હેમુ ભીખુ
કાર્યનું પરિણામ હકારાત્મક પરિણામ પણ લાવી શકે અને નકારાત્મક પણ. કાર્યનું પરિણામ તકલીફ પણ સર્જી શકે અને આરામ પણ. કાર્યનું પરિણામ ઉર્ધ્વગમનનું કારણ પણ બની શકે અને પતનનું પણ. કાર્યનું પરિણામ અશુભ ફળ આપે અને શુભ પણ. જે તે કાર્યને કારણે ઈશ્વર તરફની ગતિ થાય અથવા કોઈ વિપરીત કાર્યથી દુર્ગતિ પણ થાય. કાર્યની શરૂઆતમાં સંભવિત અંતિમ ફળ વિશે પૂરતું ચિંતન થાય તે જરૂરી છે. જો એમ જણાય કે અંતે યોગ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય તો તે પ્રકારના કાર્યનો આરંભ જ ન કરવો જોઈએ.
ગીતામાં ભક્તનાં લક્ષણો વર્ણવતી વખતે સર્વારમ્ભપરિત્યાગીની વાત થાય છે. અર્થાત જેણે દરેક પ્રકારના-કામના-યુક્ત કર્મના આરંભનો ત્યાગ કરેલો છે, તે ભક્ત શ્રીકૃષ્ણને પ્રિય છે. અહીં સકામ કર્મના પ્રારંભનો જ છેદ ઉડાડી દેવાયો છે. અહીં કામ અને અર્થ આધારિત જે પુરુષાર્થ હોય તેમાં સંલગ્ન ન થવું તેમ પરોક્ષ રીતે કહેવાયું છે. નિમિત્ત થયેલું કર્મ તો કરવાનું જ છે. જન્મ સાથે ઉદ્ભવેલ, પરિસ્થિતિને કારણે સ્થાપિત, મૂલ્ય આધારિત તથા આદર્શની સ્થાપના માટે ધર્મના કાર્યમાં પ્રવૃત્તિ થવું જરૂરી છે. આ ઉત્તરદાયિત્વ પ્રકારના કર્મનો બાધ નથી. એક રીતે જોતાં આ કર્મ શુદ્ધિ માટે હોય છે. આ પ્રકારના કર્મ, આ પ્રકારના કાર્યને ક્યારેય ત્યજી ન શકાય.
જીવન નિર્વાહ માટેના, સામાજિક વ્યવહાર માટેના, વ્યવસાયિક કારકિર્દી માટેના, પૈસો, પદ અને પ્રતિષ્ઠા માટેના, રાષ્ટ્રના ઘડતર માટેના - કે આ પ્રકારના કોઈપણ કાર્યનો પ્રારંભ યોગ્ય સમયે થવો જોઈએ. તે કરતાં પણ વધુ અગત્યનું એ છે કે આ દરેક કાર્યનું પરિણામ શું આવશે, તે વિશે જાત સાથે અને અન્ય સાથે વિચાર-વિમર્શ થયો હોવો જોઈએ. કાર્યની શરૂઆત પહેલાં વિચાર-વિમર્શ જરૂરી છે.
જે તે કાર્યમાં કેટલો સમય લાગશે, કેવા પ્રકારની નિપુણતા તથા સામર્થ્યની જરૂર રહેશે, કયા કયા સંસાધનો કેટલી માત્રામાં અને ક્યારે ઉપલબ્ધ રાખવાં પડશે, કયા તબક્કે કેવા પ્રકારનો સહકાર જરૂરી બનશે, સમગ્ર પ્રક્રિયામાં ક્યાં ક્યાં અવરોધની સંભાવના રહેશે અને તેમનાં નિરાકરણ માટે કેવાં પ્રકારનું આયોજન જરૂરી બનશે, અંતે જે કંઈ પરિણામ પ્રાપ્ત થશે તેનો પ્રભાવ કેટલા સમય સુધી ટકી રહેશે - આ અને આવી બાબતો પર મંથન જરૂરી છે. આ બાબતો પર વ્યવસ્થિત, પદ્ધતિસર, નિષ્ણાતના અભિપ્રાય લઈને આગળ વધવામાં આવે તે સલાહભર્યું છે.
આ પ્રકારના વ્યવસ્થિત ચિંતનથી એ તો નક્કી થઈ જ શકે કે અંતિમ પરિણામ શુભ હશે કે અશુભ. વ્યવસ્થિત રીતે વિચારતાં એ તો જાણી જ શકાય કે અંતે લાભદાયી પરિસ્થિતિ સર્જાશે કે નુકસાનકારક. જ્યારે સિદ્ધાંતને આધારે મનોમંથન કરવામાં આવે ત્યારે એ ચોક્કસપણે જાણી શકાય કે અંતિમ પરિણામ કયા પક્ષે હશે. આ બધાં પછી, જેનાં સારાં પરિણામો નથી મળવાનાં તે કાર્યને હાથ જ ન લગાડવો. અશુભ ફળ જે કાર્યથી મળવાનું હોય તેને તત્કાળ ત્યજી દેવું.
દુરાનુબન્ધ શબ્દનો અર્થ છે લાંબા સમય સુધી ચાલતું કે ટકી રહેતું બંધન અથવા સંબંધ. જો કાર્ય અને તેના સંભવિત ફળ વચ્ચેનો સંબંધ અશુભ હોય, નકારાત્મક હોય, જોખમી હોય, વિસર્જનાત્મક હોય તો તેનો પ્રારંભ જ ન કરવો જોઈએ. ‘સમય આવ્યે જોઈ લેવાશે’ કે ‘પાછળથી જોઈ લઈશું’ જેવાં ભાવને અહીં સ્થાન ન હોવું જોઈએ. અમુક કાર્ય તો ખાતરીબંધ હોય તે જરૂરી છે. જેમ સંસ્કૃતિ અને પરંપરાઓ વચ્ચેની દુરાનુબન્ધતા સમાજને મજબૂત બનાવે તેમ શુભ પરિણામની સંભાવનાવાળું કાર્ય સમાજની પ્રગતિમાં સહાયભૂત થાય.
કોઈપણ કાર્યનો આરંભ કરતાં અગાઉ તેનાં પરિણામો, તેના ફળ અંગે ઊંડો વિચાર કરી લેવો. કોઈપણ કાર્ય હેતુ વગર શરૂ નથી થતું. આ હેતુની સ્પષ્ટતા જરૂરી છે. આ હેતુ શુભ હોવો જરૂરી છે. હેતુ સિદ્ધ કરવા માટે સામર્થ્ય અને સંસાધનો હોય તે જરૂરી છે. હેતુ તથા કાર્ય પાછળની ભાવના સાત્ત્વિક અને સર્જનાત્મક હોવી જોઈએ.
સૃષ્ટિના સમીકરણમાં ખલેલ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. તેથી જ જે તે કાર્ય સૃષ્ટિ સાથે સંવાદિતતા સ્થાપી શકે તે પ્રમાણેનું હોવું જોઈએ. અંતિમ પરિણામ પણ સૃષ્ટિના ઐક્યમાં વિઘટનકારી પરિબળ તરીકે સ્થાપિત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ બધી હકારાત્મક બાબતો વાસ્તવિકતા બનશે કે કેમ તે પહેલા વિચારી લેવું જોઈએ. જો જરા પણ અશુદ્ધતાનો - અશુભતાનો અણસાર હોય તો કાં તો પહેલેથી તેના નિરાકરણ માટે પ્રયત્નો થવા જોઈએ કાં તો તે પ્રકારનું કાર્ય પ્રારંભથી જ રોકી દેવું જોઈએ.
નિષ્ઠા જરૂરી છે, વિશ્વાસ-નિયતા પણ હોવી જોઈએ. દૈવી ગુણોનું પ્રભુત્વ હોવું જોઈએ. સાત્ત્વિકતાનો પ્રભાવ હોવો જોઈએ. આધ્યાત્મિક વિચારસરણી હોવી જોઈએ. ઈશ્વરનો ડર હોવો જોઈએ.
વડીલો તથા ગુરુદેવના આશીર્વાદ પણ જરૂરી છે. અંત:કરણના દરેક સ્વરૂપમાં શુદ્ધિ હોવી જોઈએ. સ્વયંના અસ્તિત્વમાં સ્થિત થવાની અને સ્થિત રહેવાની ભાવના હોવી જોઈએ. શ્રદ્ધામાં વિશ્વાસ હોવો જોઈએ અને વિશ્વાસમાં શ્રદ્ધા હોવી જોઈએ. દ્વૈત, અદ્વૈત કે દ્વૈતાદ્વૈત, જે પણ વિચારધારા સ્વીકૃત હોય તે પ્રમાણેનું આચરણ હોવું જોઈએ. શાસ્ત્રના કથન પ્રમાણે વ્યવહાર હોવો જોઈએ. જો આ બધું હોય તો અશુભ ફળદાયી કાર્યનો આરંભ જ ન થઈ શકે.