(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શુક્રવારે પણ ગુજરાતના અનેક જિલ્લામાં અષાઢી મેઘાએ મહેર કરી હતી. જો કે હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં થોડો પોરો લીધો હતો અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં હેત વરતાવ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 253 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 12.17 ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે રાધનપુરમાં 9.25 ઇંચ, ભાભરમાં 7.09 ઇંચ, દાંતીવાડામાં 6.85 ઇંચ, દિયોદરમાં 6.73 ઇંચ, મહેમદાવાદમાં 6.69 ઇંચ, થાનગઢમાં 6.46 ઇંચ, વાંકાનેરમાં 6.22 ઇંચ, નડિયાદમાં 5.43 ઇંચ, ધનસુરામાં 4.49 ઇંચ, ખેરાલુમાં 4.45 ઇંચ, હડદમાં 4.45 ઇંચ, ઓગડમાં 4.25 ઇંચ, દહેગામમાં 4.21 ઇંચ અને વિરપુરમાં 4.02 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં નોંધાયો છે, જ્યાં 19.96 ઈંચ વરસાદ પડ્યો હતો. બીજા ક્રમે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં 18.62 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 17.76 ઈંચ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 7.09 ઈંચ અને નવસારીના ખેરગામ તાલુકામાં પણ 17.09 ઈંચ જેટલો અતિભારે વરસાદ વરસ્યો હતો. શુક્રવારે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 120 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ પાણી વરસ્યું હતું. જ્યારે 64 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 27 તાલુકામાં 3 ઇંચથી વધુ મેઘમહેર નોંધાઇ હતી.
જામનગર: કાલાવડના બામણગામમાં નદીમાં આવ્યું ઘોડાપૂર, તણાઈ જતી કારને દોરડા વડે થાંભલા સાથે બાંધી!
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 24, 2026
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે બામણગામની નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે. પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં એક કાર નદીના ધસમસતા વહેણમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક… pic.twitter.com/xqNkbO6TCA
ગુજરાતમાં પડી રહેલા વરસાદને કારણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 420.27 ફૂટની સપાટીએ 68.57 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો હતો, જેમાં 28,370 ક્યુસેક પાણીની આવક સામે 624.63 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. રાજ્યના અન્ય 205 જળાશયોમાં કુલ 2,44,322 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થયો હતો, જે કુલ સંગ્રહ ક્ષમતાના 43.79 ટકા જેટલો છે.
11 ડેમ 100 ટકા ભરાયા
રાજ્યના કુલ 206 જળાશયો પૈકી 11 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા હતા, જ્યારે 24 ડેમ 70થી 100 ટકા, 24 ડેમ 50થી 70 ટકા, 56 ડેમ 25થી 50 ટકા અને 91 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા હોવાનું સરકારે જણાવ્યું હતું. જળાશયોની વધતી જતી સપાટીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા રાજ્યમાં 18 ડેમ પર હાઈ એલર્ટ, 04 ડેમ પર એલર્ટ અને 13 ડેમ પર વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી.
રાજ્યમાં ભારે વરસાદને પગલે 18 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનો ધાતરવડી, સાવરકુંડલા તાલુકાનો સુરજવાડી, ધારી તાલુકાનો ખોડિયાર ડેમ અને રાજુલા તાલુકાનો જ ધાતરવડી-2 ડેમનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનો ધોળી અને નેત્રંગ તાલુકાનો બલદેવા ડેમ પણ એલર્ટ પર છે.
નવસારીમાં પૂર્ણા નદીના પૂરનું તાંડવ | 40% શહેર પાણીમાં ગરકાવ | Navsari Flood Update
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 24, 2026
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂર્ણા નદી… pic.twitter.com/F6cMKXJ35n
ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાનો રોજકી, પાલિતાણા તાલુકાનો શેત્રુંજી અને ઉમરાળા તાલુકાનો રંઘોળા ડેમ સામેલ છે. આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર તાલુકાનો વણાકબોરી, નવસારીના વાંસદા તાલુકાના જુજ અને કેલિયા, સુરતના માંડવી તાલુકાનો લાખીગામ, સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનો વાંસલ અને વઢવાણ તાલુકાનો ધોળીધજા તથા તાપીના સોનગઢ તાલુકાનો દોસવાડા ડેમ પણ 90 ટકાથી વધુ ભરાઈ જતાં હાઈ એલર્ટ પર છે, જ્યારે બોટાદના બરવાળા તાલુકાનો ખંભાડા ડેમ 94.1 ટકા ભરાયો હોવાનું રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તેના અહેવાલમાં જણાવ્યું હતું.