Thu Jun 18 2026

Logo

ગુજરાતમાં માર્ચમાં જ આકરી ગરમી! 5 દિવસમાં તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થશે

2026-03-02 09:35:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં હોળીના સમયથી જ ઉનાળાની અસર વર્તાવા લાગી છે. માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં જ રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થયો હતો. આ દરમિયાન હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં તાપમાનનો પાર વધે તેવી આગાહી કરી છે. 

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં ૩૩.૨ ડિગ્રી સેલ્સિયસ,  ભાવનગરમાં ૩૨.૬  ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં ૩૬ ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં ૩૩.૫ ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં ૩૪.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે ન્યૂનતમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 20.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 19.4 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 20.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં ૧૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

ગુજરાતમાં દિવસે ગરમી અને વાદળછાયા વાતાવરણ બાદ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમિક વધારો થવાની સંભાવના છે.  ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. તેવી જ રીતે, લઘુત્તમ તાપમાનમાં પણ આગામી 3 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી હતી. 4 થી 7 માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે અસ્વસ્થતા અનુભવાય તેવી શક્યતા છે. જોકે, સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી.


ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે ઉનાળાની વહેલી શરૂઆત થતાં માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ ગરમી રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. હિટવેવના જોખમને ધ્યાનમાં રાખીને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું હિતાવહ છે, કારણ કે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગરમ અને ભેજવાળા હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સામાન્ય જનતા માટે આ ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, શિશુઓ, વૃદ્ધો અને લાંબી બીમારી ધરાવતા લોકો માટે તે સ્વાસ્થ્ય સંબંધી ચિંતાનો વિષય બની શકે છે. લોકોને સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવા, હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ માથું ઢાંકીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.