વાવ-થરાદઃ વાવ-થરાદ જિલ્લામાં આવેલા સુઈગામના વતની અને કોમેડી કિંગ તરીકે જાણીતા ગુજ્જુ લવ ગુરૂ ઉર્ફે ચંદન રાઠોડને ગંભીર અકસ્માત નડ્યો છે. સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરૂ’ ના નામે વીડિયો બનાવતા જાણીતા ચંદન રાઠોડનું અકસ્માત દરમિયાન મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર પોતાના અલગ અંદાજ અને કન્ટેન્ટને કારણે ઓળખાતા હતા. તેમના નિધનના સમાચાર મળતા સોશિયલ મીડિયા જગતમાં શોકની લાગણી છવાઈ છે
ચંદન રાઠોડને ભાભર ગૌશાળા નજીક નડ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર ભાભર ગૌશાળા નજીક અકસ્માતની આ ગંભીર ઘટના બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંદન રાઠોડ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેઓ અકસ્માતે પડી ગયા હતા. આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા હતા. આ અકસ્માત પહેલા તેઓ કોઈ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે ઊભા હતા ત્યાંનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
અકસ્માત પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ અકસ્માત અંગે જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો ? તે અંગે પોલીસે તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માત બાદ ચંદન રાઠોડને સારવાર અંર્થે ભાભરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાર સારવાર દરમિયાન તબીબોએ ચંદન રાઠોડને મૃત જાહેર કર્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગુજ્જુ લવ ગુરૂ ઉર્ફે ચંદન રાઠોડનો અકસ્માત પહેલાનો એક વીડિયો વાયરલ#gujjuloveguru #chandanrathod pic.twitter.com/sfzAJxfCKB
— Vimal Prajapati GJ (@mgvimal_12) September 17, 2026
મોતના સમાચારથી ચાહકોમાં દુઃખની લાગણી
અચાનક ગુજ્જુ લવ ગુરૂ ઉર્ફે ચંદન રાઠોડના મોતના સમાચારથી તેમને ઓળખતા લોકો અને સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાઇક પર જતા સમયે પડી જવાથી ચંદન રાઠોડનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે પણ કર્યું હતું કામ
અત્રે નોંધનીય છે કે, ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરૂ’ તરીકે ફેમસ હતા. પોતાના અલગ પ્રકારના કન્ટેન્ટને કારણે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આગવી ઓળખ બનાવી હતી. માત્ર સોશિયલ મીડિયા જ નહીં પરંતુ ગુજરાતના જાણીતા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે પણ ગુજ્જુ લવ ગુરૂ ઉર્ફે ચંદન રાઠોડે કામ કરેલું છે. ‘તુ અધૂરી વાર્તાનો છેડો’ (Tu Adhuri Varta No Chedo) નામની ફિલ્મમાં ગુજ્જુ લવ ગુરૂ ઉર્ફે ચંદન રાઠોડે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કામ કર્યું હતું.