Mon Sep 07 2026

Logo

ગુજરાત યુનિવર્સિટીમાં બોટનિકલ ગાર્ડન અને વેટલેન્ડ ગાયબ! જૂના ગાર્ડન પર ફેરવાયું બુલડોઝર, કોંગ્રેસનો આક્ષેપ

2026-08-22 16:04:24
Author: Devayat Khatana
ગુજરાત યુનિવર્સિટીમાં બોટનિકલ ગાર્ડન અને વેટલેન્ડ ગાયબ! જૂના ગાર્ડન પર ફેરવાયું બુલડોઝર, કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પર કથિત ભ્રષ્ટાચારના આક્ષેપથી યુનિવર્સિટી ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાત યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડન અને પર્યાવરણને લગતા વિવિધ પ્રોજેક્ટોમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યુનિવર્સિટી સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કોંગ્રેસની પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી જાળવવામાં આવતો બોટનિકલ ગાર્ડન તેમજ ત્રણ નેચરલ વેટલેન્ડ ગાયબ થઈ ગયા છે અને ટેન્ડરના નામે કરોડો રૂપિયાના ખર્ચ છતાં પર્યાવરણને નુકસાન થયું છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે  તત્કાલીન કુલપતિ હિમાંશુ પંડ્યાના કાર્યકાળમાં આર્બોરેટમ માટે રૂ. 9.55 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. 18 મહિનામાં પૂર્ણ થનારા આ કામનો કોન્ટ્રાક્ટ જેપી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અને કન્સલ્ટન્સીનું કામ ઑક્ટર્સ કંપનીને અપાયું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે સ્થળ પર માત્ર ત્રણ અધૂરા ડોમ ઊભા કરાયા બાદ કુલપતિ બદલાયા અને નવી કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળમાં આ જ સ્થળે રૂ. 15.56 કરોડના નક્ષત્ર વન પ્રોજેક્ટનો નવો કોન્ટ્રાક્ટ કરણ કન્સ્ટ્રક્શનને તથા કન્સલ્ટન્સી ટોર્સન એજન્સીને આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો હતો કે બોટની વિભાગના બોટનિકલ ગાર્ડનમાં 150થી વધુ વનસ્પતિ, છોડ અને વૃક્ષોની પ્રજાતિઓ હતી, જેમાં કેટલીક દુર્લભ પ્રજાતિઓ પણ સામેલ હતી. બોટની અને જીઓલોજીના વિદ્યાર્થીઓ માટે સંશોધનનું મહત્વ ધરાવતા આ ગાર્ડન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તાર મોરના બ્રિડિંગ ઝોન તરીકે પણ મહત્વનો હતો. અગાઉ અહીં 40થી વધુ મોર સહિત વિવિધ પક્ષીઓ જોવા મળતા હતા, પરંતુ ગાર્ડન નષ્ટ થતાં મોરના બ્રિડિંગમાં ઘટાડો થયો હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસે જણાવ્યું કે યુનિવર્સિટીની અગાઉ પ્રકાશિત ‘બિયોન્ડ ધ ક્લાસરૂમ’ પુસ્તકોમાં દર્શાવાયેલી તિલકવાળી બતક, રાતી ટોટવી, કાળો કાંચ, કાળી ડોકવાળો ધોળો કાંચ અને નાનો કાજિયો સહિતની પક્ષી પ્રજાતિઓ જોવા મળતાં ત્રણ વેટલેન્ડ પણ હવે અસ્તિત્વમાં નથી. કોંગ્રેસે કુલ રૂ. 25.11 કરોડના વિવિધ કોન્ટ્રાક્ટ અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી. સાથે જ ગાર્ડન નષ્ટ કરવાનો નિર્ણય કોણે લીધો અને બોટની વિભાગને પ્રોજેક્ટની જાણ કેમ ન હતી તે અંગે સ્પષ્ટતા માંગીને કથિત ભ્રષ્ટાચાર માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.