો કે નહીં એ અંગત મુનસફીનો સવાલ છે. પુરુષાર્થથી જ બધું મળે, પ્રારબ્ધ તો તૂત છે, નિષ્ફળતાને ઢાંકવાનું કારણ છે એવી દલીલ બુદ્ધિજીવીઓ - રેશનલિસ્ટ કરતા હોય છે.
બીજી તરફ એવા પણ લોકો હોય છે જે ’સમય સે પેહલે ઔર નસીબ સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા’માં અખૂટ વિશ્વાસ ધરાવે છે. નસીબમાં લખ્યું હોય એ થાય અને નસીબ બે ડગલાં આગળ ને આગળ જેવી કહેવતો અર્થહીન છે એવું માનવાવાળા છે અને એ પ્રમાણે જ થાય છે એવી માન્યતા ધરાવનારા પણ છે. નસીબ પર વિશ્વાસ રાખવો એ નસીબની વાત છે?
નસીબ વિના ઉદ્યમ યારી નથી આપતું એ કહેવત જાણીતી છે. એવો જ ભાવાર્થ ધરાવતી કહેવત છે કે કર્મ વિના ખેડ કરે તો કાં દુકાળ પડે કાં બળદ મરે. નસીબમાં ન હોય તો સરવાળે નુકસાન જ થાય એ એનો ભાવાર્થ છે. દુકાળ પડે - બળદ મરે દ્વારા વ્યક્ત થાય છે. એને સમાનાર્થી કહેવત છે કે કર્મે કાળો પાહાણ ભુકરવો ભાંગે નહીં. પાહાણ એટલે પથ્થર. ભુકરવો એટલે સહેલાઈથી ભૂકો થઈ જાય એવો પથ્થર. કર્મ - નસીબ ખરાબ હોય તો આસાનીથી તૂટી જાય એવો પથ્થર પણ કોશિશ કરી ભાંગી ન શકાય. અન્ય કહેવત છે નસીબના બળિયા, રાંધી ખીચડી ને થઈ ગયા ઠળિયા. અહીં પણ નુકસાન થવાની જ વાત છે. ખીચડી ખાઈ પેટ ભરાય પણ ઠળિયા તો ફેંકી દેવા પડે. કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલીમાં પણ કંસાર અને થૂલી એ બે અંતિમો દ્વારા આ જ ભાવ વ્યક્ત થાય છે. બે વિરોધાભાસી કે અંતિમ ભાવ વ્યક્ત કરતા શબ્દો ધરાવતી કહેવતો જોવા મળે છે.
કર્મમાં લખ્યું દિવેલ તો ઘી ક્યાંથી ખાવા મળે? અહીં દિવેલ અને ઘી એ બંને આત્યંતિક રૂપકનો ઉપયોગ છે. કર્મમાં લખ્યાં કોઠાં તો કોના જોવા ઓઠાં? કોઠાં - ઓઠાંના ઉપયોગથી નસીબ બળવાન હોવાનું સિદ્ધ કરવાની કોશિશ જોવા મળે છે. કર્મ કઠણ ને કાયા સુંવાળી કહેવતમાં કઠણ - સુંવાળી એ બે વિરોધાભાસી ભાવ જોવા મળે છે. અભાગણીને ભાણું આવે ત્યારે વરને વાસી વળે. અભાગણી એટલે નસીબ ફૂટેલા હોય એવી વ્યક્તિ. આવી વ્યક્તિને જો ક્યારેક ભાણું (સારું ભોજન) મળે ત્યારે વરને વાસી વળે એટલે કે ઊલટી થાય. ટૂંકમાં નસીબ આડું હોય તો હાથમાં રહેલી વસ્તુ પણ ભોગવી ન શકાય એવી વાત થઈ.