Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં 10 થી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થા માટે હવે શ્રમ સેતુ પોર્ટલ પર નોંધણી ફરજિયાત

2026-09-08 17:03:12
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં 10 થી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થા માટે હવે શ્રમ સેતુ પોર્ટલ પર નોંધણી ફરજિયાત

પ્રતીકાત્મક તસવીર


(મુંબઈ સમાચાર ટીમ) 

ગાંધીનગર: ગુજરાતમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી શ્રમ આયુક્તની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના 'ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, 2020' (OSH&WC Code) અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમો અંતર્ગત હવે 10  કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતા તમામ કારખાના, બાંધકામ સ્થળો, ઔદ્યોગિક તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

60 દિવસની અંદર 'ફોર્મ-1 ' ઓનલાઈન  ભરવું 

રાજ્યની તમામ પાત્રતા ધરાવતી સંસ્થાઓ સરળતાથી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલા શ્રમ સેતુ પોર્ટલ https://shramsetu.gujarat.gov.in મારફતે અરજી કરવાની રહેશે. આ જોગવાઈ મુજબ, નવી સ્થપાતી સંસ્થાઓએ કોડ લાગુ થયાના 60  દિવસની અંદર 'ફોર્મ-1 ' ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. 

પ્રમાણપત્ર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે 

જ્યારે જૂના શ્રમ કાયદા હેઠળ પહેલેથી નોંધાયેલી હાલની ચાલુ સંસ્થાઓએ કોડ અમલમાં આવ્યાના 180 દિવસની અંદર 'ફોર્મ-1 ' ઓનલાઈન ભરીને પોતાનું નોંધણી પ્રમાણપત્ર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે.

આ ઉપરાંત, તમામ માલિકોએ મેળવેલું નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવું અનિવાર્ય રહેશે. સંબંધિત કાર્યક્ષેત્રની તમામ સંસ્થાઓ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શ્રમ આયુક્તની કચેરીની યાદીમાં જણાવાયું છે.