અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાયો છે અને માર્ચ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં જ પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે આગામી દિવસોમાં કેવી હાલત થશે તેનો અંદાજ લગાવી શકાય છે. વલ્લભ વિદ્યાનગર દેશનું બીજા નંબરનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દેશમાં સૌથી વધુ ગરમીવાળા ટોપ-10 શહેરોમાં ગુજરાતના 8 શહેરો હતા.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. નાગરિકોને રાત્રે પણ ગરમીનો અનુભવ થશે તેમ જણાવાયું છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, સુરત, વડોદરામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એકબાજુ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.
બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાયઃ હવામાન વિભાગ
13મી માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ધીમે ધીમે બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન અંગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
રાજ્યમાં ક્યાં નોંધાયું કેટલું તાપમાન
ગઈકાલે વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી, અમદાવાદમાં 41.4, ગાંધીનગરમાં 40.7 ડિગ્રી, ડીસામાં 40.7, વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન, સુરતમાં 41 ડીગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી, પોરબંદરમાં 40.2 ડિગ્રી, વેરાવળમાં 40.7 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે.
નંદુરબાર દેશનું સૌથી ગરમ શહેર
મહારાષ્ટ્રનું નંદુરબાર સૌથી ગરમ શહેર રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નંદુરબારમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે બાદ ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, બરોડામાં 41.6 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી, વિદર્ભના અકોલામાં 41 ડિગ્રી, કેશોદમાં 4.7 ડિગ્રી, ડિસામાં 40.7 ડિગ્રી, વેરાવળમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Heat Wave to Severe Heat Wave conditions prevailed at many places over Saurashtra & Kutch and at a few places over Gujarat Region; Heat Wave conditions prevailed at isolated places over Vidarbha. pic.twitter.com/CpnaAuIRbG
— India Meteorological Department (@Indiametdept) March 11, 2026
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી. તેમણે જણાવ્યું કે, 14 થી 18 માર્ચ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજારત અને કચ્છના વિસ્તારોમાં કમોમસી વરસાદ પડી શકે છે.