Thu Jun 18 2026

Logo

હોળી-ધૂળેટીમાં એસટી નિગમની કમાલ: 7400 વધારાની ટ્રીપ દ્વારા 3.14 લાખ મુસાફરોએ કરી સફર

2026-03-05 20:21:23
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા બસનો લોકોને ખૂબ ફાયદો થયો હતો. આ વર્ષે  નિગમ દ્વારા આ વર્ષે ૭૪૦૦થી વધુ વધારાની ટ્રીપ દ્વારા ૩.૧૪ લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. 

મળતી વિગતો અનુસાર, તા. ૨૭ ફેબ્રુઆરીથી તા. ૦૪ માર્ચ ૨૦૨૬ દરમિયાન નિગમ દ્વારા કુલ ૭૪૦૦ જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વિશેષ સંચાલન દ્વારા રાજ્યના અંદાજે ૩.૧૪ લાખ મુસાફરોએ એસ.ટી. નિગમની સેવાનો લાભ લીધો હતો.

હોળીના પર્વ પર ડાકોર રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી, નિગમ દ્વારા ડાકોર ખાતેથી સૌથી વધુ સંચાલન કરવામાં આવ્યું હતું. રણછોડરાયજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ૩૬૦૦ ટ્રીપ ચલાવવામાં આવી હતી, જેના દ્વારા ૧.૩૨ લાખ દર્શનાર્થીઓને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. ગત વર્ષે નિગમ દ્વારા ૭૧૦૦ ટ્રીપ ચલાવીને ૨.૮૦ લાખ મુસાફરોને સેવા આપવામાં આવી હતી. જેની સરખામણીએ આ વર્ષે ટ્રીપની સંખ્યામાં અને મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. 

મુસાફરોના ભારે ધસારાને ધ્યાને રાખી મુખ્ય શહેરો ખાતેથી વિશેષ ટ્રીપનું સંચાલન કરાયું હતું. જેમાં અમદાવાદથી ૬૮૭ ટ્રીપ, હિમતનગરથી ૭૧૬ ટ્રીપ, સુરતથી ૪૯૬ ટ્રીપ, વડોદરાથી ૨૫૫ ટ્રીપ, જૂનાગઢથી ૨૨૦ ટ્રીપ, રાજકોટથી ૧૩૧ ટ્રીપ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દાહોદ, ગોધરા, દેવગઢ બારિયા, સંતરામપુર અને લુણાવાડા જેવા મહત્વના કેન્દ્રો પરથી પણ પૂરતી સંખ્યામાં બસો દોડાવવામાં આવી હતી.