ગાંધીનગરઃ વિકાસશીલ ગુજરાતના ગાણાં વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. છેલ્લા છ વર્ષમાં રાજ્યનું દેવું 1 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. 2024-25માં ગુજરાતનું જાહેર દેવું આશરે ₹3,99,633 કરોડ પર પહોંચ્યું છે. એટલે કે હાલ દરેક ગુજરાતીના માથે આશરે ₹66,000નું દેવું છે. એક રિપોર્ટ પ્રમાણે, અરુણાચલ પ્રદેશ પર 57 ટકા, પંજાબ પર 46.6 ટકા અને હિમાચલ પ્રદેશ પર 45.2 ટકા જેટલું દેવું છે. તેની સરખામણીએ મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યો પર ઓછું દેવું છે. મહારાષ્ટ્ર પર 19 ટકા, ગુજરાત પર 17.9 ટકા અને ઓડિશા પર 16.3 ટકા દેવું છે.
બજેટ વધવાની સાથે દેવું પણ વધ્યું
2020-21માં રાજ્યનું દેવું 2,98,810 કરોડ હતું જે 2025-26માં વધીને 3,99,000 કરોડ પર પહોંચ્યું હતું. 2021-22મં 3,08,302 કરોડ, 2022-23માં 3,39,683 કરોડ, 2023-24માં 3,89,381 કરોડ હતું. 2024-25માં દેવું ઘટીને 3,77,962 કરોડ થયું હતું.
સરકાર ક્યાં કરે છે સૌથી વધુ ખર્ચ
રાજ્ય સરકાર પોતાની આવકમાંથી સૌથી વધુ ખર્ચ 64.43% વિકાસલક્ષી ખર્ચ પાછળ કરે છે. ત્યાર બાદ બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ 25.10% ખર્ચ કરે છે. બાદમાં જાહેર દેવાની ચુકવણી 8.83%, લોન અને પેશગી 1.17% કુલ ચોખ્ખી લેવડ-દેવડ 0.27% અને સહાયક અનુદાન અને ફાળા પાછળ 0.20% ખર્ચ કરે છે.
ગત વર્ષે જાહેર થયેલી વિગત પ્રમાણે, 2022-23માં રાજ્ય સરકારે 23,442 કરોડ વ્યાજ પેટે ચૂક્વ્યા હતા. આ રકમ 2023-24માં વધીને 25,212 કરોડ પર પહોંચી હતી. આ ઉપરાંત 2022-23માં રાજ્ય સરકારે ફાયનાન્સિયલ ઈન્સસ્ટિટ્યુટ પાસેથી 3463 કરોડની લોન લીધી હતી, જે 2023-24માં વધીને 7000 કરોડ પર પહોંચી હતી. ઉપરાંત રાજ્ય સરકારે લીધેલી માર્કેટ લોન પણ 43,000 કરોડથી વધીને 51,000 કરોડ થઈ હતી.