અમદાવાદ: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પરીક્ષા સંબંધિત વિવાદોની વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં સંકલિત ઓપરેશન ચલાવી કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ બે આરોપીઓ ટેલિગ્રામ ચેનલ મારફતે NEETના પ્રશ્નપત્ર અને આન્સર કી વેચવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલતા હતા, જ્યારે ત્રીજો આરોપી પરીક્ષા ફી રિફંડના બહાને ઓનલાઈન છેતરપિંડી આચરતો હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમને મળેલી ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો NEET પેપર લીક અંગે દેશવ્યાપી ચર્ચાનો ગેરફાયદો ઉઠાવી વિદ્યાર્થીઓ અને વાલીઓને નિશાન બનાવી રહ્યા છે. આ માહિતીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેકિંગ દ્વારા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
ટેલિગ્રામ પર 'ઓરિજિનલ પેપર'ની લાલચ
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, NEET પેપર લીક વિવાદનો ગેરલાભ ઉઠાવીને રાજસ્થાનના બે ભેજાબાજોએ ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી હતી. આ બંને શખસો સોશિયલ મીડિયા પર મેસેજ મૂકીને વિદ્યાર્થીઓ અને વાલીઓને લાલચ આપતા હતા કે તેઓ લાખો રૂપિયાના બદલામાં NEETનું અસલ પેપર અને આન્સર કી લાવી આપશે.
હકીકતમાં આ આરોપીઓ પાસે કોઈ અસલ પેપર નહોતું. તેઓ માત્ર ઉમેદવારોની લાચારીનો ફાયદો ઉઠાવી એડવાન્સમાં પૈસા પડાવતા હતા અને બાદમાં તેમને જૂના કે બોગસ પેપરો પધરાવી દઈ મોટી છેતરપિંડી આચરતા હતા. સાયબર ક્રાઈમે ટેકનિકલ લોકેશનના આધારે આ બંનેને રાજસ્થાનથી દબોચી લીધા છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સામેલ હતું કે નહીં અને દેશના અન્ય રાજ્યોમાં પણ આવા કિસ્સા જોડાયેલા છે કે કેમ.
રિફંડના નામે વિદ્યાર્થીઓના એકાઉન્ટ સાથે ચેડાં
આ કેસમાં ત્રીજી ધરપકડ બિહારમાંથી કરવામાં આવી છે. આરોપી વિદ્યાર્થીઓને પરીક્ષા ફી રિફંડ મળવાનું હોવાનું કહી તેમની વ્યક્તિગત માહિતી મેળવતો હતો. પ્રાથમિક તપાસ મુજબ તે વિદ્યાર્થીઓના લોગિન આઇડી, પાસવર્ડ અને અન્ય જરૂરી વિગતો હાંસલ કરીને તેમના એકાઉન્ટ સાથે ચેડાં કરતો હતો.