Sat Sep 05 2026

Logo

ગુજરાત નાણાકીય શિસ્તમાં પ્રથમ ક્રમે, 22 વર્ષથી સરકારે ઓવરડ્રાફ્ટ નથી લીધો...

2026-03-23 19:27:57
Author: Chandrakant Kanoja
ગુજરાત નાણાકીય શિસ્તમાં પ્રથમ ક્રમે, 22 વર્ષથી સરકારે ઓવરડ્રાફ્ટ નથી લીધો...

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં નાણા મંત્રી  કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ગુજરાતનું ઐતિહાસિક અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યનો નાણા વિભાગ નિયત માપદંડો અને સુશાસનની પરંપરાઓ મુજબ નાણાકીય વ્યવસ્થાપન કરી નાણાકીય શિસ્તનું કડક પાલન કરી રહ્યો છે. તેમજ નાણાકીય શિસ્તમાં ગુજરાત અવ્વલ છે. જેમાં  છેલ્લા 22  વર્ષથી રાજ્ય સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી

GSDPના માત્ર 1.97 ટકા અંદાજવામાં આવી

નાણા મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજવિત્તીય અધિનિયમના માપદંડો મુજબ, ગુજરાતે વર્ષ 2024-25 માં મહેસૂલી ખાધના ‘શૂન્ય’ના લક્ષ્યાંકની સામે રૂ.18,943 કરોડની મહેસૂલી પુરાંત સિદ્ધ કરી છે અને વર્ષ 2026-27ના અંદાજમાં રૂ.25,587 કરોડની મહેસૂલી પુરાંત જાળવી રાખવાનો અંદાજ છે.  ફિસ્કલ ડેફિસિટ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે, GSDPના 3 ટકાની મર્યાદામાં રાખવાની રહે છે, જેની સામે રાજ્યની રાજવિત્તીય ખાધ 2026-27ના અંદાજ અનુસાર GSDPના માત્ર 1.97 ટકા અંદાજવામાં આવી છે.

કુલ દેવું રાજ્યના GSDPના 27.10 ટકાની મર્યાદામાં

રાજ્યના દેવા અંગે સ્પષ્ટતા કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યનું દેવું રાજ્યના વિકાસકાર્યો માટેનું એક સંશાધન છે અને ગુજરાતે દેવાની ચૂકવણીમાં ક્યારેય ચૂક કરી નથી. રાજ્યનું કુલ દેવું રાજ્યના GSDPના 27.10 ટકાની મર્યાદામાં રાખવાનું રહે છે, જેની સામે રાજ્યનું કુલ દેવું વર્ષ 2024-25 માં GSDPના 13.87  ટકા જ રહ્યું છે. જે વર્ષ 2026-27 માં GSDPના 14.65  ટકા રહેવાનો અંદાજ છે. રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે દેવાનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.

વર્ષ 2026-27માં રૂ. 57,311 કરોડ ગ્રાન્ટ મળવાનો અંદાજ 

15 મા નાણાપંચની મુદત પૂર્ણ થયા બાદ એપ્રિલ-2026 થી 16મા નાણાપંચની ભલામણોનો અમલ શરુ થશે. 15મા નાણાપંચની સાપેક્ષમાં 16મા નાણાપંચ અંતર્ગત કેન્દ્રીય વેરામાં ગુજરાતનો હિસ્સો 3.487 ટકાથી વધીને 3.755 ટકા નિર્ધારિત થયો છે. જે પ્રમાણે ગુજરાતને વર્ષ 2026-27માં રૂ. 57,311 કરોડ ગ્રાન્ટ મળવાનો અંદાજ છે. ​નાણાપંચ અંતર્ગત શહેરી અને ગ્રામ્ય સ્વરાજ્યની સંસ્થા તથા અન્ય વિભાગોને ફાળવવામાં આવતી કુલ ગ્રાન્ટોમાં ગુજરાતને વર્ષ 2026-27 માટે આશરે 11.66 ટકાના વધારા સાથે રૂ. 6999 કરોડ ગ્રાન્ટ મળવાનો અંદાજ છે. 

રાજ્યના કરદાતાઓની સંખ્યામાં 172 ટકાથી વધુનો વધારો

રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી અને છેલ્લા 21 નાણાકીય વર્ષથી એકપણ સાધનોપાય પેશગી પણ લીધી નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જૂન, 2017માં જીએસટીની અમલવારી થઇ તે સમયે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા 5,08,863 હતી, જે આજે વધીને 13,82,342 થઈ છે. રાજ્યના કરદાતાઓની સંખ્યામાં 172 ટકાથી વધુનો વધારો થયો છે