NEET UG-2026 પેપર લીક કેસમાં રાજસ્થાન કનેક્શન સામે આવ્યા બાદ તપાસ એજન્સીઓએ પોતાની કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે. શરૂઆતી તપાસમાં ખુલાસો થયો છે કે પ્રશ્નપત્ર યશ યાદવ દ્વારા રાજસ્થાન પહોંચ્યું હતું. યશની ઓળખાણ વિકાસ બિવાલ સાથે થઇ હતી.
આરોપ છે કે વિકાસ બિવાલના પિતા દિનેશ બિવાલે પ્રશ્નપત્રની હાર્ડ કોપી સ્કેન કરીને તેની પીડીએફ (PDF) તૈયાર કરી હતી. ત્યારબાદ પ્રશ્નપત્રને હાથથી લખીને અને સ્કેન કરીને સીકરની કોચિંગ સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
આ કેસની તપાસ કરી રહેલી રાજસ્થાન એસઓજી (SOG) એ ગુરુગ્રામના ફરુખનગર વિસ્તારમાંથી BAMS ના વિદ્યાર્થી યશ યાદવની અટકાયત કરી છે. જાણવા મળી રહ્યું છે કે તે એ નેટવર્કનો ભાગ હતો, જેણે નાસિકથી આવેલા પ્રશ્નપત્રને રાજસ્થાન સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. યશ અગાઉ સીકરમાં રહીને કોચિંગ કરી ચૂક્યો છે, જેના કારણે તેનું રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં આવવા-જવાનું થતું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નાસિકથી પકડાયેલા આરોપી શુભમ ખૈરનારે યશ યાદવને 15 લાખ રૂપિયામાં પ્રશ્નપત્ર આપ્યું હતું. ત્યારબાદ યશે દિનેશ અને માંગીલાલ બિવાલને આ પેપર આશરે 30 લાખ રૂપિયામાં વેચ્યુ હતું. તપાસમાં સામે આવ્યું છે કે યશ દ્વારા રાજસ્થાનમાં અનેક વિદ્યાર્થીઓ સુધી વોટ્સએપ, ટેલિગ્રામ અને વ્યક્તિગત સંપર્કો દ્વારા પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવ્યું હતું. આના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી 3 લાખથી 5 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવી હતી.
CBI અને રાજસ્થાન SOGએ સીકરની અનેક કોચિંગ સંસ્થાઓના સ્ટાફ અને સંચાલકોની પૂછપરછ કરી છે. વિદ્યાર્થીઓ અને આરોપીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. બીજી તરફ, 'મની ટ્રેલ' (પૈસાની લેવડદેવડ) ની તપાસ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પેપર લીક નેટવર્કમાં અન્ય કયા કયા લોકોની ભૂમિકા હતી.
સૂત્રોનો દાવો છે કે પૂછપરછ દરમિયાન જયપુરના બંને ભાઈઓએ કબૂલાત કરી છે કે તેમણે લીક થયેલું પ્રશ્નપત્ર યશ યાદવ પાસેથી ખરીદ્યું હતું. જોકે, શુભમ ખૈરનારે પોતે આ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હોવાનો ઇનકાર કર્યો છે. તપાસ એજન્સીઓ હવે પેપર લીકના મુખ્ય સ્ત્રોત (જ્યાંથી પેપર નીકળ્યું) સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. સાથે જ એ વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું યશ યાદવનો સંબંધ અગાઉ સામે આવેલા NEET-2024 પેપર લીક કેસ સાથે તો નથી ને?