અમદાવાદ/સુરતઃ ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ કપરું સાબિત થઈ રહ્યું છે. દિવાળી પર થયેલા માવઠાની કળ હજી વળી નથી ત્યાં ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. ગુજરાતની ગીરની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જૂનાગઢ, તલાલા, કેશોદ, અમરેલીમાં કેરીનો મબલખ પાક થાય છે. કેરીની સિઝન શરૂ થવાની તૈયારીમાં જ છે ત્યાં ત્રાટકેલા કમોસમી વરસાદે ધરતીપુત્રોની હાલત કફોડી બનાવી છે. માવઠાના કારણે આંબા પર લાગેલી કાચી કેરી ખરી પડતાં વલસાડની હાફુસ, તાલાલાની કેસર કેરી મોંઘી થઈ શકે છે.
જૂનાગઢ અને અમેરેલી જિલ્લામાં કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. આ વર્ષે આંબા પર મોર વધુ પ્રમાણમાં ખીલી ઉઠતા ખેડૂતો મબલખ પાકની આશા રાખતા હતા. અમરેલી જિલ્લામાં ધારી, સાવરકુંડલા, રાજુલા, ચલાલા મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર થયેલું છે. તલાલાની જેમ ધારી પણ કેસર કેરીનું હબ ગણાય છે. પરંતુ ગઈકાલે આવેલા પલટાના કારણે મોટાભાગના વિસ્તારમાં કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આ વખતે આંબામાં ખૂબ સારૂ ફ્લાવરિંગ આવ્યું હતું અને આંબાના મોરમાં રોગનું પ્રમાણ પણ નહિવત જોવા મળ્યું હતું. જેનો ફાયદો કેરીના પાકને થશે તેવી આશા હતી પરંતુ માવઠાના કારણે હાલ નુકસાન થયું છે. આ વર્ષે કેસર કેરીના ભાવ વધી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટા સાથે વાવાઝોડુ ફુંકાતા ચારેતરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. દક્ષણિ ગુજરાતમાં વાવાઝોડાને પગલે તારાજી સર્જાય હતી. ખાસ કરીને આંબા ઉપર લાગેલી કાચી કેરી તેજ પવનને કારણે ખરી પડતા ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે, છેલ્લા બે વર્ષથી ગ્લોબલ વોર્મિંગને કારણે વર્ષ દરમિયાન ગમે ત્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના માથે પનોતી બેઠી છે. શિયાળુ અને ઉનાળુ પાકમાં વરસાદને વિઘ્ન નાખતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે આજે ફરી માવઠાથી આંબા ઉપરથી કેરી ખરી પડતા વ્યાપક નુકસાનની શક્યતા સેવાઈ રહી છે.