Sun Jun 28 2026

Logo

સર્જકના સથવારે:   મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે

2026-06-28 09:07:00
Author: Ramesh Gohil
Article Image

 

 

 

હરીન્દ્ર દવેની સર્જકતામાં શ્રી અને સમૃદ્ધિ અનન્ય છે



 

- રમેશ પુરોહિત

 

હરીન્દ્ર દવે

 

ગતાંકથી શરૂ

 

ગયા સપ્તાહે આપણે મહાન સર્જક - કવિ હરીન્દ્ર દવેના વિશિષ્ટ સર્જનની અને પ્રદાનની વાત કરી હતી. આપણે જોયું તેમ હરીન્દ્રની કવિતામાં અને ગઝલમાં વેદના પણ જુદે જુદે સ્વરૂપે આવે છે. ટોળામાં રહીને જે એકલતા અનુભવાય છે એ એકલતાનો તાર પણ કવિએ છેડ્યો છે. ગીતની વાત કર્યા વગર એમની ગઝલ ન સમજી શકાય. જુઓ:

આપણે ક્યાં છે મમત એ જગાએ રહીએ?

માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતા જઈએ

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ?

બાંધીએ એક નગર, ને જરા વસતા જઈએ.

 

આ રેતીના સમંદરના કિનારે હુંય ચાલ્યો છું

નર્યા મૃગજળના એક બારીક ઈશારે હુંય ચાલ્યો છું

 

બંધાઉં ત્યારે મુક્તિનો અહેસાસ થાય છે

કોઈ કરિશ્મા હોય છે ઈશ્ર્વરના પાશમાં

 

હરીન્દ્ર દવે મોટા ફલક પર દીર્ધ ગદ્ય કાવ્યો પણ લખે. એમના ગદ્યકાવ્યમાં ચિંતન-જીવન અને મરણ વિશેનું એકરૂપ અને એકરસ - થઈને પ્રગટે છે. મૃત્યુના સંદર્ભમાં જીવન અને જીવનના સંદર્ભમાં મૃત્યુની વાત કવિ કરે છે.

 

અર્નેસ્ટ હેમિન્ગવેએ કહ્યું હતું કે કોઈ પણ સર્જકે માતબર થવું હોય તો એના જીવનમાં કમસે કમ એકાદ બે વર્ષ પત્રકારત્વને સોંપવા જોઈએ. જ્યારે હરીન્દ્ર દવેએ તો આખું આયખું પત્રકારત્વને સોંપી દીધું હતું. આનાથી સમકાલીન ઘટનાઓનો પડઘો ક્યાંક અને ક્યારેક કાવ્યસ્વરૂપે પ્રગટે છે.

 

હરીન્દ્ર કહે છે કે ‘પત્રકારત્વે મારા ગદ્યને માંજ્યું છે, કવિતાના લયને ઊંડાણ આપ્યું છે.’

 

હરીન્દ્ર દવેએ ગઝલનો અલાયદો સંગ્રહ ‘મનન’ આપ્યો છે. કેટલીક હૃદયસ્પર્શી રચનાઓ ‘તમે યાદ આવ્યા’ સંગ્રહમાં છે જેમ કે:

 

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ

ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતાં જઈએ

 

હરીન્દ્રની ગઝલની વિશેષતા એ છે કે એ ચીલાચાલુ ગઝલો લખતા નથી. ગઝલ પર હથોરી આવી ગઈ છે એટલે ચાલ ગઝલ લખી નાખીએ અને રદીફ-કાફિયાનો ઉદ્ધાર કરી નાખીએ એવી વૃત્તિ રાખીને એ ગઝલ લખતા નથી. હરીન્દ્ર એટલે ઉર્દૂ અને ગુજરાતી ગઝલના ઊંડા અભ્યાસી અને મર્મી. મિર્ઝા ગાલિબ જેવા સમજવામાં ખૂબ જ મુશ્કેલ શાયરની ગઝલોમાંથી ચુનંદા ચિંતનાત્મક શેરો પર એમણે કરેલી નુકતેચીની કાબિલે દાદ છે. આમાં પાછું ખૂબીની વાત એ છે કે ગઝલનો અભ્યાસી ગઝલ લખે તો વિવેચક લખતો હોય એવું પરિણામ પણ આવે, પરંતુ હરીન્દ્ર જ્યારે ગઝલ લખે છે ત્યારે પોતાના તમામ અભ્યાસને એક બાજુ પર મૂકીને ગઝલના સ્વરૂપ અને સૌન્દર્યને નિખારે છે.

