અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા પર કથિત કૌભાંડના આક્ષેપો લાગ્યા છે. આ મામલે ફરી એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપીના અહેવાલો પણ મળ્યા હતા.
અગાઉ નીરજા ગુપ્તાએ પોતાના જાણીતા લોકોને મોટા પગાર સાથે યુનિવર્સિટીમાં નોકરી આપી હોવાનું અને લગભગ રૂ. 40 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ હતો ત્યારે હવે ફરી નવી માહિતી બહાર આવી હતી. ગુપ્તાએ પોતાના અંગત ખર્ચ, વિદેશ પ્રવાસો માટે પણ યુનિવર્સિટીમાં બિલ મૂક્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ગુપ્તાએ લિપસ્ટિક સહિતની ખરીદીના ખર્ચ પણ યુનિવર્સિટીના પૈસે કર્યા હોવાનું અને તેમનાં અમેરિકા પ્રવાસ દરમિયાન લગભગ રૂ. 33 લાખની ખરીદી થઈ હોવાના આક્ષેપો પણ એનએસયુઆઈના નેતાઓએ કર્યા હતા.
આ મામલે શનિવારે યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. તેમણે ગુપ્તાના ફોટા પર લિપસ્ટિક લગાવી હતી અને બંગડીઓ લઈ આવ્યા હતા. દરમિયાન પોલીસ અધિકારીઓએ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયતનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ઝપાઝપી થઈ હતી, જેમાં કાચના ગ્લાસ વગેરે ફૂટ્યા હોવાની માહિતી પણ મળી હતી. વાતાવરણ તંગ બનતા પોલીસ અધિકારી સહિત 50 જવાન યુનિવર્સિટી ખાતે તહેનાત કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.