ગાંધીનગરઃ ગુજરાત સરકાર હવે રાજ્યમાં ઐતિહાસિક કાયદાકીય પરિવર્તન લાવવા માટે સજ્જ થઈ ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ સમાન નાગરિક સંહિતા (UCC) માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો અંતિમ રિપોર્ટ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો છે. આ રિપોર્ટ સોંપવાની સાથે જ રાજ્યમાં UCC લાગુ કરવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આ ડ્રાફ્ટમાં રાજ્યની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને જાળવી રાખીને તમામ નાગરિકો માટે એકસમાન કાયદાકીય માળખું તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત પણ આ દિશામાં ડગ માંડનારું રાજ્ય બનવા જઈ રહ્યું છે.
શું છે UCC?
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે 'સમાન નાગરિક સંહિતા'નો અર્થ એ છે કે દેશના કે રાજ્યના તમામ નાગરિકો માટે, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે સમુદાયના હોય, તેમના માટે વ્યક્તિગત બાબતોમાં એક જ સમાન કાયદો લાગુ પડશે. હાલમાં ભારતમાં વિવિધ ધર્મોના પોતાના 'પર્સનલ લો' છે, જે લગ્ન, સંપત્તિ અને વારસા જેવી બાબતોનું સંચાલન કરે છે.
UCC લાગુ થવાથી લગ્ન (Marriage), છૂટાછેડા (Divorce), વારસાગત મિલકત (Inheritance) અને બાળક દત્તક (Adoption) લેવા જેવા પર્સનલ મેટર્સમાં તમામ ધર્મો માટે એકસરખા નિયમો હશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય લિંગ સમાનતા લાવવાનો અને ખાસ કરીને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે.
આ મહત્વપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે 4 ફેબ્રુઆરી, 2025ના સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને હજારો લોકોના અભિપ્રાયો તેમ જ સૂચનો મેળવ્યા હતા.
કમિટીએ વિવિધ ધાર્મિક સંગઠનો, કાયદાકીય નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું કે આ ડ્રાફ્ટમાં મહિલાઓની સુરક્ષા અને સમાન હકને સર્વોપરી રાખવામાં આવ્યા છે.
વિધાનસભામાં બિલ રજૂ કરવાની તૈયારી
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આજે (17 માર્ચ) સાંજે 5 વાગ્યે અધ્યક્ષની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં UCC બિલ સહિત કુલ 4 મહત્વના વિધેયકો લાવવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મળતી માહિતી મુજબ, આગામી 24 માર્ચે આ ઐતિહાસિક બિલ વિધાનસભાના ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. તાજેતરમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની દિલ્હીમાં કેન્દ્રીય નેતાગીરી સાથે થયેલી મુલાકાત બાદ આ પ્રક્રિયા વધુ ઝડપી બની છે. વિધાનસભાનું સત્ર 25 માર્ચ સુધી ચાલવાનું છે, જેના છેલ્લા દિવસોમાં આ બિલ પસાર થવાની પ્રબળ શક્યતા છે.
જો ગુજરાતમાં UCC અમલી બનશે, તો તે રાજ્યના સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. આ કાયદો અમલમાં આવતા જ બહુપત્નીત્વ જેવી પ્રથાઓ પર રોક લાગી શકે છે અને વારસામાં દીકરીઓને સમાન હિસ્સો મળવાની ખાતરી થશે.
કમિટીએ પોતાના અહેવાલમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે આ કાયદો કોઈ ધર્મની વિરુદ્ધ ન હોય, પરંતુ નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાનતાને પ્રોત્સાહન આપે. ગુજરાત સરકાર હવે આ રિપોર્ટના કાયદાકીય પાસાઓનું મૂલ્યાંકન કરીને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરે તેવી અપેક્ષા છે.