Wed Jun 10 2026

Logo

હોળી ટાણે અષાઢી માહોલ: ગુજરાતના 8 જિલ્લામાં 'યલો એલર્ટ', ખેડૂતોના જીવ અધ્ધર!

2026-02-24 08:42:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં હોળી ટાણે અષાઢી માહોલ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ગઇકાલે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગત મોડી રાતે અમદાવાદમાં પણ વરસાદ ખબક્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અમુક જિલ્લામાં વરસાદ પાડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે

મળતી વિગતો અનુસાર, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર તેમજ ઉત્તર, પૂર્વ-મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. અમરેલીમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 18.5 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.