Tue Apr 28 2026

Logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાં થયા 'મેજર અપસેટ': કયા જાણીતા ચહેરા હાર્યા અને જીત્યા?

2026-04-28 21:17:23
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. નગરપાલિકામાં થોડો સશક્ત થયો છે. 15 મહાનગર પાલિકામાં ભાજપને અસાધારણ સફળતા મળી છે. ચૂંટણી પહેલા જે વિરોધ, અપસેટ અને કોન્ટ્રાસ્ટ દેખાઈ રહ્યા હતા એની અસર કરતા પરિણામનો ઉજાશ વધારે છે એવું ચોક્કસથી કહી શકાય છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને હારનો હારનો સામનો કરવો પડ્યો છે.અમદાવાદની વાત કરીએ તો ભાજપના ગઢ સમો વિસ્તાર ખાડિયા હાથમાંથી જતો રહ્યો છે. કોંગ્રેસની આખી પેનલ અહીં વિજેતા થઈ છે.

પહેલીવાર સફળતા મળી

અમરેલી જિલ્લાના બગરસા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને પહેલીવાર સફળતા મળી છે. રાજકીય ઈતિહાસની આ પહેલી ઘટના કહી શકાય, જ્યારે સુરત મહાનગર પાલિકામાં એક સમયે 27 બેઠક જીતનારી આમ આદમી પાર્ટી 4 બેઠક પર જ સમેટાઈ છે. કોંગ્રેસ માટે મજબૂત બેઠક મનાતા આણંદમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વલસાડ અને આણંદમાં કોગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના ગઢમાં જસદણમાં આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતની 6 બેઠક પર સફળતા પ્રાપ્ત કરી. તો રાજકોટ પાસેના મોવિયા બેઠક પર આમ આદમી પાર્ટીના આરતીબેન જેતાણીને મોટી સફળતા પ્રાપ્ત થઈ. રાજકોટ જિલ્લા પંચાયતની 36માંથી 34 બેઠક પર ભાજપને સફળતા મળી છે. બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 

જેલમાંથી ચૂંટણી જીત્યા

ખેડૂત નેતા તરીકે જાણીતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીને અલવિદા કરીને તેઓ ભાજપમાં આવ્યાના બીજા જ દિવસે એમને ટિકિટ મળી હતી. 2533 મતથી તેઓ વિજેતા થયા હતા. જામનગર જિલ્લા જેલમાં રહેલા ગુજસીટોકના બે આરોપી અલતાફ ખફી કોંગ્રેસમાંથી વિજયી બન્યા તો અસલમ ખિલજી આમ આદમી પાર્ટીમાંથી વિજયી બન્યા છે. આ ચૂંટણીમાં સૌથી અનોખો કિસ્સો વોર્ડ નંબર 12 માં જોવા મળ્યો છે. અહીં જનતાએ જેલમાં રહેલા બે એવા ઉમેદવારોને વિજયી બનાવ્યા છે. જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પણ પોતાની સુરક્ષિત ગણાતી વોર્ડ નંબર 1 ની બેઠક બચાવી શક્યા નથી. વૉર્ડ નં.1માં પહેલીવાર આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવી છે. સુરત શહેરના રાજકીય ઈતિહાસમાં વર્ષ 1995 પછી પહેલીવાર એવું બનશે કે, સત્તાવાર વિપક્ષ નહીં હોય. 

સુરતમાં કોઈ સત્તાવાર વિપક્ષ નહીં

સુરત મહાનગર પાલિકમાં ભાજપે તમામ રેકોર્ડ તોડ્યા છે. 115 બેઠકો પર ઐતિહાસિક જીત થઈ છે. આમ આદમી પાર્ટીમાં રહેલા 14 જેટલા કોર્પોરેટર અચાનક ભાજપમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીમાં ભૂકંપ આવી ગયો હતો. આ પરિણામની અસર થઈ છે. નિયમ અનુસાર પાલિકામાં વિપક્ષમાં બેસવા માટે ઓછામાં ઓછી 7 બેઠક હોવી અનિવાર્ય છે. પણ આમ આદમી પાર્ટી માત્ર 4 બેઠક પર અને કોંગ્રેસ 1 બેઠક પર સફળતા મેળવી શકી છે. આનો એ થયો કે, સુરત પાલિકામાં સત્તાવાર વિપક્ષ નહીં હોય. સુરતમાં ભાજપની રેલીમાં હાજરી પાંખી રહી હતી પણ પરિણામ અસરદાર રહ્યું છે. ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત વિજેતા જાહેર થતા જ ભાજપ-કૉંગ્રેસના કાર્યકરોએ સામસામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. મહેસાણામાં ભાજપ કાર્યાલયના પટ્ટાવાળા, વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર અને કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ સહિત આખી પેનલનો વિજય થયો છે. 

સોશિયલ મીડિયા સ્ટાર્સ હાર્યા

રાજકોટમાંથી RJ આભાને કોંગ્રેસે ટિકિટ આપી હતી પણ પ્રજાએ આશીર્વાદ ન આપતા હારનો સામનો કરવો પડ્યો છે.અહીં ભારતીય જનતા પાર્ટીની પેનલે જીત નોંધાવી છે. આ પરિણામે ચર્ચા ઉઠી છે કે લોકપ્રિયતા હંમેશા મતમાં ફેરવાય તે જરૂરી નથી. માયાભાઈ આહીરના દીકરી ભાજપ ઉમેદવાર સોનલ ડેરની ચાવંડ બેઠક પરથી હારી ગયા છે. એમની સામે કોંગ્રેસના શાંતિબેન ડેરની ભવ્ય જીત થઈ છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ કોંગ્રેસમાંથી હારી ગયા છે. આ સિવાય જાણીતા ચહેરા એવા ભાજપના ઉમેદવાર ભૂપત ભાયાણીની પણ આ ચૂંટણીમાં મોટી હાર થઈ છે. આપ ના પ્રદેશ મહામંત્રી અને સંગઠનના પાયાના નેતા ગણાતા મનોજ સોરઠીયાને વોર્ડ નંબર 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની આખી પેનલ (હેતલ પરમાર, હંસા ગજેરા, અરવિંદ કાકડીયા અને મહેશ કાકડીયા) એ અહીં ભવ્ય વિજય મેળવ્યો છે.મનપાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની વોર્ડ નંબર 16 માં હાર થઈ છે. અહીં ભાજપે 'આપ' પાસેથી સીટો છીનવીને આખી પેનલ જીતી લીધી છે.

અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન) એ પસંદગીના વિસ્તારોમાં જીત મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને ભાજપનો ગઢ કહેવાતા કચ્છના ભુજ અને દક્ષિણ ગુજરાતના ભરૂચમાં પક્ષે શાનદાર દેખાવ કરી પોતાનું ખાતું ખોલાવ્યું છે.