અમદાવાદઃ નવરાત્રિ આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જોકે ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર છે. નવરાત્રિમાં વરસાદના વિઘ્નનની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને 20 ઓક્ટોબરના રોજ દશેરા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ 10 થી 12 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં પલટો આવશે, 16 થી 19 ઓક્ટોબરમાં પણ વરસાદની શક્યતા છે. એટલે કે નવરાત્રિનો રંગ બરાબર જામ્યો હશે ત્યાં જ વરસાદ ખેલૈયાઓ માટે વિલન બની શકે છે.
આ વર્ષે પણ આખી રાત ગરબા રમી શકાશે
ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓને મોડી રાત સુધી કે આખી રાત ગરબે ઘૂમવાની છૂટછાટ મળવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ગાંધીનગર ખાતે એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનથી ગરબા રસિકોમાં અત્યારથી જ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
બે દિવસ પહેલા ગાંધીનગર સ્થિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હર્ષ સંઘવીએ પોતાના સંબોધન દરમિયાન નવરાત્રિના ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મંચ પરથી ઉપસ્થિત વિશાળ જનમેદની સાથે સીધો સંવાદ સાધતા પૂછ્યું હતું કે, તમે નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી ગરબા રમો છો? ગૃહમંત્રીના આ અણધાર્યા અને ઉત્સાહપૂર્ણ પ્રશ્નના જવાબમાં હોલમાં હાજર તમામ યુવાનો અને લોકોએ એકસૂરે અને પૂરા જોશ સાથે પોકાર કર્યો હતો - આખી રાત.
જનમેદની તરફથી મળેલા આ જોરદાર પ્રતિસાદ બાદ તેમણે પણ હળવાશ અને ઉત્સાહભર્યા અંદાજમાં આ વર્ષે પણ ગરબા રસિકો માટે આખી રાત ગરબા રમવાની છૂટ ચાલુ રાખવાના સકારાત્મક સંકેતો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન રાત્રિના12 વાગ્યા પછી લાઉડસ્પીકર અને ગરબા બંધ કરવાના નિયમો વચ્ચે સરકાર સામાન્ય રીતે જાહેર હિત અને તહેવારના ઉત્સાહને ધ્યાને રાખી ખાસ છૂટછાટ આપતી હોય છે. ગત વર્ષોમાં પણ રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપી હતી, જેને સમગ્ર રાજ્યના યુવાધને આવકારી હતી. હવે જ્યારે આ વર્ષે પણ આવા જ સંકેત મળી રહ્યા છે.