Tue Mar 10 2026

Logo

ગુજરાત-મહારાષ્ટ્રમાં ઉંચકાયો તાપમાનનો પારો, દેશના આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

3 weeks ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે. સવારે અને રાત્રે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે. એટલે કે, હાલ ગરમીમાંથી કોઈ રાહત મળવાના એંધાણ નથી અને વરસાદની પણ શક્યતા નથી. હવે પછીનો સમય મિક્સ ઋતુનો જોવા મળશે. જેથી વહેલી સવારે અને રાતે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થશે. એટલે કે, દિવસના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થશે નહીં. જો કે, આવતીકાલથી તાપમાનમા ફરી થોડો ઘટાડો થવાની વકી છે. 

ભારતીય હવામાન વિભાગ અને સ્થાનિક હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં વાતાવરણ ફરી એકવાર પલટો મારવા જઈ રહ્યું છે. એક તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા છે, તો બીજી તરફ ગુજરાતમાં ‘મિક્સ સીઝન’ વચ્ચે ઠંડીનું જોર વધી શકે છે. IMDએ સ્પષ્ટતા કરી છે કે, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ઠંડીનું મોજું ફરી તીવ્ર બની શકે છે. પશ્ચિમી વિક્ષોભ સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડા પવનો લાવશે, જેના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. તો તેની અસર ગુજરાતના હવામાનમાં પણ થઈ શકે છે.

 

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
ફેબ્રુઆરીના મધ્યમાં જ મહારાષ્ટ્રમાં ગરમીની તીવ્રતા વધવા લાગી છે. સવારે ઠંડક હોવા છતાં બપોર સુધીમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક ભાગમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે કોંકણ કિનારાના કેટલાક વિસ્તારોમાં વધતા તાપમાનના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘરમાં પણ તાપમાનમાં થોડો વધારો થશે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થશે.

8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ઉત્તર-ભારત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં અત્યારથી જ ગરમીનો અનુભ થવા લાગ્યો છે. હવામાન વિભાગ મુજબ 14 થી 16 ફેબ્રુઆરી દરમિયાન કેટલાક રાજ્યોમાં છૂટાછવાયા વરસાદનું એલર્ટ આપ્યું છે. જ્યારે ઘણા રાજ્યોમાં હાલ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. 16 ફેબ્રુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હરિયાણા, પંજાબ અને પહાડી રાજ્યોને અસર કરી શકે છે. 18-19 ફેબ્રુઆરીએ દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર પવન-વાવાઝોડા સાથે વરસાદનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા અને વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે હવામાન સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.