નીલા સંઘવી
આપણે સામાન્ય રીતે ટીવી સિરિયલને વખોડતા રહીએ છીએ. એમાં કંઈ ખોટું નથી, જેને જે લાગે તે કહેવાનો હક્ક લોકશાહીમાં છે જ, પણ ક્યારેક એ લોકો મહત્ત્વનો સંદેશ આપી જાય છે. ઘણીવાર સમાજમાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ આ લોકો દૂર કરે છે. મનોરંજન સાથે સામાજિક સમસ્યાનું સમાધાન પણ સૂચવી જાય છે.
મારી વાત કરું તો હું ટીવી નથી જોતી , હા, રાતના સમયે એક કે બે શો જોઈ પણ લઉં છું. આખા દિવસના કામ પછી મને એકાદ કલાક મનોરંજન માટે ફાળવવો ગમે છે. ઘણાં લોકો મને કહેતા હોય છે, ‘તમે આવી બકવાસ સિરિયલ્સ જુઓ છો?’ હા, જોઉં છું- મને ગમે છે. થોડો સમય જ્યાંથી મનોરંજન થાય ત્યાંથી કરી લઉં છું. ‘અનુપમા’ હું જોઉં છું. આ કોઈ ‘શો’નું વિવેચન નથી લખતી. પણ ગયા અઠવાડિયે આ ‘શો’માં સિનિયર સિટીજનનો મુદ્દો ઉઠાવ્યો તે મને ગમી ગયો. એ લોકોએ 3-4 એપિસોડ સિનિયર્સ માટે ફાળવ્યા. કદાચ ઘણાં બધાં વાચકોએ એ જોયા હશે. એના પરથી સરસ બોધપાઠ લેવાનો છે.
એક વાત માતા-પિતાએ ગાંઠે બાંધી લેવાની છે કે જેટલો પ્રેમ માતા-પિતા સંતાનને કરે છે, જેટલી ફિકર માતા-પિતાને સંતાનની હોય છે તેટલો પ્રેમ સંતાન માતા-પિતાને નથી કરતા, એટલી ફિકર સંતાનને માતા-પિતાની નથી હોતી. સિરિયલમાં પણ બતાવ્યું છે કે માતા- પિતાની સંપત્તિ લઈ લીધા પછી એમની હાલત પુત્ર-પુત્રવધૂ ખરાબ કરી નાખે છે. માતાને નોકરાણી બનાવી દીધી છે.
મા પાસે ઢસરડા કરાવે છે, વહુ ઓર્ડર છોડે છે, અપશબ્દો કહે છે અને ખાવામાં સુખી-સુખી રોટલી આપે છે. કદાચ આપણને આ બધું વધારે પડતું લાગે, કારણ કે આપણે સાવ આવું જોયું નથી, પણ માતા-પિતા પાસે બધું પડાવી લીધા પછી તેમને હડહડ કરવાના બનાવો બને જ છે. આ તો મા- બાપ છે જે પોતાનાં સંતાનોની વાત ઘરની બહાર કરતા નથી, તેમનું ખરાબ બોલતા નથી. સંતાનોના ખરાબ વર્તન પર ઢાંકપિછોડો કરે છે એટલે વધારે ખબર નથી પડતી.
આ ‘શો’માં દર્શાવે છે કે ઘરના પેપર સાઈન કરાવવા માટે દીકરો બાપનું ગળું દાબે છે અને વહુ સાસુનું મોઢું જોરથી દબાવે છે. પાછા બન્ને એટલા નાટકબાજ છે કે અનુપમા તેમને પોલસને સોંપવાની વાત કરે છે ત્યારે મા- બાપના પગ પકડી લે છે અને માફી માગી લે છે અને મા-બાપનું દિલ પીગળી જાય છે તેમને લાગે છે કે દીકરો-વહુ સુધરી ગયા છે અને માફ કરી દે છે, પણ એક-બે દિવસમાં જ દીકરો-વહુ પોતાનું અસલી સ્વરૂપ બનાવે છે.
જે મા-બાપે મોટા કર્યા, ભણાવ્યા-પરણાવ્યા, માલમિલકત આપી તેમની સાથે ગેરવર્તન કરતા દીકરાને જરાય શરમ આવતી નથી. વહુનું તો શું કહેવું એ તો પારકી છે, એને શું લેવાદેવા? પણ દીકરાને જરાય મા-બાપનું પેટમાં બળતુ નથી. આના પરથી શીખવાનું છે કે એક વાર તમે તમારા સંતાનની નિયત પારખી લીધી, એના અપમાન સહન કરી લીધા પછી ગરજ પડે ત્યારે આ સંતાન માફી માગતા આવે તો પીગળી નહીં જતા, કારણ કે ‘કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તોયે વાંકીને વાંકી જ રહે છે.’ એને માફ કરી દેવાની ભૂલ ના કરતા.
