દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઈ-અમદાવાદ રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. મુશળધાર વરસાદને પગલે મુંબઈ તરફ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટેડ કરી દેવાઈ છે. ટ્રેનો રદ થવા અને અટકાવી દેવાને કારણે મુંબઈ જતાં અસંખ્ય મુસાફરો નવસારી સ્ટેશને અટવાયા છે, જ્યારે અમદાવાદ તરફ જતી ટ્રેનો પણ એક થી દોઢ કલાક જેટલી મોડી ચાલી રહી છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. અતિભારે વરસાદને કારણે જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ગણદેવી અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે પણ નવસારી જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પૂર્ણા અને કાવેરી નદીની સતત વધી રહેલી જળસપાટીને પગલે પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.
પૂર્ણા અને કાવેરી નદી ભયજનક સપાટીએ
નવસારી જિલ્લાની મુખ્ય નદીઓ ભયજનક સપાટીએ પહોંચી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની ઘટનાઓ વધી રહી છે. પૂર્ણા નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મેયર અને મનપા કમિશનરે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. શહેરમાં પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે મનપાની વિશેષ ટીમોને ડ્રેનેજ લાઈનો સાફ કરવાની કામગીરી માટે ખડેપગે રાખવામાં આવી છે.
શહેરમાં નદીના પાણી ઘૂસતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
બીલીમોરા-ચીખલીને જોડતો નાંદરખા GIDCનો મુખ્ય માર્ગ પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે. બીલીમોરા શહેરમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. બીલીમોરા શહેરમાં નદીના પાણી ઘૂસતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખરસાડ ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક તૂટી ગયો છે અને અવર-જવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
બીલીમોરામાંથી પસાર થતી કાવેરી નદીમાં પણ પૂર આવ્યું છે. કાવેરી નદીનું જળસ્તર 20 ફૂટને વટાવી જતાં નદી કિનારે વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 25 લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કાવેરી નદીના પાણી નવસારીના દેસરા વિસ્તારમાં તેમજ ચંડિકા માતાના મંદિર સુધી પહોંચી ગયા છે. ઉપરાંત, રાવલ સ્ટ્રીટ વિસ્તારમાં 15થી વધુ ઘરોમાં નદીનું પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ઘરોમાં જ રહેવાની ફરજ પડી છે. પ્રશાસન દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.
લોકોને સાવચેત રહેવા પ્રશાસનની અપીલ
નવસારી જિલ્લામાં રેડ એલર્ટ અને ભારે વરસાદને લઈ સ્થાનિક તંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, અફવાઓથી દૂર રહેવા તેમજ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. નવસારી જિલ્લામાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.