 

હરીન્દ્રના કાવ્યસર્જનનું વિવેચનાત્મક મૂલ્યાંકન હજુ સુધી થયું નથી એટલે પુનર્મૂલ્યાંકનની તો વાત જ ક્યાં કરવી. હરીન્દ્ર ગુજરાતી ઉત્તર સ્વાતંત્ર્ય યુગના અગ્રણી કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર હતા. તેમણે પચાસથી વધુ ગ્રંથ લખ્યા છે. સુરેશ દલાલે સંપાદિત કરેલા હયાતી કાવ્યસંગ્રહ માટે 1978માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

 

આપણે જોયું તેમ એમની કવિતામાં જીવનદર્શન અને અસ્તિત્વની યાતના-વેદના સાથે સાથે જીવનની ક્ષણભુંગરતા, એકલતા અને અસ્તિત્વની શોધ સતત જોવા મળે છે. તેમની કવિતા માત્ર ભાવનાનો ઉદ્ગાર નથી, પરંતુ જીવનના ગૂઢ પ્રશ્નો સાથેનો સંવાદ છે. ‘ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં’ આ પંક્તિમાં જીવનની ક્ષણિકતા અને સંબંધોની સૂક્ષ્મતા વ્યક્ત થાય છે. એમની કવિતા વાચકને પોતાની અંદર ઝાંખી કરવા પ્રેરિત કરે છે. તેઓ જીવનના દુ:ખને નિરાશા નહીં, પરંતુ આત્મ-બોધના સાધન તરીકે જુએ છે.

 

પ્રેમ ખૂબ જ નાજુક અને આધ્યાત્મિક સ્વરૂપે પ્રગટ થાય છે. ‘પાન લીલું જોયું તે તમે યાદ આવ્યા.’ આ પંક્તિ ગુજરાતી કાવ્યજગતમાં અત્યંત લોકપ્રિય છે. અહીં પ્રિયજનની સ્મૃતિ પ્રકૃતિના સામાન્ય દૃશ્ય સાથે જોડાઈ જાય છે. આથી જ એમની રચનાઓમાં સંયમ, સૌન્દર્ય અને કરુણ મધુરતા જોવા મળે છે.

 

આપણે જોયું કે રાધા-કૃષ્ણ એમના ગીતમાં ખાસ સ્થાન ધરાવે છે. કૃષ્ણ એક જીવંત પ્રતીક છે. તેમની કૃષ્ણસંવેદના ભક્તિ કરતાં વધુ માનવીય અને તત્ત્વચિંતનાત્મક છે. એમના પુસ્તક કૃષ્ણ અને માનવ સંબંધોમાં કૃષ્ણના વ્યક્તિત્વને આધુનિક માનવીના પ્રશ્નો સાથે જોડવામાં આવ્યું છે. એમની કવિતામાં કૃષ્ણ કોઈ દેવતા તરીકે નહીં, પરંતુ જીવનના માર્ગદર્શક અને માનવમિત્ર તરીકે રજૂ થાય છે.

 

હરીન્દ્રની અનેક વિશેષતાઓમાં મહત્ત્વની વાત છે એમની સરળ, મધુર અને ગેય ગુણો ધરાવતી ભાષા. ભાષા અલંકાર પ્રચુર નથી. હા, એમાં ભાવની દીપ્તિ છે. તેથી સામાન્ય વાચક અને વિદ્વાન બંનેને સમાન રીતે સ્પર્શે છે.

