- શોભિત દેસાઈ
હસમુખ ગાંધી
અત્યારે તો પત્રકારત્વમાં મોટો ભેંકાર છવાયેલ સત્તાવીસમું વરસ ચાલે છે. 1999 26 જાન્યુઆરીએ ફિરાક ગોરખપુરીએ પોતાના અવસાન બાદ 18 વર્ષે પોતાનો શેર હકીકત બનતો જોયો હતો જ્યારે ગાંધીભાઈએ પવનપાવડી પહેરી.
મૈ દેર તક ન તુઝે ખુદ હી રોકતા લેકિન-
તુ જીસ અદા સે ઉઠા હૈ ઉસી કા રોના હૈ
વાત આગળ ચલાવું એ પહેલાં મહાકવિ રમેશ પારેખનો એક ઉર્દૂ શેર તમને જણાવું
યું જરા સી બાત હૈ ઇક ખ્વાબ કા ટૂટના મગર-
આદમી કે ટૂટ જાને કી યહી શરૂઆત હૈ
હસમુખ ગાંધી જ્યારથી ‘સમકાલીનથી વિખૂટા પડ્યા ત્યારથી ટૂટવા તો માંડેલા જ.
Anyways, મુદ્દે આવીએ તો જેની માએ સવાશેરમાં એક રતિ ઓછી નહિ સૂંઠ ખાધી હોય એ જ નામથી વિરુદ્ધ સ્વભાવનો અને સમાજને એની હેસિયત, એનાં ગજા મુજબ નિર્વસ્ત્ર કરતો હસમુખ જન્માવી શકે. વર્તમાનપત્ર વર્તુળમાં એ અખા હતાં, છે અને રહેશે અને અમે કાયમ એમની કલમના ગુલામ હતાં, છીએ અને રહીશું. ગુજરાતી ભાષાના અમારા સર્વશ્રેષ્ઠ સર્જક સુરેશ જોશી સાથે અમે ગાંધીભાઈને મૂકીએ તો અમને તલભાર નવાઈ ના લાગે. આ રહ્યો એનો પૂરાવો જે અમે ગુજરાતી પત્રકાર વિશ્વ તંત્રી સંજય વિ શાહ (થેન્ક યુ સંજય)માંથી તમારા માટે મુક્યો છે.
પૈસો- પરસેવો-પત્રકારત્વ જર્નાલિઝમ એટલે લખાવટની આવડત...
ગુજરાતી પત્રકાર હજી હાકલા, અનુરોધ, નનૈયો, અપીલ અને રદિયામાંથી બહાર નીકળી શકયો નથી. સરિયામ અનપઢપણું એ તેનો વોચવર્ડ છે...
અખબારો અને સામયિકો વધતા જાય છે એટલે પત્રકાર અને પત્રકારત્વ એ બે શબ્દો હવે પ્રચલિત બન્યા છે. કોઇ માણસે પોતાના વિશે કાંઇપણ છપાવવું હોય તો તે એક પત્રકાર પરિષદ બોલાવે છે. એમાં નાસ્તો, શરાબ અને ગિફટની સાથે આયોજકો એક હેન્ડ-આઉટ પત્રકારોને પકડાવી દે છે. પત્રકાર તાજા ઉપકાર નીચે હોવાથી તેઓ પેલો હેન્ડ-આઉટ બેઠ્ઠો છાપી મારે છે. ભારતીય અખબારોમાં 66 ઇંચ એટલે 40 સેન્ટિમીટર લાંબો મસાજ કેન્દ્રના ઉદ્ઘાટનનો ફકરો (સિંગલ કોલમનું મેટર ફકરો જ કહેવાય) છપાય છે. ધરાર છપાય છે. એ ફરમાયશી આઇટેમ ઘુસાડનાર પીઢ પત્રકારને ખબર હોય છે કે મસાજ કેન્દ્રોમાં બીજું શું શું ચાલતું હોય છે.
