Fri May 01 2026

Logo

ગુજરાતમાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો , PNG ધારકોએ બુધવાર સુધી LPG કનેક્શન સરેન્ડર કરવા પડશે...

2026-03-16 17:10:21
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં એલપીજી સિલિન્ડરની સ્થિતી અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. આ અંગે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકો માટે  ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમજ  બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.  કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. 

બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાના રહેશે

તેમણે પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે,  LPGના ઘરેલુ તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને PNGમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ LPG સાથે PNG કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાના રહેશે. 

ગ્રામ્ય વિસ્તારોમાં વધારાના વિકલ્પ તરીકે કેરોસીન વિતરણની વ્યવસ્થા 

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં LPGના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. LPG ઉપરાંત આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 1452 KL(14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.”

આવશ્યક સેવાઓમાં 10 ટકા કેપ સાથે કોમર્શિયલ LPG પુરવઠો ઉપલબ્ધ 

રાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકા જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન/રેલવે કેન્ટીનમાં 70 ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં 10 ટકા કેપ સાથે કોમર્શિયલ LPG પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્તરાં/ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફુડ પ્રોસેસિંગમાં 10 કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલા લેવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત અનુસાર તમામ ક્ષેત્રોને જરૂરી પુરવઠો મળી રહે.

LPG વિતરણની દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક

રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એજન્સીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય. છેલ્લા 12 દિવસમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા 17 કિસ્સાઓમાં તપાસની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222 નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.