 

હરીન્દ્ર દવે પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સુંદર સમન્વય સ્થાપે છે. નગરજીવનની એકલતા, મૂલ્યોનાં ધોવાણ અને વિમુખતાને પણ તારસ્વરે વ્યક્ત કરે છે. મારા મતે હરીન્દ્ર માત્ર ભાવકવિ નહીં, પરંતુ યુગ ચેતનાના કવિ છે. એમનું સર્જન આપણી વિરાસત છે. ઊર્મિપ્રધાન હોવા છતાં સમજણના પ્રકાશ વચ્ચે એક સુંદર સેતુ રચાય છે.

 

હરીન્દ્ર પાસેથી મળેલા મનનલાયક શેર જોઈએ:

તમારી આંખથી ખરતા સમયની વાત નથી

નથી, આ સૂર્યમાં તરતા સમયની વાત નથી

સમય મળ્યો છે તો ચાલો સમય ભૂલી લઈએ

ભલા, આ કાચથી સરતા સમયની વાત નથી.

 

મારી બદલાતી દશા પણ કોઈ તહેવાર હતો

ભેટમાં કેમ તે ગઈ કાલની છબી આપી?

 

ન અંજારો તડકામાં આંખો પછીથી

પ્રથમ તારી ઝુલ્ફોમાં રાત્રિ થવા દે.

સુકોમળ એ કિનખાબ સાથે જડીને 

સુવાસિત એ શ્ર્વાસોની શીતળ હવા દે.

 

ઝુલ્ફોથી, આંખથી કે અધરથી ન કૈં કહ્યું

સંકેત તોય એક પણ મોઘમ નથી રહ્યો

 

ઉત્તર તમારો શું એયે નહીં કહો?

અમને સવાલ પૂછતાં ફાવ્યું નહીં ભલે.

 

કંઈક વર્ષોની પ્રતીક્ષા ને છતાં અંત નથી

મારું એકાન્ત છે, આ રામનો વનવાસ નથી.

 

આંખોથી પી શકાય તો એક બુંદ ના રહે

હોઠેથી તો કહું છું તલબગાર પણ નથી

મીરાં, મથુરા, દ્વારકા, મેવાડ, મોરપીચ્છ જેવા પરંપરાગત પ્રતીકો પાસેથી પણ કવિએ નવી રીતે ધાર્યું કામ લીધું છે. હરીન્દ્રના સંપુટમાં જે વૈવિધ્ય છે અને એમની સર્જકતામાં જે વૈપુલ્ય છે, જે શ્રી અને સમૃદ્ધિ છે એ દાદ માગી લે છે. હરીન્દ્રની એક ખૂબ જ ઊંડાણવાળી ગઝલના ત્રણ શેર યાદ રાખવા જેવા છે. કારણ કે આ ગઝલમાં એમના મિજાજ અને ચિંતનના દર્શન થાય છે:

હું સરેરાશનો માણસ છું નીકળી જઈશ

કોઈ ઓળખશે નહીં, સર્વને મળી જઈશ

છું હવા, ને એ હવાને વળી વિસ્તાર કયો?

નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.

કાંકરીને તમે નાહક નહીં શોધો અય દોસ્ત

જળના ટીપાંથી હું આખોય ખળભળી જઈશ

કોઈની એક જિંદગીમાં ઘણી જિંદગીઓ એક થઈ જાય ત્યારે કહેવાય છે કે ‘વો અપની જાત સે ઈક અંજુમન હૈ’. આવી અંજુમન, આવી મહેફિલ અને આવી ઈલ્મી અને ચિંતનશીલ જિંદગીનો માલિક એટલે હરીન્દ્ર દવે.

આવી કલમમાંથી જે કંઈ પ્રગટે તે શાશ્ર્વત રહેવાનું જ. જેમ કે:

મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર

પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે

 

શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ,

ચકચૂર જો બનું તો મુલાકાત થઈ જશે.