અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલનો રાજ્યના મુસ્લિમ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ આ બિલને "મુસ્લિમ વિરોધી" ગણાવીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો અને કાનૂની લડાઈની જાહેરાત કરી છે. સમિતિ આ બિલની માન્યતાને કોર્ટમાં પડકારવા ઉપરાંત, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને એક આવેદનપત્ર સુપરત કરશે અને તેમને આ બિલને મંજૂરી ન આપવા વિનંતી કરશે. આ ઉપરાંત, બિલને હાઈકોર્ટમાં તેને પડકારવા માટેની પિટિશનો પણ દાખલ કરવામાં આવશે.
સમિતિ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો માટે એક વિગતવાર રૂપરેખા પણ જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમ મુજબ, ૩ એપ્રિલના રોજ શુક્રવારની નમાજ દરમિયાન, રાજ્યભરના મુસ્લિમો તેમના જમણા હાથ પર કાળી પટ્ટી બાંધીને યુસીસી બિલ સામે તેમનો વિરોધ વ્યક્ત કરશે. ઉલેમા-એ-કિરામ યુસીસી બિલ વિરુદ્ધ વિશેષ પ્રાર્થનાનું નેતૃત્વ કરશે. આ સાથે, મુફ્તી અહેમદ દેવલા અને અન્ય અગ્રણી મુફ્તીઓ દ્વારા તૈયાર કરાયેલ એક વિશિષ્ટ ખુતબા પણ આપવામાં આવશે. સમિતિએ આ વિરોધને માત્ર ધાર્મિક મુદ્દો ન ગણાવતા, તેને નાગરિક અને બંધારણીય અધિકારોનો મુદ્દો ગણાવીને અન્ય ધાર્મિક અને સામાજિક સંગઠનોનો પણ સહકાર માંગ્યો છે.
આ વિરોધ કાર્યક્રમના ભાગરૂપે, ૬ એપ્રિલના રોજ ગુજરાતભરના જિલ્લા કલેક્ટરોને ધાર્મિક, સામાજિક અને રાજકીય નેતાઓ, વકીલો અને સંસ્થાના વડાઓના પ્રતિનિધિમંડળ દ્વારા આવેદન આપવામાં આવશે. આ દરમિયાન રાજ્યભરની કલેક્ટર કચેરીઓ બહાર શાંત મૌન ધરણાં યોજવામાં આવશે અને વિરોધ અંગેના વીડિયો સંદેશાઓ ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે. આ સાથે, સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ આરોપ લગાવ્યો છે કે, ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલું બિલ બંધારણમાં આપવામાં આવેલ વાસ્તવિક યુસીસી નથી. સમિતિએ રાજ્ય સરકાર પાસે યુસીસી પેનલના અહેવાલને પણ જાહેર કરવાની માંગ કરી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના થોડા મહિના પહેલા જ આવું બિલ બહુમતી જૂથોને રીઝવવા અને લઘુમતી મુસ્લિમોને દબાવીને રાજકીય અને ચૂંટણીલક્ષી લાભ ખાટવા માટે લાવવામાં આવ્યું છે.