હિંદી સિનેમામાં અથવા દૂરદર્શન ઉપર જેમ પોલીસનું, વકીલનું, અધ્યાપકનું તબીબનું અતિશયોક્તિયુક્ત ચિત્ર કે કેરિકેચર જોવા મળે છે તેમ પત્રકારનું પણ ઠઠ્ઠાચિત્ર જોવા મળે છે. જોકે વાસ્તવમાં મોટા ભાગના પત્રકારો કા તો વ્યવસાયને માટે એકદમ અસજ્જ હોય છે અને કાં તો તેઓ આ વ્યવસાયને સિફતથી ધંધામાં ફેરવી નાખે છે. ભાષાકીય પત્રકારત્વમાં 90 ટકા પત્રકારો આ વ્યવસાયમાં ન ચાલી શકે એવા હોય છે. 90 ટકા ભ્રષ્ટ હોય છે. 80 ટકા પત્રકારો ભ્રષ્ટ કમ બિનકાર્યક્ષમ હોય છે. ઘણું ખરું ભાષાકીય પત્રકાર માણસ તરીકે બદમાશ અને જર્નલિસ્ટ તરીકે બેવકૂફ હોય છે. આવા કોમ્બિનેશનને કારણે અનેક મોટાં અખબારી જૂથો ગુજરાતીમાં વર્તમાનપત્ર કે સામાયિક શરૂ કરતા ગભરાય છે અને સરપ્લસ મશીન કેપેસિટીને કારણે ભૂલથી જો તેઓ અખબાર શરૂ કરી દે છે તો તેઓ માથે હાથ મૂકીને રુએ છે.
નવું ગુજરાતી દૈનિક શરૂ કરવા માટે, પ્રથમ તો, 25 ગુજરાતી પત્રકારો છે જ નહીં. તમે તમિળનાડુના 25 સ્નાતકોને મુંબઇ કે અમદાવાદ તેડાવો અને તેમને ગુજરાતી શીખવવાનો ક્રેશ કાર્યક્રમ હાથ ધરો તો, કદાચ, તમારો ઉદ્ધાર થાય. આ વાત હું પૂરી જવાબદારી સાથે કરું છું અને જે કાંઇ કહું છું તે સત્ય જ કહું છે. અનુભવસિદ્ધ નિર્મળ સત્ય જ કહું છું અને સત્ય સિવાય બીજું કશું જ કહેતો નથી. 31 વર્ષના અનુભવ પછી જ મે આવી તારવણીઓ કાઢી છે. જુઠુ બોલવાથી કે સૌને સારું લાગે એવું લખવાથી હકીકતો બદલાઇ જતી નથી.
ગુજરાતી અખબારો અને સામયિકો કંગાળ હોય છે. પ્રથમ તો અનુવાદો ભયંકર હોય છે. લગભગ તમામ મથાળાં ખોટાં, જરીપુરાણા, ચવાઇ ગયેલાં, ક્લિશેડ અને વ્યાકરણદુષ્ટ હોય છે. લગભગ તમામ મથાળામાં અનુસ્વારની, જોડણીની, વાક્યરચનાની અને સિન્ટેક્સની ભૂલ હોય છે. ન્યૂઝસેન્સ કંગાળ હોય છે. લે-આઉટ કે ગેટઅપ ચીતરી ચઢે એવા હોય છે. ફોટોટાઇપ-સેટિંગ કોમ્પ્યુટરો આવ્યા. ઓફસેટ મશીનો આવ્યા પણ ગેટ-અપ હજીય હોટ મેટલના પારાના રહ્યાં છે. હજુય ગુજરાતી ન્યૂઝ ઓડિટરોએ તારણો કે બાડિયા (મથાળા વિનાના) ફકરાઓ મૂકવા પડે છે. એસ્થેટિક સેન્સનો સદંતર અભાવ હોય છે.
