અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ વેપારી અને શેરબજારમાં રોકાણ કરનારા લોકો તરીકેની છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નાણાકીય વર્ષ 2025-26ના ડેટા મુજબ, સક્રિય રોકાણકારો અને ટ્રેડિંગ ટર્નઓવર બંને બાબતમાં ગુજરાત બીજા ક્રમે કહ્યું હતું. બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં ગુજરાતી રોકાણકારોની સહભાગિતા ઉચ્ચ સ્તરે જોવા મળી હતી.
રાજ્યના કેટલા રોકાણકારોએ ઓછામાં ઓછું એક વખત કર્યું રોકાણ
NSE ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતના 46 લાખ રોકાણકારોએ ઓછામાં ઓછી એક વખત ટ્રેડિંગ કર્યું હતું. આ આંકડો દેશના કુલ એક્ટિવ વ્યક્તિગત રોકાણકારોનો 12.5% હિસ્સો છે. આ રોકાણકારોએ કેશ માર્કેટમાં કુલ રૂ. 18.5 લાખ કરોડનું ટર્નઓવર કર્યું હતું. રાજ્યમાં કુલ 1.10 કરોડ નોંધાયેલા રોકાણકારોમાંથી લગભગ 42% રોકાણકારોએ નાણાકીય વર્ષ 26 માં ઓછામાં ઓછી એકવાર સોદા કર્યા હતા.
ઈક્વિટ કેશ સેગમેન્ટમાં મહારાષ્ટ્ર, ગુજરાત મોખરે
નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં NSE ના ઈક્વિટી કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોના ટર્નઓવરની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર અને ગુજરાત ટોચના ક્રમે રહ્યા હતા. મહારાષ્ટ્રમાં રૂ. 33 લાખ કરોડનું ટર્નઓવર અને 19% હિસ્સો સાથે પ્રથમ રહ્યું હતું. ગુજરાતમાં રૂ. 18.5 લાખ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું અને 10.6% હિસ્સો નોંધાયું હતો. આ ઉપરાંત, ટોચના પાંચ રાજ્યોમાં યુપી, કર્ણાટક અને દિલ્હી પણ હતા.
ગુજરાતના 46.1 લાખ સક્રિય રોકાણકારોએ તેને NSE ના ઇક્વિટી કેશ સેગમેન્ટમાં બીજું સૌથી મોટું યોગદાન આપનાર રાજ્ય બનાવ્યું હતું. એક્ટિવ રોકાણકારોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 16.6% હતો, જ્યારે ગુજરાતનો હિસ્સો 12.5% રહ્યો હતો.
સૂત્રો ગુજરાતના આ મજબૂત પ્રદર્શન પાછળ રાજ્યની ઊંડી ટ્રેડિંગ સંસ્કૃતિ અને રિટેલ રોકાણકારોની મોટી સંખ્યાને જવાબદાર માને છે. સૂત્રો મુજબ, બજારમાં ઉતાર-ચઢાવ હોવા છતાં ગુજરાતના રોકાણકારો સક્રિય રહ્યા છે કારણ કે ઇક્વિટી રોકાણ રાજ્યની નાણાકીય સંસ્કૃતિમાં વણાયેલું છે. અહીંના ઘણા રિટેલ રોકાણકારો બજારના ઘટાડાને બહાર નીકળવાના કારણને બદલે ખરીદીની તક તરીકે જુએ છે.
જિલ્લા કક્ષાએ અમદાવાદ દેશમાં બીજા ક્રમે
જિલ્લા કક્ષાએ અમદાવાદ મુંબઈ સબબર્ન પછી દેશમાં બીજા ક્રમે રહ્યું હતું. NSE ના અહેવાલ મુજબ, અમદાવાદમાં નાણાકીય વર્ષ 26 માં 10.4 લાખ સક્રિય રોકાણકારો હતા, જે રાષ્ટ્રીય સ્તરે કુલ સક્રિય રોકાણકારોના 2.8% થાય છે. જ્યારે મુંબઈ સબર્બનમાં 12 લાખ રોકાણકારો 3.3% હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે. દેશના ટોચના 10 જિલ્લાઓમાં મળીને કુલ 71.4 લાખ સક્રિય રોકાણકારો છે, જે ભારતના કુલ સક્રિય રોકાણકારોના 19.4% હિસ્સો ધરાવે છે.