આ સિરિયલે બીજી જે વાત કરી તે પણ મને ગમી. પુત્ર-પુત્રવધૂ માતાપિતા પર અત્યાચાર કરે તો માત-પિતા તો સામનો કરી શકતા નથી. એ અશકત છે. સામે પક્ષે યુવાન દીકરા-વહુની તાકાત ઘણી છે. એટલે પહોંચી શકવાના નથી મા-બાપ એમને. મા-બાપનો અવાજ પણ ઢીલો થઈ ગયો છે તેથી બૂમ મારીને કોઈને બોલાવી શકવાના નથી.
તેથી તક મળતા જ પોતાની ઉપર થતા અત્યાચારનો ફોટો પાડી લેવાનો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દેવાનો વીડિયો પણ ઉતારી શકાય. સોશ્યલ મીડિયા પર એ ફોટો કે વીડિયો વાઈરલ થશે એટલે લોકો, પોલીસ, પાડોશી, વગેરે તરત જ તમારી મદદ માટે દોડી આવશે. દીકરો-વહુ સમાજ સામે ખુલ્લા પડશે અને કોઇને મોઢું દેખાડવા લાયક નહીં રહે.
જોકે મોટા ભાગના વૃદ્ધ આવું પસંદ નથી કરતા. ઘરની વાતના ધજાગરા બહાર કરવા કોઇને ગમે નહીં. સાચી વાત ત્યાં સુધી ઠીક છે જયાં સુધી ઘરમાં નાની નાના કચકચ થતી હોય. એવી વાતની અવગણના કરી શકાય, પણ ‘પાની જબ સર સે ઉપર ચઢ જાયે,’ ત્યારે આવી વાત ન ચાલે. એ વખતે લોકોની-કાયદાની-સામાજિક સંસ્થાની મદદ લેવી જ પડે.. ટેક્નોલોજીના આ યુગમાં મોબાઇલ તો હાથવગો છે જ, એનો ઉપયોગ કરવાનો અને જરૂરી મદદ મેળવવાની.
અન્યાય કે અત્યાચાર સહન કરનાર, અન્યાય કે અત્યાચાર કરનાર જેટલો જ ગુનેગાર છે. ખોટું સહન નહીં કરવાનું આખી જિંદગી મહેનત કરીને બે પૈસા ભેગા કર્યા છે તે તમારે વાપરવા માટે છે. સંતાનો એમનું જોશે. એમની માટેની તમારી ફરજ તમે પૂર્ણ કરી છે. હવે વયસ્ક સંતાનોની ચિંતા કરવાની જરૂર નથી.
આ કોલમ દ્વારા વારંવાર જે વાત કરી છે તે ફરીથી અહીં રિપીટ કરીશ કે જીવતેજીવ બાળકોને પોતાની માલમિલકત આપી દેવાની ભૂલ ન કરતા. એક વાર મિલકત હાથમાં આવી જશે તો તમને ધક્કા મારી વૃદ્ધાશ્રમમાં ધકેલી દેશે. આ કાંઇ બધાં સંતાનોની વાત નથી. કેટલાંક સંતાનો માતા-પિતાને પ્રેમથી સાચવે પણ છે, પણ આ કળિયુગ છે. ‘ચેતતા નર (નારી પણ) સદા સુખી’ સૂત્ર યાદ રાખવાનું. વધતા જતા વૃદ્ધાશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં દાખલ થવા માટેનું વેઇટિંગ લિસ્ટ સમાજમાં વૃદ્ધોની કેવી દશા છે તે દર્શાવતો આયનો છે.
વૃદ્ધો અનુભવી છે, હોશિયાર પણ છે છતાં ભોળવાઇ જાય છે. ઇમોશનલ ફૂલ નહીં બનવાનું. બુદ્ધિથી કામ લેવાનું, દિલને સાઇડ પર રાખવું પડે કયારેક. યુવા પેઢી પ્રેક્ટિકલ થઇ છે તો આપણે પણ પ્રેક્ટિકલ થવું પડે.
જરૂર પડે થશોને પ્રેક્ટિકલ?