કદી સારા કાર્ટુન જોવા મળતા નથી. ચામડી ઉતારી લે એવો કટાક્ષ કાર્ટૂનમાં જવલ્લે જ જોવા મળે છે. કેટલાંક તો દ્વેષીલા અને પક્ષીય પ્રચારવાળા હોય છે. જે તસવીરો અખબારોમાં છપાય છે તે નકામી, ન્યૂઝમંડિત ન હોય તેવી, આંખને ખૂંચે તેવી અને ઘણુંખરું સગલાંઓ મારફત આવેલી ફરમાયશી તસવીરો હોય છે. મોટેભાગે તો સાહિત્યિક, સામાજિક, શૈક્ષણિક કે વેપારી ક્ષેત્રની અમુક દસબાર ચાલુ વ્યક્તિઓના ડાચા રોજ વાચકોને માથે મારવામાં આવે છે. અમુક દસબાર જણ મ્યુઝિકલ ચેરની રમત રમ્યા કરે છે. લાંબા ટેબલ ઉપર પાણીના ગ્લાસ પડયા હોય, માઇક હોય સાત આઠ નઘરા કે લઘરા માણસો બેઠા હોય અને એક જણ ભાષણ બરડતો હોય સાંસ્કૃતિક કાર્યક્રમોને નામે અહીં ધતિંગ ચાલે છે.
કોઇપણ આમંત્રણ આવે એટલે તસવીરકારને અને સંવાદદાતાને મોકલવો જ એવો એક હલકટ શિરસ્તો પડી ગયો છે. અખબારોએ, દેશી ફિલ્મની જેમ કેટલાક ખોટા નોર્મ્સ ઊભા કર્યા છે. દેશી ફિલમનો દર્શક હંમેશાં એક નર્તિકાની, એક વાંદરાની, એક વકીલની, એક કોર્ટરૂમની, એક વિદૂષકની, એક કાર રેસની, એક ઢિશુમ ઢિશુમની અપેક્ષા રાખે છે. ગુજરાતી દૈનિકો પણ આવી ફોર્મ્યુલાઓનો ભોગ બન્યા છે. નવું અખબાર જયારે હડહડતી ફરમાયશી આઇટમો નથી છાપતું ત્યારે વાચકો તંત્રીને ધમકાવે છે. ફલાણા છાપામાં તો આવું બધું સરસસરસ આવે છે અને તમારામાં એ બધું ચૂકી જવાય છે.
માનો કે ચેમ્બુર જેવું એક ઉપનગર છે અને માનો કે ત્યાં એક અનાથાશ્રમ છે. માનો કે અમુક કોમના કેટલાક વેપારીઓ પેલા અનાથાશ્રમની મુલાકાતે ગયા. ધારો કે તેમણે યતીમોને ભાષણ આપ્યું કે બાળકો, પૈસો તો હાથનો મેલ છે. અને પૈસાને તો કૂતરાય સુઘતાં નથી. ધારો કે પેલું લાંબું ભાષણ છપાય અને આ તસવીરમાં છગનલાલ, મગનલાલ, ચમનલાલ વગેરે જોઇ શકાય છે એવી કેપ્શન છપાય તો તમે શું ધારો? એ જ કે આને ન્યૂસ કહેવાય. જે છાપું આવા રૂપાળા ન્યૂઝ ચૂકી જાય તેનું આવી બને.
ચકોર પત્રકારો તો અખબારમાં પ્રસિદ્ધ થતા દરેક ઇન્ટરવ્યૂ (વિદેશમાં વસતા હીરાના વેપારીથી માંડીને સિનેમાના અભિનેતાના) સાથે એક અદૃશ્ય પ્રાઇસટેગ ચીટકાવેલું જુએ.
***
મારફાડ ને ધમાધમીથી ભરપૂર, પત્રકારત્વ પરનાં, મહાન હસમુખ ગાંધીના આ તંત્રી લેખમાં એ વખતનાં પત્રકારોની વાત કરી હતી એમણે એ અદ્લોઅદ્લ, હૂબહૂ, અક્ષરશ: (આવા બીજાં કેટલાંય પર્યાય સમજી/ ધારી લેવા) આજના ટીવી જર્નાલિઝમને લાગૂ પડે છે. પણ હરકીસન મહેતાએ અશ્ર્વિની ભટ્ટની ધારાવાહિક નવલકથાની જેમ વધુ રસિક ભાગ આવતા અંકે...
આજે આટલું જ
(ક્રમશ:)