ગાંધીનગર: નીતિ આયોગના "ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026"મુજબ ગુજરાત 73.9 બિલિયન ડોલર વિદેશી રોકાણ મેળવવામાં દેશમાં ટોપ પર છે. જેમાં એપ્રિલ 2020 થી 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને 2029 થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે. આ બાબત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આયોજિત વિકસિત ગુજરાત સમિટ 2026માં જણાવી હતી.
નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો
તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકાર ઉદ્યોગસાહસિકોને સસ્ટેનેબલ ગવર્નન્સ અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે સુદ્રઢ ઈન્ડસ્ટ્રીયલ ઈકોસિસ્ટમ પૂરી પાડે છે. જેનાથી રોજગારીનું સર્જન,ઈનોવેશનને પ્રોત્સાહન અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે.
ગુજરાત ટેકનોલોજી સેક્ટરમાં અગ્રેસર
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ દરેક નાગરિકના જીવનની ગુણવત્તામાં દેખાય છે. 'વિકસિત ગુજરાત' આજે દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું રોલ મોડેલ બન્યું છે.દેશનું મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને રિન્યુએબલ એનર્જી ગ્રીન ગ્રોથનું લીડર ગુજરાત હવે ટેકનોલોજી સેક્ટરમાં પણ આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત
તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને રાજ્ય ગ્લોબલ મેપ પર ટેકનોલોજી ક્ષેત્રના મહત્વના પ્લેયર તરીકે પ્રસ્થાપિત થયું છે. એક નવી ઈન્ડસ્ટ્રી સાથે આખી નવી ઈકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં જીસીસી -GCC અને ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે, તેથી આવનારા દિવસોમાં હાઈપર સ્કેલ ડેટા સેન્ટર્સ કાર્યરત થશે. ભારત સરકારે ૨૦૪૭ સુધી ડેટા સેન્ટર માટે જાહેર કરેલા ટેક્સ હોલિડેનો ગુજરાતને મોટો લાભ મળશે
ગુજરાત 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' બન્યું
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ગિફ્ટ સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત થયું છે તે ટેકનોલોજી અને ઉદ્યોગ વચ્ચે મહત્વનો સેતુ છે. ગિફ્ટ સિટીમાં વિકસેલા બેંકિંગ અને ફાઈનાન્શિયલ ઉદ્યોગને પરિણામે અહીં આ સેક્ટરની હાઈ ક્વોલિટી સર્વિસીસ પણ મળે છે.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની સફળતાથી ઔદ્યોગિક વિકાસ દ્વારા ગુજરાત 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' અને નવા ઉદ્યોગો તથા વિદેશી મૂડીરોકાણ માટે 'બેસ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ' બન્યું છે.
ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.