Fri Sep 04 2026

Logo

યુવા પેઢીમાં વધતું હાર્ટ એટેકનું પ્રમાણ: જામનગરમાં 24 વર્ષના યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

2026-07-13 14:25:00
Author: Mumbai Samachar Team
યુવા પેઢીમાં વધતું હાર્ટ એટેકનું પ્રમાણ: જામનગરમાં 24 વર્ષના યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

 

જામનગરઃ રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જામનગર શહેરના રામનગર વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષીય યુવાન વિપુલ ગોગનભાઈ લીંબડનું હાર્ટ એટેકના કારણે કરુણ અવસાન થયું હતું. યુવાન વયે થયેલા આ અકાળે અવસાનથી પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રવર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

સારવાર મળે તે પહેલાં જ મોત

મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે વિપુલભાઈને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું  હતું.

સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું

માત્ર 24 વર્ષની વયે હાર્ટ એટેકથી થયેલા આ દુઃખદ અવસાનના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઓળખીતાઓ અને મિત્રોએ દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગત મહિને જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી અને રાજકોટ પોતાના મામાના ઘરે ગયેલી 14 વર્ષની આનંદી મોદીનું હાર્ટ અટેકથી કરુણ મોત નીપજ્યું હતું. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પરિવાર સાથે ભેગી થયેલી આ લાડકવાયી દીકરી રિસોર્ટમાં અન્ય બાળકો સાથે રમતાં-રમતાં અચાનક જમીન પર ઢળી પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા. માત્ર 14 વર્ષની ઉંમરે હાર્ટ અટેકથી થયેલા આ મોતે આખા પરિવારને આઘાતમાં ગરકાવ કરી દીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ અટેકના બનાવો સતત વધી રહ્યા છે, જે સમાજ અને વાલીઓ માટે હવે એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે.